તાજેતરમાં પશ્ચિમ બંગાળના સિલીગુડી સફારી પાર્કમાં લાવવામાં આવેલા બે સિંહનાં નામોને લઈને વિવાદ સર્જાયો હતો. બંનેને એક જ પાંજરામાં રાખવામાં આવ્યા હતા, જેમાંથી એકનું નામ છે ‘સીતા’ અને બીજાનું ‘અકબર’. આ મામલે વિશ્વ હિંદુ પરિષદે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરીને હસ્તક્ષેપની માગ કરી હતી. આખરે કોર્ટે બંને સિંહને અલગ નામ આપવા માટે આદેશ કર્યો છે.
કલકત્તા હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે રાજ્ય સરકારને બંને સિંહનાં અલગ નામ રાખવા માટે આદેશ આપીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકવા માટે જણાવ્યું. આ સાથે કોર્ટે અગત્યની ટિપ્પણીઓ પણ કરી હતી. કોર્ટે નોંધ્યું કે માતા સીતાને દેશના એક મોટા વર્ગ દ્વારા પૂજવામાં આવે છે. જ્યારે અકબરને કોર્ટે ‘સફળ’ અને ‘સેક્યુલર’ મુઘલ શાસક ગણાવ્યો.
કોર્ટે સરકારના વકીલને સવાલ કરતાં કહ્યું, “શું તમે તમારા કોઇ પાલતુ પ્રાણીનું નામ હિંદુ દેવતા કે પછી મુસ્લિમ પયગંબરના નામ પરથી રાખશો? મને લાગે છે કે આપણામાંથી કોઈને પણ સત્તા હોય, આપણે કોઇ પણ તેમનાં (સિંહના) નામ સીતા અને અકબર રાખ્યાં ન હોત. શું આપણે કોઇ પ્રાણીને નામ ‘રવિન્દ્રનાથ ટાગોર’ રાખવાનું વિચારી શકીએ? સીતાને દેશના એક મોટા વર્ગ દ્વારા પૂજવામાં આવે છે. સાથે હું સિંહનું નામ ‘અકબર’ રાખવાનો પણ વિરોધ કરું છું. તેઓ એક કાર્યક્ષમ, સફળ અને પન્થિરપેક્ષ મુઘલ શાસક હતા.” કોર્ટે આગળ કહ્યું, “તમે બીજું કોઇ પણ નામ રાખી શક્યા હોત, પણ આવાં નામ રાખવાની શું જરૂર છે?
West Bengal tells Calcutta High Court naming Lions as Sita, Akbar was done by Tripura zoo Authorities; Court urges State to give new names
— Bar & Bench (@barandbench) February 22, 2024
Read more here: https://t.co/wLKnyM3H2X pic.twitter.com/Ii2guXbfCQ
કોર્ટે આ આદેશ વિશ્વ હિંદુ પરિષદની એક અરજી પર સુનાવણી કરતી વખતે આપ્યો હતો, જેમાં સંગઠને સિંહણનું નામ ‘સીતા’ રાખવા પર વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. VHPએ અરજી મારફતે સિંહણનું નામ બદલીને બીજું કોઇ પણ સામાન્ય નામ રાખવા માટે અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટે સફારી પાર્કને આદેશ કર્યો કે તેઓ એવું કોઇ નામ રાખે, જે હિંદુ ધર્મ સાથે સંકળાયેલું ન હોય.
આ પહેલાં સુનાવણીમાં પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, આ બંનેનાં નામ ત્રિપુરા ઝૂ ઓથોરિટી દ્વારા આપવામાં આવ્યાં હતાં અને તેમાં બંગાળ સરકારનો કોઈ હાથ નથી. એવી દલીલ પણ કરવામાં આવી કે બંને 2016 અને 2018માં જન્મ્યાં હતાં અને તાજેતરમાં જ બંગાળ લાવવામાં આવ્યાં છે. જોકે, કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાજ્ય પહેલેથી જ ઘણા વિવાદોમાં ઘેરાયેલું છે અને આ પ્રકારના વિવાદો ટાળી શકાય તેમ છે. ત્યારબાદ AAGએ જણાવ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે સિંહોને નવાં નામ આપી દેવામાં આવે.