તાજેતરમાં સંદેશખાલીની ઘટના પર રિપોર્ટિંગ કરતા રિપબ્લિક બાંગ્લાના એક પત્રકારની પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી લીધી હતી. હવે કોર્ટે તેમને જામીન આપી દીધા છે. સન્તુ પાન નામના આ પત્રકારને પોલીસે લાઇવ કવરેજ દરમિયાન જ પકડી લીધા હતા, પરંતુ હવે તેમને રાહત મળી છે.
#UPDATE | Journalist Santu Pan, associated with Republic TV, who was arrested by West Bengal Police in Sandeshkhali on February 19 has been granted bail by the Court in Kolkata. https://t.co/xb2ufBU5xN
— ANI (@ANI) February 22, 2024
રિપબ્લિક ટીવીના રિપોર્ટ અનુસાર, કોલકત્તા હાઈકોર્ટે તેમના રિપોર્ટિંગના અધિકારનું રક્ષણ કરતાં પાનને જામીન આપ્યા છે. રિપબ્લિકે રિપોર્ટમાં કહ્યું કે, એક તરફ જ્યાં મમતા બેનર્જીની સરકાર સંદેશખાલીના સત્યને દબાવવા માટે પ્રયાસ કરી રહી છે ત્યાં હાઈકોર્ટનો આ આદેશ પ્રેસ સ્વતંત્રતા માટે એક મોટી જીત છે. રિપોર્ટ અનુસાર, મહેશ જેઠમલાણીએ સન્તુ પાનના પક્ષે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે રિપબ્લિક પત્રકારને જામીન આપ્યા હતા.
પત્રકારને જામીન આપતાં હાઈકોર્ટે કહ્યું કે, રિપોર્ટર સામેના આરોપો માટે કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. કોર્ટે પોલીસને સવાલ કર્યો કે શા માટે FIR રદ ન થવી જોઈએ? કોર્ટે મમતા સરકારની પોલીસને આડેહાથ લેતાં કહ્યું કે, “પોલીસ અધિકારીઓ પર દયા આવે છે. તમે જે ખરેખર ગુનેગારો છે તેમને પકડી શકતા નથી અને નિર્દોષ પત્રકારોની પાછળ પડ્યા છો. જ્યારે જેઓ પકડાયા નથી તેઓ સ્પષ્ટપણે કાયદાની મજાક ઉડાવી રહ્યા છે. તમે બધી જ તાકાત એક નિર્દોષ પત્રકાર પાછળ લગાવી દીધી છે.
પાન પહેલેથી જ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં મહિલાઓના બળાત્કાર અને શોષણના આરોપોને લઈને મુખરતાથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા. દરમ્યાન, ગત 19 ફેબ્રુઆરીના રોજ સન્તુ લાઈવ કવરેજ કરી રહ્યા હતા ત્યારે બંગાળ પોલીસ આવીને તેમને લઇ ગઇ હતી. વિડીયોમાં જોવા મળ્યું હતું કે તેમને બંને તરફથી 2 પોલીસકર્મીઓએ પકડ્યા અને ઈ-રિક્ષામાં બેસાડીને લઇ જ્યા હતા. આ દરમિયાન પણ તેઓ સતત રિપોર્ટિંગ કરતા રહ્યા.
બંગાળ પોલીસ દ્વારા પત્રકારની ધરપકડ બાદ દેશભરમાંથી આ કરતૂત વિરુદ્ધ અવાજ ઊઠ્યો હતો અને મમતા સરકાર પર માછલાં ધોવાયાં હતાં. ભારતીય જનતા પાર્ટીએ પણ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો.
બંગાળ ભાજપે કહ્યું હતું કે, “સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ જઘન્ય અત્યાચારોનો ખુલાસો કરનાર બહાદુર પત્રકાર સન્તુ પાનને પોલીસના વેશમાં આવેલા મમતાના ગુંડાઓએ પકડી લીધા. આ કાયરતાપૂર્ણ કૃત્ય મમતા બેનર્જીન શાસનનો સાચો ચહેરો ઉજાગર કરે છે. અસહમતિને કચડનાર અને ગુનેગારોની રક્ષા કરનાર શાસન તાનાશાહી છે.”
ઉલ્લેખનીય છે કે બંગાળના સંદેશખાલીમાં અમુક મહિલાઓએ TMC નેતા શાહજહાં શેખ અને તેના માણસો વિરુદ્ધ અત્યાચારનો આરોપ લગાવ્યો છે, જે મુદ્દો ઘણા દિવસોથી દેશમાં ચર્ચામાં છે. જોકે, શેખ હજુ સુધી ફરાર છે અને સંતોષકારક કાર્યવાહી ન કરવા બદલ મમતા બેનર્જી સરકાર પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. રેશન કૌભાંડમાં ફસાયેલા TMC નેતાના ઘરે દરોડા પાડવા માટે ગયેલી EDની ટીમ પર હુમલો થયો હતો, ત્યારબાદ તેના ગુંડાઓ પર આ યૌન શોષણ અને અત્યાચારના આરોપો લાગ્યા હતા.