Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતભાવનગરના હિંદુ ટેલરનો આરોપ- રજૂઆત છતાં હનુમાન ચાલીસાનો એન્ગલ નથી ઉમેરી રહી...

    ભાવનગરના હિંદુ ટેલરનો આરોપ- રજૂઆત છતાં હનુમાન ચાલીસાનો એન્ગલ નથી ઉમેરી રહી પોલીસ, થઈ રહ્યું છે દબાણ; પોલીસે નકાર્યો, કહ્યું- કાર્યવાહી પૂર્ણ, આરોપીઓ મુક્ત થશે

    પોલીસે આરોપીઓને લૉકઅપમાં જમવા માટે વિશેષ સગવડો કરી આપી હોવાનો પણ પીડિત રાજેન્દ્ર ચૌહાણનો આરોપ છે. તેમણે માંગ કરી છે કે જે સત્ય છે તે FIRમાં ઉમેરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવામાં આવે. 

    - Advertisement -

    ભાવનગરના હિંદુ ટેલર પર થયેલા હુમલા મામલે એક તરફ જ્યાં પીડિત વ્યક્તિ હનુમાન ચાલીસા વગાડવાના કારણે પોતાની ઉપર હુમલો થયો હોવાનું જણાવી રહ્યા છે ત્યાં બીજી તરફ પોલીસ એન્ગલ નકારી રહી છે. દરમ્યાન, પીડિતે પોલીસ ઉપર FIRમાં હનુમાન ચાલીસા બાબતનો ઉલ્લેખ ન કરવાનો અને નિવેદન બદલવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે પોલીસે કહ્યું છે કે આવું કશું જ નથી અને તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

    પીડિત વ્યક્તિનું કહેવું છે કે, તેમણે પોલીસને તમામ વિગતો આપી હોવા છતાં FIRમાં હનુમાન ચાલીસા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો અને તેમને ફરિયાદ વંચાવવામાં પણ આવી ન હતી. પછીથી જ્યારે જિલ્લા પોલીસ વડાની ઑફિસે લઇ જવામાં આવ્યા ત્યારે ત્યાં પણ તેમની વાતો સાંભળવામાં ન આવી હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. 

    પોલીસે હનુમાન ચાલીસાનો FIRમાં ઉલ્લેખ ન કર્યો: પીડિત

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં પીડિત વ્યક્તિ રાજેન્દ્ર ચૌહાણે તેમની ઉપર નિવેદન બદલવા માટે દબાણ થતું હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, તેમને હનુમાન ચાલીસા બાબતે જ અવારનવાર હેરાન કરવામાં આવતા રહ્યા છે. અમુક સમય પહેલાં તેમની દુકાનમાં આવીને હનુમાન ચાલીસા બંધ કરી દેવામાં આવી હતી અને બિલાલે ‘તું અહીં હનુમાન ચાલીસા કેમ વગાડે છે? અમને ડિસ્ટર્બ થાય છે’ તેમ કહીને બોલાચાલી કરી હતી. તેમ છતાં પોલીસે FIRમાં આ બધી બાબતો અને હનુમાન ચાલીસા બાબતનો ઉલ્લેખ કર્યો નથી. 

    - Advertisement -

    તેમણે એવું પણ જણાવ્યું કે, “શનિવારે (3 ફેબ્રુઆરી, 2024) મને SP ઑફિસે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પૂછવામાં આવતાં મેં તેમને આ તમામ વિગતો કહી હતી. ઉપરાંત, આગળ પણ મારી ઉપર આ જ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની વાત કહી હતી, પરંતુ તેમણે વાત ટાળી દીધી હતી. તેઓ કહેતા હતા કે આ ખોટી વાત છે. હવે હું તેમને કઈ રીતે સમજાવી શકું?”

    વિડીયો ઉતારવાનો પણ પોલીસ પર આરોપ, પોલીસે નકાર્યો

    પીડિત વ્યક્તિએ પોલીસ પર નિવેદન બદલવાનું દબાણ કરીને ગુપ્ત રીતે પોતાનો વિડીયો ઉતારવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, શનિવારે (3 ફેબ્રુઆરી) સ્થાનિક પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, જ્યાં તેમણે ફરી તમામ વિગતો જણાવી હતી અને કહ્યું હતું કે હનુમાન ચાલીસા બાબતે દાઝ રાખીને તેઓ પહેલેથી મને હેરાન કરતા રહે છે, પરંતુ અધિકારીએ ‘તું ખોટું બોલે છે’ તેમ કહીને વાતનો વીંટો વાળી દીધો હતો. તેમનો આરોપ છે કે વિડીયોમાં માત્ર તેઓ જ દેખાય છે અને તેનું કારણ એક કર્મચારીએ એવું આપ્યું હતું કે મામલો શાંત પડી જાય તે માટે વિડીયો ઉતારવામાં આવ્યો છે. 

    પોલીસે આરોપીઓને લૉકઅપમાં જમવા માટે વિશેષ સગવડો કરી આપી હોવાનો પણ પીડિત રાજેન્દ્ર ચૌહાણનો આરોપ છે. તેમણે માંગ કરી છે કે જે સત્ય છે તે FIRમાં ઉમેરવામાં આવે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને ન્યાય આપવામાં આવે. 

    પોલીસ હજુ નકારી રહી છે, કહ્યું- મામલો હવે શાંત, તમામ કાર્યવાહી પૂર્ણ 

    બીજી તરફ, પોલીસ હજુ પણ આ આરોપો નકારી રહી છે. ઘટનાની તપાસ કરતા અધિકારી KC રેહવરે વાતચીતમાં ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “પીડિતનું કહેવું છે કે પહેલાં હનુમાન ચાલીસા બાબતે બબાલ થઈ હતી અને ત્યારથી નાની-નાની બાબતમાં માથાકૂટ ચાલતી આવે છે, પરંતુ અત્યારના બનાવમાં એવું કશું છે જ નહીં.” પોલીસે હનુમાન ચાલીસાનો એન્ગલ ઉમેરવાની ના પાડી છે. 

    પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, “પહેલા દિવસે આરોપીઓ સામે અટકાયતી પગલાં ભર્યાં હતાં. હવે 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયા તેમને મુક્ત કરવામાં આવશે. કાયદાકીય કાર્યવાહી જે કરવાની હતી તે પૂર્ણ કરી લીધી છે, હવે આરોપીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે.” બીજી તરફ, તેમણે પીડિતનો વિડીયો ઉતારવાના આરોપો નકારી દીધા હતા. 

    શું બની હતી ઘટના?

    ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત 1 ફેબ્રુઆરીના રોજ બની હતી. ભાવનગરના કુંભારવાડામાં રહીને દરજીકામ કરતા રાજેન્દ્ર ચૌહાણ પોતાની દુકાને કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ આવીને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જો FIRનું માનવામાં આવે તો, બે દિવસ પહેલાં તેમની બાજુમાં રહેતા શૌકતભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેમણે તેની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેમાં બિલાલનું પણ નામ લખવામાં આવ્યું હતું. જેની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનું FIRમાં જણાવવામાં આવ્યું છે. 

    જ્યારે પીડિત વ્યક્તિએ ઑપઇન્ડિયા તથા અન્ય મીડિયા ચેનલો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની ઉપર હનુમાન ચાલીસા વગાડવાના કારણે હુમલો કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, હનુમાન ચાલીસાના કારણે અવારનવાર તેમની મુસ્લિમ પરિવાર સાથે માથાકૂટ થતી રહેતી અને તેની જ દાઝ રાખીને હુમલો થયો છે. પોલીસ બીજી તરફ કહી રહી છે કે હાલના બનાવમાં હનુમાન ચાલીસાની કોઈ વાત નથી અને જેથી FIRમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં