Monday, November 25, 2024
More
    હોમપેજદેશ‘હાલ જ્યાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’, ત્યાં પહેલાં હતું ભવ્ય હિંદુ મંદિર’: ASIએ રિપોર્ટમાં...

    ‘હાલ જ્યાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’, ત્યાં પહેલાં હતું ભવ્ય હિંદુ મંદિર’: ASIએ રિપોર્ટમાં જણાવ્યું, કહ્યું- મંદિરના જ સ્તંભોનો ઉપયોગ થયો હતો, ‘પશ્ચિમી દીવાલ’ પણ મંદિરનો જ ભાગ

    ASIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમણે હાલના માળખાના (મસ્જિદના) સ્તંભો અને પ્લાસ્ટરનો યોજનાબદ્ધ રીતે અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે આ સ્તંભ અને પ્લાસ્ટર અગાઉના હિંદુ મંદિરના જ ભાગ હતા અને તેમાં થોડો-ઘણો સુધારો કરીને મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જ્ઞાનવાપી કેસમાં ASI સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરી દેવામાં આવ્યો છે. બુધવારે (24 જાન્યુઆરી, 2024) વારાણસી જિલ્લા કોર્ટે રિપોર્ટ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યા બાદ ગુરવારે બંને પક્ષોને કૉપી સોંપી દેવામાં આવી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જ્યાં જ્ઞાનવાપી ‘મસ્જિદ’ સ્થિત છે ત્યાં પહેલાં ભવ્ય હિંદુ મંદિર અસ્તિત્વમાં હતું અને તેના પુરાવા મળી આવ્યા છે. 

    ASIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, “…એવું કહી શકાય કે હાલ જે ઈમારત (મસ્જિદ) છે તેના બાંધકામ પહેલાં ત્યાં ભવ્ય હિંદુ મંદિર અસ્તિત્વ ધરાવતું હતું.” ASIએ પોતાના રિપોર્ટના નિષ્કર્ષ તરીકે આ બાબત જણાવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, હાલ જે મસ્જિદની પશ્ચિમી દીવાલ છે તે અગાઉ અસ્તિત્વ ધરાવતા હિંદુ મંદિરનો જ ભાગ છે.

    જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને પણ આ બાબતની પુષ્ટિ કરી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ASI રિપોર્ટનો અમુક હિસ્સો વાંચી સંભળાવ્યો હતો. 

    - Advertisement -

    તેમણે કહ્યું, “ASIએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમણે હાલના માળખાના (મસ્જિદના) સ્તંભો અને પ્લાસ્ટરનો યોજનાબદ્ધ રીતે અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે આ સ્તંભ અને પ્લાસ્ટર અગાઉના હિંદુ મંદિરના જ ભાગ હતા અને તેમાં થોડો-ઘણો સુધારો કરીને મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. સ્તંભોના બારીકાઈથી કરવામાં આવેલા પરીક્ષણથી જાણવા મળે છે કે તેઓ પહેલેથી અસ્તિત્વ ધરાવતા હિંદુ મંદિરનો જ ભાગ હતા અને હાલનું બાંધકામ (મસ્જિદ) બનાવવા માટે ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

    વિષ્ણુશંકર જૈનના જણાવ્યા અનુસાર, ASIએ રિપોર્ટમાં જણાવ્યું છે કે સરવે દરમિયાન પરિસરમાંથી ઘણા શિલાલેખ મળી આવ્યા હતા. આવા કુલ 34 શિલાલેખ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. જેને લઈને ASI જણાવે છે કે, તે પણ હિંદુ મંદિર વખતના છે અને બાંધકામ વખતે તેમનો ફરી ઉપયોગ કરી લેવામાં આવ્યો હતો. આ શિલાલેખ દેવનાગરી, ગ્રંથ, તેલુગુ અને કન્નડ ભાષામાં લખાયેલા જોવા મળે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, મસ્જિદના બાંધકામ સમયે તેને તોડીને શિલાલેખના ભાગોનો ફરીથી ઉપયોગ કરી લેવામાં આવ્યો હતો.

    આ પ્રાથમિક બાબતો છે જે ASIના રિપોર્ટમાં જાણવા મળી છે. સમગ્ર રિપોર્ટ 839 પાનાંનો હોવાનું કહેવાય છે. જેની બાકીની વિગતો આવનાર સમયમાં જાહેર થશે. 

    ASI એટલે કે આર્કિયોલોજિકલ સરવે ઑફ ઇન્ડિયા સરકારી એજન્સી છે, જે આર્કિયોલોજી સંબંધિત શોધ, સંશોધન કરે છે. વારાણસીની કોર્ટે એજન્સીને જ્ઞાનવાપી પરિસરનો સરવે કરવા માટે આદેશ આપ્યો હતો, જેનો મૂળ ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે હિંદુ પક્ષના દાવા અનુસાર, ત્યાં પહેલાં મંદિર હતું કે નહીં. ASIએ સરવે કરીને ગત 18 ડિસેમ્બરના રોજ રિપોર્ટ કોર્ટને સુપરત કર્યો હતો. 

    આ રિપોર્ટ હવે સાર્વજનિક થયો છે અને તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે ત્યાં પહેલાં મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને પછીથી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. હિંદુ પક્ષ માટે આ એક મોટો વિજય છે. નોંધવું જોઈએ કે રામ મંદિર કેસમાં પણ ASIના રિપોર્ટે મોટી ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં