કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચેની વાતચીતનો ચોથો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો અને 21 ફેબ્રુઆરીએ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત પણ કરી દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ આંદોલન ખેડૂતોના નામે ચાલી રહ્યું છે, પરંતુ આંદોલનનો એજન્ડા કઈ અલગ દેખાઈ રહ્યો છે. કોઈ કથિત ખેડૂત વડાપ્રધાન મોદીને મારવાની ધમકી આપી રહ્યો છે, તો કોઈ PM મોદીની લોકપ્રિયતાના ગ્રાફને નીચે લાવવાની વાત કરી રહ્યો છે. આટલું જ નહીં, પરંતુ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનના ઝંડા ફરકી રહ્યા છે! PM મોદીને મારવાની ધમકી અને આ બધી બાબતોને લઈને પંજાબના પૂર્વ મંત્રી અને ‘ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટ’ના ચેરમેન MS બિટ્ટા (મનિન્દરજીત સિંઘ બિટ્ટા) કથિત ખેડૂતો પર ભડક્યા છે.
વલસાડ જિલ્લાના વાપી પ્રવાસે આવેલા પંજાબના પૂર્વ મંત્રી MS બિટ્ટા દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા કથિત ખેડૂતો પર ભડકી ઉઠયા છે. તેમણે વલસાડમાં મીડિયા સાથે વાત કરતી વખતે પંજાબના આ ખેડૂતો સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. સાથે જ વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપનાર સામે આકરા પ્રહાર કર્યા છે.
#WATCH | Valsad, Gujarat | All-India Anti-Terrorist Front chairman, Maninderjit Singh Bitta says, "…You may not like the popular PM of India but the entire world salutes him…You may abuse him but if words like "pehle Punjab mein bach gaya, hum inko maar denge" are uttered… pic.twitter.com/y68O8AiUi4
— ANI (@ANI) February 20, 2024
તેમણે કહ્યું, “તમે આંદોલન કરો, પણ તમારા આંદોલનની અંદર ભારતના પોપ્યુલર પ્રધાનમંત્રી તમને સારા નાથી લાગતાં તો કોઈ વાંધો નહીં. આજે આખી દુનિયા તેમને સેલ્યુટ કરી રહી છે. અમેરિકા તેમની માટે રેડ કાર્પેટ પાથરે છે. ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન તેમના પગે પડે છે. ભલે તમારા આંદોલનમાં તમને તેઓ સારા નાથી લાગતાં. પરંતુ તમે ભારતના પ્રધાનમંત્રી માટે એવું કહો છો કે, ‘તે પંજાબમાં બચી ગયો, હવે તેને મારી નાખીશું.’ તો શું આ પાઘડી ચૂપ રહેશે?”
‘હક્ક માટે લડો પણ યોગ્ય રીતે’- બિટ્ટા
MS બિટ્ટાએ વધુમાં કહ્યું કે, “PM નરેન્દ્ર મોદીએ દેશને આતંકવાદ મુક્ત કર્યો, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી, અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના સહિત અનેક મહત્વના નિર્ણય કર્યા. તેવા દેશના વડાપ્રધાનને મારી નાખવાની આંદોલનકારી ધમકી આપી રહ્યા છે. દેશની શાંતિ ખંડિત કરવાની વૃત્તિ ધરાવતા લોકો કિસાન આંદોલનની આડમાં કામગીરી કરી રહ્યા છે.”
તેમણે ઉમેર્યું, “લોકશાહી દેશ છે. તમામ લોકોને પોતાના હક્ક અને અધિકાર માટે લડત આપવાની અને આંદોલન કરવાની છૂટ છે. પરંતુ વિરોધ યોગ્ય રીતે થવો જોઈએ. દુનિયામાં ભારત દેશનું નામ ખૂબ મજબૂત છે. અનેક દેશના લોકો ભારતના નિર્ણય સાથે ઊભા હોય છે. આવા ભારતની આન, બાન અને શાનને ઠેસ ન લાગે તે જોવું જ પડશે.”
‘ખાલિસ્તાનીઓ દેશની શાંતિને ખતરામાં મૂકવાનું કાવતરું કરી રહ્યા છે’- પૂર્વ મંત્રી
વલસાડના વાપી ખાતે આવેલા MS બિટ્ટાએ જણાવ્યું કે, “પંજાબ કરતાં દેશના અન્ય રાજ્યોમાં પંજાબીઓને સન્માન વધુ મળે છે. ખેડૂત આંદોલનની આડમાં કેટલાક ખાલિસ્તાનીઓ અને અસામાજિક તત્વો દિલ્હી અને દેશની શાંતિને ખતરામાં મૂકવાનું કાવતરું કરી રહ્યા છે. સરકાર સાથે ખેડૂતોએ ટેબલ પર બેસીને તમામ રીતે સમાધાન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગત આંદોલનમાં દેશની આન, બાન, શાન ગણાતા લાલ કિલ્લા પર આંદોલનકારીઓએ મચાવેલો ઉત્પાત કેમ ભૂલી શકાય. વિશ્વગુરુ તરફ આગળ વધી રહેલા ભારતની શાનમાં કોઈ આંચ ન આવે તે આંદોલકારીઓએ પણ જોવું જોઈએ.”
બિટ્ટાએ ઉમેર્યું કે, “આ ગુરુઓનો દેશ છે. હદ થઈ ગઈ. આપણાં વડાપ્રધાનને ધમકી આપવામાં આવે છે. ઈન્દિરા ગાંધીને મારી નાખ્યા, બેઅંત સિંઘને પણ મારી નાખ્યા. હું ખેડૂતોની વાત નથી કરી રહ્યો. પરંતુ આંદોલનમાં ઘૂસીને ખાલિસ્તાનના નારા લગાવે છે એ ક્યારેય સહન કરવામાં નહીં આવે. આપણો દેશ એક હતો અને એક જ રહેશે.”
નોંધનીય છે કે, MS બિટ્ટા (મનિન્દરજીત સિંઘ બિટ્ટા) રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર છે. હાલમાં તેઓ ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ છે. તે પંજાબમાં બિઅંત સિંઘની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. એક સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા બિટ્ટા હવે રાજનીતિ છોડી ચૂક્યા છે અને કારગિલ યુદ્ધ અને ભારતીય સંસદના હુમલામાં વિરગત થયેલા પરિવારોની સંભાળ રાખવાની જવાબદારી સંભાળી રહ્યા છે.