શનિવારે (24 ફેબ્રુઆરી, 2024) INDI ગઠબંધનની બે પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાત, દિલ્હી, હરિયાણા સહિતનાં રાજ્યોમાં ગઠબંધનનું એલાન કર્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ 24 અને AAP 2 બેઠકો પર લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. હવે આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બંને પાર્ટીઓ હજુ પણ દિવાસ્વપ્નમાં રાચી રહી છે અને ભાજપને ફરી એક વખત 26માંથી 26 બેઠકો મેળવતાં કોઇ રોકી શકે નહીં.
ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું, “મને લાગે છે કે કોંગ્રેસ અને AAP બંને હજુ પણ દિવાસ્વપ્નમાં રાચે છે અને વાસ્તવિક ભૂમિ પર આવવાની તેમની તૈયારી નથી.” આગળ કહ્યું કે, “જે ચૈતર વસાવાને લઈને જેઓ બહુ ઉત્સાહિત છે તેમણે પરિણામો પણ જોવાં જોઈએ. ભરૂચ લોકસભાની સાત બેઠકોમાંથી 4 બેઠકો પર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. 1 જ બેઠક તેઓ જીતી શક્યા હતા અને બાકીની 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી. ભાજપને 6 લાખ મત મળ્યા હતા અને AAPને દોઢ લાખ.”
#WATCH | On seat-sharing between Congress and AAP in Gujarat for Lok Sabha elections, state BJP chief C R Paatil says, "Under INDI Alliance, Congress will contest on 24 and AAP on 2 of the total seats in the state…Ahmed Patel was considered a very stong leader, still he lost… pic.twitter.com/0FEvaFj34Z
— ANI (@ANI) February 24, 2024
આગળ તેમણે કહ્યું કે, “અમે વર્ષોથી આ બેઠક જીતી રહ્યા છીએ. એક સમયે અહમદ પટેલ, જેઓ બહુ શક્તિશાળી માનવામાં આવતા હતા, તેઓ પણ હાર્યા હતા. તો આજે AAP સારું પ્રદર્શન કરશે એ હું નથી માનતો. તેમને કારમી હાર મળશે. કારણ કે મોટી-મોટી વાતો કરવી અને ચૂંટણી પછી ગુમ થઈ જવું- આ હવે લોકો સમજવા માંડ્યા છે.”
તેમણે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “હવે લોકોને PM મોદીની ગેરંટી પર વિશ્વાસ બેસી ગયો છે. આજે વિશ્વને ભરોસો છે તો દેશને તો મોદી પર પૂરેપૂરો વિશ્વાસ છે. ભાવનગરમાં પણ અમે મજબૂત પાર્ટી છીએ. બંને બેઠકો પર AAP હારશે.” તેમણે ઉમેર્યું કે, “PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમણે કરેલા વિકાસ અને તેમણે જે વચનો પૂર્ણ કર્યાં છે તેના આધારે અમે ચૂંટણી લડીશું અને ગુજરાતના મતદારો અમારી ઉપર વિશ્વાસ મૂકશે તેવો પૂરેપૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે અમે તમામ 26 બેઠકો પાંચ લાખની લીડ સાથે જીતીશું.”
ઉલ્લેખનીય છે કે AAP અને કોંગ્રેસ વચ્ચે થયેલા ગઠબંધન અનુસાર, ભરૂચ અને ભાવનગર બેઠકો પર AAP અને બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ લડશે.