વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જા દ્વારા દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાની યોજના શરૂ કરી છે. આ યોજનાને ‘પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે દેશના એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાની આ યોજના માટે અરજીઓ શરૂ કરી દીધી છે અને એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ યોજના વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું, “સતત વિકાસ અને સામાન્ય લોકોના લાભ માટે, અમે PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના શરૂ કરી રહ્યા છીએ. ₹75,000 કરોડથી વધુના રોકાણ સાથેની આ યોજનાનો ઉદ્દેશ્ય 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનો છે.”
In order to popularise this scheme at the grassroots, Urban Local Bodies and Panchayats shall be incentivised to promote rooftop solar systems in their jurisdictions. At the same time, the scheme will lead to more income, lesser power bills and employment generation for people.
— Narendra Modi (@narendramodi) February 13, 2024
તેમણે વધુમાં લખ્યું કે, “કેન્દ્ર સરકાર ધ્યાન રાખશે કે તેની કિંમતનો બોજ લોકો પર ન પડે, આ માટે સસ્તી લોન અને સીધી સબસિડી લોકોના ખાતામાં આપવામાં આવશે. આ યોજનાના તમામ પાસાંઓ એક જ પોર્ટલ પર એકસાથે સમાવવામાં આવશે જે વધુ સુવિધા પૂરી પાડશે. આ યોજનાને જમીન સુધી લઈ જવા માટે, શહેરી સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોને રૂફટોપ સોલરને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઉપરાંત, આ યોજના લોકોની આવકમાં વધારો કરશે, વીજળીના બિલમાં ઘટાડો કરશે અને રોજગારીનું સર્જન કરશે.”
વડાપ્રધાન મોદીએ લોકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. તેમણે લખ્યું, “આવો, સૌર ઉર્જા અને સતત વિકાસને પ્રોત્સાહન આપીએ. હું તમામ ઘરેલું ગ્રાહકોને, ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે તેઓ અરજી કરીને PM- સૂર્ય ઘર: મફત વીજળી યોજનાને મજબૂત કરે.”
બજેટમાં થયું હતું યોજનાનું એલાન
નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા નાણાકીય વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. હવે તેની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. આ યોજનાનો લાભ લેવા અરજી રજીસ્ટર કરવા માટે, વ્યક્તિએ પીએમ સૂર્ય ઘર યોજનાની વેબસાઇટ પર જવું પડશે. તે પછી, યોજના હેઠળ, લાભાર્થીના ઘરની છત પર સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર જંગી નાણાકીય સહાય આપશે. મકાનમાલિકો આમાંથી ઉત્પન્ન થતી વીજળીના 300 યુનિટ કોઈપણ ચૂકવણી વિના વાપરી શકશે.
આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર 3 kW સુધીની ક્ષમતાવાળા સોલાર પાવર પ્લાન્ટ માટે ₹18,000/kW ની સબસિડી આપશે. જે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં આ રકમ ₹20,000/kW રહેશે. 3-10 kW ના પાવર પ્લાન્ટ માટે, પ્રથમ 3 kW માટે ₹18,000/kW અને પછી ₹ 9,000/kWના દરે સબસિડી આપવામાં આવશે. વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, સાત અલગ-અલગ તબક્કાઓ પૂર્ણ થયા બાદ લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે.
હાઉસિંગ સોસાયટી પણ લઈ શકે છે યોજનાનો લાભ
ઉલ્લેખનીય છે કે, મોટી હાઉસિંગ સોસાયટીઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે, સરકાર તેમને પણ તેનો લાભ ઉપલબ્ધ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આ યોજનામાં ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થીઓએ ભારતીય કંપનીઓના જ તમામ સોલાર ઉત્પાદનો તેમની છત પર સ્થાપિત કરવા પડશે, તો જ તેઓ કેન્દ્રિય સહાય મેળવી શકશે.
એક રિપોર્ટ સૂચવે છે કે, દેશમાં સરેરાશ એક પરિવાર મહિને લગભગ 250 યુનિટ વીજળી વાપરે છે. ભારતમાં વીજળીના એક યુનિટની સરેરાશ કિંમત 5 રૂપિયા છે. આવી સ્થિતિમાં, એક પરિવાર એક વર્ષમાં અંદાજે ₹15,000ની બચત કરી શકાશે. જો કોઈ પરિવારનો વીજળીનો ખર્ચ તેનાથી વધુ હોય તો પણ તેને ઘણો ફાયદો થશે.
નોંધનીય છે કે, દેશમાં ચૂંટણી દરમિયાન અનેક વિપક્ષી પાર્ટીઓ મફત વીજળીનું વચન આપતી રહી છે. પંજાબ અને દિલ્હી જેવા રાજ્યો તો મફત વીજળી આપી પણ રહ્યા છે. જોકે, આ બધા વચનોને જમીન પર ઉતાર્યા બાદ ઘણા નુકશાન પણ થાય છે. ભારતમાં મોટાભાગની વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે. આ વીજળીનો ઉત્પાદન ખર્ચ પણ સૌર ઉર્જા કરતા વધારે છે. આવી સ્થિતિમાં કોલસામાંથી પેદા થતી મફત વીજળી આપવા માટે સરકારે મોટી સબસિડી આપવી પડે છે. એકલા પંજાબમાં જ હાલમાં આ સબસિડીનો બોજ અંદાજે ₹20,000 કરોડ છે.
એક રિપોર્ટ અનુસાર, દેશના 25 કરોડ ઘરોમાં આવા રૂફટોપ સોલર લગાવી શકાય છે. તેના પર 637 ગીગાવોટ સુધીની ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. જોકે, આ જ અહેવાલ દર્શાવે છે કે હાલમાં દેશમાં માત્ર 11 ગીગાવોટ ક્ષમતાના રૂકટોપ સોલર જ લગાવવામાં આવ્યા છે. ઘરો પર સૌર ક્ષમતા સ્થાપિત કરવામાં ભારતે ભલે હજુ સુધી અપેક્ષિત સફળતા હાંસલ કરી ના હોય, તેમ છતાં તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. હવે આ સ્કીમથી આ ચિત્ર પણ બદલાશે. એક અહેવાલ સૂચવે છે કે દેશમાં હાલમાં લગભગ 75 ગીગાવોટની સૌર ક્ષમતા છે .