શુક્રવારે (1 માર્ચ, 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. અહીં એક સભા સંબોધતી વખતે તેમણે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું તો તાજેતરના સંદેશખાલી મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ શેખ શાહજહાંનું નામ લીધા વગર કહ્યું કે, TMC નેતાને બચાવવા માટે મુખ્યમંત્રી દીદી અને તેમની સરકારે જે કંઈ પણ થઈ શકે તે કર્યું અને પૂરી શક્તિ લગાવી દીધી. આ બધું જ દેશ જોઈ રહ્યો છે.
PM મોદીએ કહ્યું, “બંગાળની સ્થિતિ પણ આજે દેશ જોઈ રહ્યો છે. મા, માટી, માનુષના ઢોલ પીટનારી TMCએ સંદેશખાલીની બહેનો સાથે જે કર્યું છે તે જોઈને આખો દેશ દુઃખી છે, આક્રોશિત છે.” તેમણે આગળ કહ્યું કે, “રાજા રામ મોહનરાયનો આત્મા આજે જ્યાં પણ હશે, આ લોકોનાં આ કારનામાં જોઇને અત્યંત દુઃખી થઈ હશે, કારણ કે તેમણે સંદેશખાલીમાં જે કંઈ કર્યું, આજે રાજા રામ મોહનરાયનો આત્મા રડતો હશે.”
#WATCH | PM Modi attacks TMC on Sandeshkhali issue while addressing a public rally in West Bengal's Arambagh
— ANI (@ANI) March 1, 2024
"The country is seeing what TMC has done with the sisters of Sandeshkhali. The whole country is enraged. The soul of Raja Ram Mohan Roy (social reformer) must have been… pic.twitter.com/sTTawokZaV
તેમણે ઉમેર્યું કે, “TMC નેતાએ સંદેશખાલીમાં બેન-દીકરીઓ સાથે દુ:સાહસની તમામ હદો પાર કરી દીધી. જ્યારે સંદેશખાલીની બહેનોએ અવાજ બુલંદ કર્યો અને મમતા દીદી પાસે મદદ માંગી ત્યારે તેમને શું મળ્યું? મુખ્યમંત્રી દીદીએ, બંગાળ સરકારે TMCના નેતાને બચાવવા માટે જે કંઈ કરી શકતા હતા…સંપૂર્ણ શક્તિ લગાવી દીધી.”
વડાપ્રધાને કહ્યું કે, “BJPના તમામ નેતાઓએ રાત-દિવસ લડાઇ લડી, માતાઓ-બહેનોના સન્માન માટે લડ્યા, લાઠીઓ ખાધી અને મુશ્કેલીઓ વેઠી. આખરે ભાજપના દબાણમાં આવીને કાલે બંગાળ પોલીસે તમારી તાકાત સામે ઝૂકીને આરોપીની ધરપકડ કરવી પડી.”
PMએ કહ્યું, “TMCના રાજમાં, TMCનો આ ગુનેગાર નેતા લગભગ 2 મહિના સુધી ફરાર રહ્યો. કોઇ તો હશે જે તેને બચાવતું હશે. શું આવી TMCને તમે માફ કરશો? શું માતાઓ-બહેનો સાથે જે થયું છે તેનો બદલો લેશો કે નહીં? દરેક ચોટનો જવાબ વોટથી આપવાનો છે.” તેમણે કહ્યું કે, આજે બંગાળની જનતા દીદીને પૂછી રહી છે કે શું અમુક લોકોના મત સંદેશખાલીની પીડિત મહિલાઓ કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે? શરમ આવવી જોઈએ.”
વિપક્ષના મૌન પર સવાલ ઉઠાવ્યા, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પણ આડેહાથ લીધા
વડાપ્રધાન મોદીએ સંદેશખાલીની ઘટના પર વિપક્ષના મૌન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. મને સૌથી વધુ આશ્ચર્ય INDI ગઠબંધનના બાકીના નેતાઓને જોઈને થાય છે. ગઠબંધનના મોટા-મોટા નેતા સંદેશખાલી પર ગાંધીજીના ત્રણ વાંદરાઓની જેમ આંખ-કાન અને મોં બધું બંધ કરીને બેઠા છે.” કોંગ્રેસ પર સવાલ ઉઠાવતાં તેમણે કહ્યું કે, તેઓ પટના, મુંબઈ અને બેંગ્લોરમાં બેઠકો કરે છે, પરંતુ શું તેમણે બંગાળ સરકાર પાસે આ ઘટનાઓ વિશે જવાબ માગ્યો? તેમનાથી સંદેશખાલીની બહેનો તરફ જોવાયું પણ નહીં.
PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ આડેહાથ લીધા. તેમણે કહ્યું કે આટલું થયું હોવા છતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું કે, છોડો બંગાળમાં તો આ બધું ચાલતું રહે છે. તેમણે જનતાને પૂછ્યું કે શું આ બંગાળનું, તેની મહાન પરંપરા, મહાન સંસ્કૃતિ, વીર પુરુષો અને સંસ્કારપ્રિય નાગરિકોનું અપમાન છે કે નહીં? તેમણે અંતે કહ્યું કે, INDI ગઠબંધન અને કોંગ્રેસની આ જ વાસ્તવિકતા છે.