સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે ‘પાકિસ્તાનની જય’ બોલાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘણી ન્યૂઝ વેબસાઈટ અને યુ-ટ્યુબ ચેનલો તેમજ ઘણાં સોશિયલ મીડિયા અકાઉન્ટ્સે આ દાવાને આગળ વધાર્યો છે.
ઝી24 કલાકે એક વિડીયો પોસ્ટ કર્યો, જેનું કેપ્શન છે- ‘કચ્છમાં પાકિસ્તાનની જય? સ્વામીજી સ્ટેજ પરથી અનેક ભગવાનની જય બોલાવી પણ…’
કચ્છમાં પાકિસ્તાનની જય..? સ્વામીજી સ્ટેજ પરથી અનેક ભગવાનની જય બોલાવી પણ…#gujarat #kutch #pakistan #swami #zee24kalak pic.twitter.com/cbv5iLEfFo
— Zee 24 Kalak (@Zee24Kalak) February 12, 2024
આ વિડીયોમાં દેખાય છે કે, એક સાધુ સ્ટેજ પરથી ‘ભારત માતા કી જય’ના નારા બોલાવે છે. ત્યારબાદ તેઓ ‘સનાતન ધર્મની જય’ અને ‘હિંદુ રાષ્ટ્ર’, ‘ગાય માતા’, ‘કૃષ્ણ ભગવાન’ અને ‘ભગવાન રામચંદ્ર’ની પણ વારાફરતી જય બોલાવે છે અને સામે બેઠેલા લોકો જયકારો કરે છે. ત્યારબાદ તેઓ ‘પાકિસ્તાન કી…’ બોલે છે, જેના જવાબમાં લોકો ‘જય….’ કહે છે. અહીં આ વિડીયો પૂરો થઈ જાય છે.
ABP અસ્મિતાએ પણ આ જ ક્લિપના આધારે સમાચાર આપ્યા અને ‘કચ્છના રાપરમાં સ્વામીએ પાકિસ્તાનની જય બોલાવતાં વિવાદ સર્જાયો’ હોવાનો દાવો કર્યો.
Kutch News | કચ્છના રાપરમાં સ્વામીએ પાકિસ્તાન કી જય બોલાવતા સર્જાયો વિવાદ#Kutch #KutchNews pic.twitter.com/Awj8lWo0Mh
— ABP Asmita (@abpasmitatv) February 12, 2024
38 હજાર ફોલોઅર્સ ધરાવતા ‘પત્રકાર’ ગોપી મણિયારે પણ એક 23 સેકન્ડનો વિડીયો શૅર કર્યો અને કેપ્શનમાં હિન્દી ભાષામાં લખ્યું કે, ‘સ્વામિનારાયણના આ સંતે પાકિસ્તાન ઝિંદાબાદ કેમ બોલ્યું હશે? કચ્છનો આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે.’
स्वामीनारायण के इस संत ने पाकिस्तान ज़िंदाबाद क्यों बोला होगा? कच्छ का ये
— Gopi Maniar ghanghar (@gopimaniar) February 12, 2024
वीडियो अब वायरल हो रहा हैं। pic.twitter.com/ZOt0i40UG2
‘આજતક’ની ગુજરાત શાખા એવી ‘ગુજરાત તક’ ચેનલે પણ એક 23 સેકન્ડની ક્લિપ શૅર કરીને કેપ્શનમાં લખ્યું- ‘કચ્છના રાપરમાં સ્વામિનારાયણ સાધુએ પાકિસ્તાનની જય બોલાવી, લોકોએ જયકારો પણ કર્યો’
કચ્છના રાપરમાં સ્વામિનારાયણ સાધુએ પાકિસ્તાનની જય બોલાવી, લોકોએ જયકારો પણ કર્યો#Kutch #Pakistan #swaminarayan pic.twitter.com/SLVtw3wBbx
— Gujarat Tak (@GujaratTak) February 12, 2024
આ સિવાય પણ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયુવેગે વાયરલ થયો. ચકાસણી કર્યા વગર ઘણી મીડિયા ચેનલોએ પણ તેના જ આધારે સમાચાર આપ્યા અને દાવો કર્યો કે સ્વામીએ સ્ટેજ પરથી પાકિસ્તાનની જય બોલાવી હતી. પરંતુ સાચી હકીકત કંઈક જુદી જ છે.
શું છે હકીકત?
ઑપઇન્ડિયાએ જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિડીયો 2 દિવસ પહેલાં કચ્છના રાપરની સ્વામિનારાયણ ગુરુકુળમાં યોજાયેલા એક કાર્યક્રમનો છે. જે સંત સંબોધન કરી રહ્યા છે તેમનું નામ છે કૃષ્ણપ્રિયદાસજી મહારાજ, જેમને કેપી સ્વામીજી તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 દિવસ પહેલાં અહીં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંબોધન કરી રહ્યા હતા ત્યારનો કેપી સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જ્યારે સંપૂર્ણ વિડીયો મેળવીને ચકાસણી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે હકીકત કંઈક જુદી જ છે. સ્વામીજી સ્ટેજ પરથી ‘પાકિસ્તાન કી…’ બોલ્યા અને લોકોએ ‘જય….’ કહ્યું એ બાબત સાચી છે, પરંતુ સંપૂર્ણ નથી. લોકોના પ્રત્યુત્તર બાદ સ્વામીએ તેમને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેઓ ભારતમાં રહે છે તો ‘પાકિસ્તાનની જય’ કેવી રીતે બોલી શકે?
શું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે સ્ટેજ પરથી પાકિસ્તાનની જય બોલાવી?
— ઑપઇન્ડિયા (@OpIndia_G) February 12, 2024
-ભાષણની અધૂરી ક્લિપના આધારે સોશિયલ મીડિયા પર ભ્રામક દાવા
-સંપૂર્ણ વિડીયોથી સામે આવી હકીકત#Kutch #ViralVideo pic.twitter.com/VG1J317jst
જે સંપૂર્ણ વિડિયો ઑપઇન્ડિયાને મળ્યો, તેમાં ‘પાકિસ્તાન કી…’ બોલ્યા બાદ જ્યારે લોકો ‘જયકારો’ કરે છે ત્યારે સ્વામીજી તેમને ઠપકો આપતા જોવા મળે છે. તેઓ કહે છે, “જોયું ને… આ પકડાઇ ગયા. જે ભારતનું અનાજ ખાઓ છો, જે ભારતની માટી ઉપર રહો છો, ને પાકિસ્તાનની જય બોલતાં તમને શરમ ન આવી?”
ટૂંકમાં અહીં સાધુ નારા લગાવતા લોકોની પરીક્ષા કરી રહ્યા હતા, તેમનો ઇરાદો ‘પાકિસ્તાનના જયકારા’ લગાવવાનો ન હતો. સોશિયલ મીડિયા પર જે વિડીયો ફરતો થયો છે તે અધૂરો છે, જ્યારે સાચી હકીકત સંપૂર્ણ વિડીયોથી સામે આવી છે.
ઑપઇન્ડિયાને વધુમાં જાણવા મળ્યું કે, કૃષ્ણપ્રિયદાસજી મહારાજ કચ્છના રાપરના વાગડ વિસ્તારમાં અને ખાસ કરીને સરહદીય ગામોમાં હિંદુત્વ અને સનાતન માટે અનેક પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. તેઓ રાષ્ટ્રવાદી અને હિન્દુત્વની વિચારધારા ધરાવે છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને તેમની પ્રતિક્રિયા જાણવા માટે ઑપઇન્ડિયાએ સંપર્ક કર્યો હતો, પરંતુ સ્થાપિત થઈ ન શક્યો. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.