આખરે એ મંગલ ઘડી આવી ગઈ છે, જેની પ્રતીક્ષા 500 વર્ષોથી કરવામાં આવતી રહી. અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા છે. અભિજિત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે ભવ્ય, દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી. પૂજાવિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:10 આસપાસ મંદિરમાં પહોંચ્યા હતા. તેઓ સાથે ચાંદીનું એક છત્ર લઈને પધાર્યા હતા. ગર્ભગૃહમાં પહોંચીને તેમણે વિધિવત પૂજાઅર્ચના કરી. આ દરમિયાન પૂજારીઓ તથા સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયા બાદ ગર્ભગૃહમાં પ્રભુની પહેલી આરતી ઉતારવામાં આવી.
#WATCH | Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya
— ANI (@ANI) January 22, 2024
#RamMandirPranPrathistha pic.twitter.com/shlEyziWyw
પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રભુ શ્રીરામની પ્રથમ તસવીર સામે આવી અને તેની સાથે વિશ્વભરના કરોડો રામભક્તોની આંખો છલકાઈ. ભવ્ય અને દિવ્ય ગર્ભગૃહમાં બિરાજમાન શ્રીરામલલાના મસ્તક પર સ્વર્ણ મુગટ છે અને ગળામાં મોતીનો હાર છે. ભાલ પર હીરાજડિત તિલક કરવામાં આવ્યું છે. કાનમાં કુંડળ સુશોભિત છે. હાથમાં સ્વર્ણ ધનુષ્ય-બાણ છે. ભગવાને પીળું પીતાંબર ધારણ કર્યું છે. પ્રભુની આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ભક્તો શેર કરી રહ્યા છે અને તેમના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
આ મંદિર માત્ર એક મંદિર નહીં પરંતુ સનાતનીઓની પાંચ સદીઓની તપશ્ચર્યાનું ફળ છે. આ મંદિર હિંદુ ધર્મ માટે ઐતિહાસિક અને અધ્યાત્મિક ઉપલબ્ધિ છે, જે યુગો-યુગો સુધી સનાતન પરંપરાનું ભવ્ય-દિવ્ય પ્રતીક બની રહેશે. મંદિર સનાતની પરંપરાના અતીતના ભવ્ય વારસાને પ્રતિબિંબિત કરે છે તો હિંદુ ધર્મના વર્તમાનને મજબૂત કરી રહ્યું છે. આ મંદિર ધર્મના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી આશાનો સંદેશ પણ આપે છે.
પ્રભુ શ્રીરામ 500 વર્ષ બાદ ફરીથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. તેની સાથે રામરાજ્યનો ફરીથી શુભારંભ થયો છે. હિંદુ આસ્થાનો આ શિલાન્યાસ છે. આ ઐતિહાસિક ઘટના ઇતિહાસના પાને સ્વર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. રાષ્ટ્ર અને વિશ્વ આજે એક જ નામનું ગાન કરી રહ્યું છે- જય શ્રીરામ!