ઉત્તરખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ સમાન નાગરિક સંહિતા બિલ (UCC) ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ દરમિયાન ભાજપના નેતાઓએ ‘જય શ્રીરામ’નારા પણ લગાવ્યા હતા. જે બાદ બિલ પર ચર્ચાને લઈને વિધાનસભા ગૃહમાં વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને વિધાનસભા ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ પાસ થયા બાદ તેને કાયદાનો દરજ્જો મળી જશે. સાથે દેશમાં UCC કાયદો લાગુ કરનારું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બની જશે.
મંગળવારે (6 ફેબ્રુઆરી) ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ UCC બિલ (યુનિફોર્મ સિવિલ કોડ બિલ) રજૂ કરી દીધું છે. બિલમાં 400થી વધુ કલમો સામેલ હોવાનું કહેવાય રહ્યું છે. જેનો હેતુ પારંપરિક રીતિ-રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓને નાબૂદ કરવાનો છે. બિલ રજૂ કરતી વખતે સત્તાપક્ષના ધારાસભ્યોએ ‘વંદે માતરમ’ અને ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા. CM ધામીએ આ અંગે જણાવ્યું છે કે, આ બિલમાં તમામ ધર્મો અને બધા જ વર્ગોને ધ્યાને લેવામાં આવ્યા છે. ધામીએ વધુમાં જણાવ્યું હતું કે, “જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે ક્ષણ આવી ગઈ છે. આ કાયદો મહિલા ઉત્થાનને મજબૂત કરવાનું પગલું છે, જેમાં દરેક સમુદાય, દરેક વર્ગ, દરેક ધર્મના વિશે વિચાર-વિમર્શ કરવામાં આવ્યા છે.”
#WATCH | "Vande Mataram and Jai Shri Ram" slogans raised by MLAs inside State Assembly after CM Dhami tabled the Uniform Civil Code Uttarakhand 2024 Bill in State Assembly, in Dehradun. pic.twitter.com/0R7ka2pYJD
— ANI (@ANI) February 6, 2024
જ્યારે બીજી તરફ બિલ રજૂ થતાંની સાથે જ વિપક્ષોએ હોબાળો શરૂ કરી દીધો હતો. જેને લઈને 2 વાગ્યા સુધી સદનની કાર્યવાહી પણ સ્થગિત કરવામાં આવી છે. જ્યારે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલને મુસલમાનોની વિરુદ્ધ કાવતરું ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, “નવા બિલ દ્વારા મુસલમાનોને તેના મઝહબથી દૂર કરવાનું કાવતરું યોજવામાં આવી રહ્યું છે.”
ભાજપના એજન્ડામાં હતું UCC બિલ
UCCમાં રાજ્યમાં તમામ સમુદાયો માટે એક જ પ્રકારના સિવિલ લૉની જોગવાઇ કરવાનો પ્રસ્તાવ છે. ભારતીય જનતા પાર્ટીના એજન્ડમાં UCCનો સમાવેશ કાયમ થતો રહ્યો છે. 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં પણ ભાજપે વાયદો કર્યો હતો. ત્યારબાદ પુષ્કર સિંઘ ધામીના નેતૃત્વમાં બનેલી નવી સરકારે સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી અને UCCનો ડ્રાફ્ટ બનાવવા માટે કહ્યું હતું. ચાર એક્સટેન્શન અને મહિનાઓની મહેનત બાદ આખરે સમિતિએ ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો. જે બાદ હવે તે બિલને વિધાનસભામાં રજૂ પણ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, UCC લાગુ થતાંની સાથે જ રાજ્યમાં તમામ ધર્મ, મઝહબ કે જાતિના સમુદાયો માટે સમાન નાગરિક કાયદા લાગુ પડશે. જેથી વિવાહ, તલાક, વારસાઈ, સંપત્તિ વગેરે મામલા માટે એક જ કાયદાકીય માળખું હશે અને જુદા-જુદા ધર્મ કે સમુદાયો માટે જુદા કાયદા નહીં હોય. UCC લાગુ પડતાંની સાથે જ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપેલો એક મોટો વાયદો પૂર્ણ થશે.