નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની 17 વર્ષની હિંદુ આદિવાસી સગીરા સાથે ઇમ્તિયાઝ પઠાણે લગ્નની લાલચ આપી, હિંદુ નામ ધારણ કરીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ભાવિન નામ આપીને પહેલાં તેણે સગીરાનું અપહરણ કરી લીધું હતું અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપી ઇમ્તિયાઝ પઠાણનો અબ્બુ શબ્બીર પઠાણ પણ સગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. કોર્ટે આરોપી અબ્બુ અને દીકરાને સખત સજા ફટકારી છે.
ડેડીયાપાડા પોલીસ સ્ટેશન પર ભોગ બનનાર હિંદુ સગીરાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ, તેમની 17 વર્ષની દીકરી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી. જે દરમિયાન આરોપી ઇમ્તિયાઝ પઠાણે ડેડીયાપાડાની આદિવાસી સગીરાને બોર્ડનું છેલ્લું પેપર આપવા નહીં દઈને લલચાવી-ફોસલાવી, ભાવિન નામ આપી અને લગ્નની લાલચ આપી હતી. જે બાદ તેણે સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યાર પછી આરોપીએ વારંવાર આદિવાસી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનો અબ્બુ શબ્બીર પઠાણ પણ વારંવાર સગીરા સાથે શારીરિક અડપલાં કરતો હતો. જે બાદ ડેડીયાપાડા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી હતી
હિંદુ ઓળખ આપી યુવતીઓને ફસાવતો
આ મામલે વકીલ જિતેન્દ્ર ગોહિલે જણાવ્યું હતું કે, આ ચુકાદામાં પોક્સો એક્ટ (POCSO act) હેઠળ સજા કરવામાં આવી છે. જેમાં આરોપી મુસ્લિમ હોવા છતાં હિંદુ ઓળખ અને નામ આપી યુવતીઓને ફસાવતો અને તેની સાથે બળાત્કાર કરતો હતો. તેણે 10 વર્ષ પહેલાં નાંદોદ તાલુકાના એક ગામની હિંદુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનાથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો. ત્યાર પછી ઇમ્તિયાઝ યુવતી અને તેની પુત્રીને છોડીને ભાગી ગયો હતો અને ડેડીયાપાડા તાલુકામાં આવી રહેવા લાગ્યો હતો.
ડેડીયાપાડામાં પણ તેણે એક હિંદુ આદિવાસી સગીરાને ભાવિન નામ આપીને ફસાવી લીધી હતી. તેની સાથે આરોપીએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. તેણે સગીરાનો ન્યુડ વિડીયો પણ ઉતારી લીધો હતો. જે વાયરલ કરવાની ધમકી આપીને તે વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. જોકે, એક દિવસ સગીરાને આરોપીના થેલામાંથી તેનું LC મળી આવ્યું હતું. જે જોયા બાદ સગીરા ડરી ગઈ હતી. ત્યારે તેને જાણ થઈ હતી કે, તેનો પ્રેમી ભાવિન નહીં પણ ઇમ્તિયાઝ છે. સગીરાએ તાત્કાલિક આ અંગેની જાણ ઇમ્તિયાઝના અબ્બુ શબ્બીર પઠાણને કરી હતી.
જે બાદ ઇમ્તિયાઝનો અબ્બુ શબ્બીર પઠાણ પણ સગીરાની છાતી અને શરીરના અન્ય ભાગો પર અડપલાં કરવા લાગ્યો હતો. આરોપી શબ્બીર પઠાણ દરેક વાતમાં ઇમ્તિયાઝને સમર્થન આપી રહ્યો હતો અને તેને આવા કાંડ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યો હતો. જે બાદ સગીરાએ કોઈ રીતે તેના પિતા સુધી આ વાત પહોંચાડી હતી. ત્યારે સગીરાના પિતાએ આ મામલે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટે સખત કેદની સજા ફટકારી
આ મામલે નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટમાં ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે બાદ એડિશનલ સેશન્સ જજે મુખ્ય આરોપી ઇમ્તિયાઝ પઠાણને 10 વર્ષની સખત કેદની સજા અને ₹17 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ આરોપીને સહયોગ આપનાર તેના અબ્બુ શબ્બીર પઠાણને 3 વર્ષની સખત જેલ અને ₹6000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત જિલ્લા કોર્ટે ભોગ બનનાર હિંદુ આદિવાસી સગીરાને ₹50,000નું વળતર ચૂકવવા માટે પણ આદેશ આપ્યો છે.