ઉત્તરાખંડમાં CM પુષ્કર સિંઘ ધામીની સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું સમાન નાગરિક સંહિતા (UCC) બિલ બહુમતથી પાસ કરી દેવામાં આવ્યું છે. મંગળવારે (06, જાન્યુઆરી 2024) CM ધામીએ આ બિલ રજૂ કર્યું હતું. જેની ઉપર 2 દિવસ ચર્ચા થયા બાદ આખરે બુધવારે પસાર કરી દેવામાં આવ્યું. જેની સાથે જ UCC લાગુ કરનારું ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે.
ઉત્તરાખંડ વિધાનસભામાં પાસ થયા બાદ CM પુષ્કર સિંઘ ધામીએ X પર એક પોસ્ટ કરતાં લખ્યું કે, ‘ઐતિહાસિક સમાન નાગરિક સંહિતા બિલ- 2024 વિધાનસભામાં પસાર.’ આગળ તેઓ કહે છે, ‘મા ગંગા અને યમુનાના ઉદગમ સ્થળ દેવભૂમિ ઉત્તરાખંડથી નીકળનાર UCC સ્વરૂપે સમાનતા અને સમરૂપતાની આ અવિરલ ધારા સંપૂર્ણ દેશમાં પથપ્રદર્શિત કરશે. આ વિધેયક માતૃશક્તિના સન્માન અને તેમની સુરક્ષા પ્રત્યે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પરિભાષિત કરે છે.
ऐतिहासिक समान नागरिक संहिता विधेयक-2024 विधानसभा में पारित..
— Pushkar Singh Dhami (@pushkardhami) February 7, 2024
माँ गंगा व यमुना की उद्गम स्थली देवभूमि उत्तराखण्ड से निकली UCC के रूप में समानता और समरूपता की यह अविरल धारा संपूर्ण देश का पथ प्रदर्शित करेगी। यह विधेयक मातृशक्ति के सम्मान एवं उनकी सुरक्षा के प्रति हमारी सरकार की… pic.twitter.com/0nfGBA3L3C
તેમણે ઈતિહાસ રચનારી ઉત્તરાખંડ વિધાનસભાના તમામ સભ્યો, UCCનો ડ્રાફ્ટ બનાવનાર સમિતિના તમામ સભ્યો અને સમર્થન આપનાર દેવભૂમિની જનતાનો આભાર વ્યક્ત કર્યો.
વિધાનસભામાંથી પસાર થયા બાદ આ બિલ હવે રાજ્યપાલ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાજ્યપાલની ઔપચારિક મંજૂરી બાદ અને ગેઝેટ પ્રકાશિત થયા બાદ તે કાયદો બનશે. કાયદો લાગુ થતાંની સાથે જ રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ-ઇન અને અન્ય મામલાઓમાં એક જ કાયદો લાગુ પડશે. નોંધવું જોઈએ કે હાલ ક્રિમિનલ મામલાઓમાં કાયદા તમામ નાગરિકોને એક સરખા લાગુ પડે છે, જ્યારે આ પ્રકારના સિવિલ મામલાઓમાં જુદા-જુદા ધર્મોના કાયદાઓ જુદા-જુદા છે.
UCCમાં બાળલગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે છૂટાછેડા માટે પણ એક જ સમાન પ્રક્રિયા લાગુ કરવાની જોગવાઇ હશે. કોડમાં તમામ ધર્મ-મઝહબની મહિલાઓને તેમની પૈતૃક સંપત્તિમાં એક સમાન અધિકાર પ્રાપ્ત થાય તેવી જોગવાઇ કરાઇ છે. આ સિવાય, લગ્નની ઉંમર પણ નક્કી કરાઈ છે. જે અનુસાર, પુરુષની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને મહિલાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. તમામ ધર્મ-મઝહબ માટે લગ્ન-નિકાહ, મેરેજની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
આ સિવાય, અગત્યની જોગવાઈઓમાં લિવ-ઇન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામા આવ્યું છે. સંબંધો બંધાયાના 1 મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હશે. તેમજ બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાગી ગયો છે. અમુક અપવાદો સિવાય લગ્નના 1 વર્ષ સુધી છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. આ સિવાય પણ ઘણી અગત્યની જોગવાઈઓ કરવામાં આવી છે.