ઉત્તરાખંડના હલ્દ્વાની સ્થિત બનભૂલપુરામાં ઇસ્લામવાદી કટ્ટરપંથીઓ દ્વારા કરાયેલી હિંસામાં પોલીસ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નૈનીતાલના હલ્દ્વાનીમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા મદરેસાને તોડી પાડવા બાબતે થયેલી હિંસા મામલે પોલીસ દ્વારા સોમવારે (19 ફેબ્રુઆરી 2024) 2 વોન્ટેડ આરોપીઓ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
નૈનીતાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) પ્રહલાદ નારાયણ મીણાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “આ 10 લોકોની ધરપકડ બાદ 8 ફેબ્રુઆરીની હિંસાની ઘટના મામલે પકડાયેલા આરોપીઓનો આંકડો 68 સુધી પહોંચ્યો છે. સોમવાર (19 ફેબ્રુઆરી)ના રોજ ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરબાઝ નામનો એક વ્યક્તિ પણ છે, જેણે હિંસા ભડકાવવા કટ્ટરપંથી ટોળાને પેટ્રોલ બોમ્બ બનાવવા માટેની સામગ્રી સપ્લાય કરી હતી. તોફાનીઓએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પર આ પેટ્રોલ બોમ્બનો ફેંક્યા હતા.” એસએસપીએ જણાવ્યું કે, તેની પાસેથી નવ લીટર પેટ્રોલ જપ્ત કરવામાં આવ્યું છે.
SSP પ્રહલાદ મીણાએ જણાવ્યું કે, હલ્દ્વાની હિંસા કેસમાં સોમવારે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાગતા ફરતા બે મુખ્ય આરોપી તસ્લીમ અને વસીમની પણ ધરપકડ કરી લેવાઈ છે. હિંસાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ અને તેનો પુત્ર હજુ પોલીસની પકડમાં નથી આવ્યા. તેમણે જણાવ્યું હતું કે, હિંસા પછી નોંધાયેલી ત્રણ FIRમાં નામજોગ 16 આરોપીઓમાંથી 12ની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ઉપદ્રવીઓની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે હિંસા બાદ હલ્દ્વાનીમાં ધારા 144 લાગુ કરીને કર્ફ્યું જાહેર કર્યો હતો. જોકે હવે તેમાં થોડી રાહત આપવામાં આવી છે. આ મામલે પ્રશાસને જણાવ્યું હતું કે હલ્દ્વાનીની જનતાને કરફ્યુમાં રાહત આપવા માટે હવે રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી જ તેને લાગુ કરવામાં આવશે.
આ પહેલાં હલ્દ્વાની હિંસામાં નૈનીતાલ પોલીસે કાર્યવાહી કરતા 30 જેટલા ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે તેમની પાસેથી 7 તમંચા અને 54 કારતૂસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આ આરોપીઓ પાસેથી પોલીસ સ્ટેશનમાંથી લૂંટેલા 99 કારતૂસ પણ કબજે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 8 ફેબ્રુઆરી 2024ના રોજ ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલપુરામાં ગેરકાયદેસર મદરેસા અને મસ્જિદને તોડી પાડવાને લઈને હિંસા આચરવામાં આવી હતી. હિંસામાં 300થી વધુ લોકો ઘાયલ થાય હતા જેમાં સૌથી વધુ પોલીસકર્મીઓ હતા. હિંસામાં ઉપદ્રવીઓએ પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું હતું.