કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર કોંગ્રેસ છોડી ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 7 મહિના પહેલાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપમાંથી રાજીનામું આપી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે તેઓ ફરી ભાજપમાં પાછા ફરી શકે છે. ગુરુવારે (25 જાન્યુઆરી, 2024) જગદીશ શેટ્ટારની વિધિવત ભાજપમાં ઘરવાપસી થઈ છે.
દિલ્હી સ્થિત BJPના પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની હાજરીમાં પૂર્વ CM જગદીશ શેટ્ટારે કેસરિયો ધારણ કર્યો હતો. આ દરમિયાન કર્ણાટકના BJP પ્રદેશ અધ્યક્ષ બીવાઈ વિજયેન્દ્ર પણ હાજર રહ્યા હતા. જગદીશ શેટ્ટાર કર્ણાટકના લિંગાયત સમુદાયના નેતા છે. આ સમુદાય પર તેમનું ખાસ્સું પ્રભુત્વ છે. અહેવાલો પ્રમાણે ભાજપનો ખેસ ધારણ કરતાં પહેલાં તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા.
#WATCH | Former Karnataka CM Jagadish Shettar re-joins BJP in the presence of former CM-senior party leader BS Yediyurappa and state BJP President BY Vijayendra, at BJP Headquarters in Delhi.
— ANI (@ANI) January 25, 2024
He had quit BJP and joined Congress in April last year. pic.twitter.com/sVJpP9AVu2
ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા બાદ જગદીશ શેટ્ટાર કહ્યું કે, “ભાજપે ઘણી જવાબદારીઓ આપી હતી. અમુક કારણોસર હું કોંગ્રેસમાં જોડાયો હતો. છેલ્લા આઠેક મહિનાથી ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. ભાજપાના કાર્યકર્તાઓ પણ ઈચ્છી રહ્યા હતા કે હું પાર્ટીમાં પરત ફરું. યેદીયુરપ્પાજી (પૂર્વ સીએમ) અને વિજયેન્દ્ર પણ ઈચ્છી રહ્યા હતા હું ભાજપમાં પાછો આવી જાઉં. હું એ વિશ્વાસ સાથે પરત ફર્યો છું કે નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બનશે.”
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં જગદીશ શેટ્ટારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ભાજપે ટીકીટ આપવાનો ઈનકાર કરતાં તેમણે રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. જે પછી તેમણે કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી હતી, જેમાં હુબલી ધારવાડ સેન્ટ્રલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશ તેંગિનાકાઈ સામે 34,289 જેટલા વોટોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પહેલાં જગદીશ શેટ્ટાર વર્ષ 2012થી 2013 સુધીમાં અંદાજે 10 મહિના સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ 6 વાર ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ ચૂક્યા છે. જયારે તેઓ ભાજપમાં હતા ત્યારે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કર્ણાટક વિધાનસભાના નેતા વિપક્ષ પદે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2008 જયારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી હતી ત્યારે તેમને વિધાનસભાના સ્પીકર પણ બનાવવામાં આવ્યા હતા.