રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી રોજના લાખો રામ ભક્તો પ્રભુશ્રી રામના દર્શન માટે અયોધ્યા જઈ રહ્યા છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રામ મંદિર અને બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. યુપી પોલીસને લખનૌમાં સીતાપુર રોડ પર આવેલી પાલ રેસ્ટોરન્ટમાંથી અયોધ્યા રામ મંદિર ઉડાવી દેવાની ધમકી આપતો એક પત્ર મળ્યો છે. પત્રમાં બે વ્યક્તિઓના નામ સાથે એક યુવતીના નંબરનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓએ તપાસ શરૂ કરી છે અને મંદિર પરીસરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે (15 ફેબ્રુઆરી 2024) મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
પોલીસને રેસ્ટોરન્ટમાંથી મળેલા ધમકીભર્યા પત્રમાં વાંધાજનક શબ્દો સાથે ઝોયા ખાન નામની એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. પત્રમાં દેશવિરોધી સૂત્રો અને સામાજિક સોહાર્દને બગાડે તેવા વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. ઉપરાંત રામ મંદિર સાથે બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસે પત્રમાં લખેલ યુવતીનો નંબરની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. જેમાં તે યુવતીનો નંબર લખેલો છે.
આ મામલે થોડા દિવસ અગાઉ જ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. એફઆઈઆર નોંધ્યા બાદ પોલીસ આની પાછળ કોનો હાથ હોઈ શકે તે જાણવા માટે ઝોયાની પૂછપરછ કરી રહી છે. પોલીસનું એવું પણ માનવું છે કે આ યુવતીની બદનામી માટેનું કોઈ કાવતરું પણ હોય શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ઘણીવાર રામ મંદિરને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. આ પહેલા ઈંતખાબ આલમ નામના વ્યક્તિએ 19 જાન્યુઆરી 2024ના રોજ પોલીસ હેલ્પલાઈન નંબર 112 પર કોલ કરીને ધમકી આપી હતી. તેણે પોતાને ‘છોટા શકીલ’ અને ‘દાઉદ ગેંગનો આતંકી’ ગણાવીને કહ્યું હતું કે, 22 જાન્યુઆરીએ તે અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેશે. સાથે તેણે અયોધ્યાને તબાહ કરવાનું પણ કહ્યું હતું. જે પછી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.