ઝારખંડના કથિત જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલી વધી શકે છે. કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ હાથ ધરી છે. આ પહેલાં 13 જાન્યુઆરીએ ઝારખંડના CM હેમંત સોરેનને EDએ 8મુ સમન્સ મોકલ્યું હતું. જેમાં તેમને 16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરીની વચ્ચે આ કેસમાં પૂછપરછ માટે ઉપલબ્ધ રહેવાનું જણાવાયું હતું. સમન્સના જવાબમાં CM સોરેને જવાબ મોકલીને એજન્સીને કહ્યું હતું કે, કેન્દ્રીય તપાસ એજન્સી 20 જાન્યુઆરીએ તેમના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધી શકે છે.
શનિવારે (20 જાન્યુઆરી) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ હાથ ધરી છે. તમામ કાર્યવાહી મુખ્યમંત્રી આવાસ પર જ કરવામાં આવી રહી છે. તે પહેલાં મુખ્યમંત્રી આવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. તાજેતરમાં પૂછપરછ દરમિયાન પણ આવાસની બહાર CRPFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન રાંચી પ્રશાસને પણ કોઈ અઘટિત ઘટના ન બને હેતુસર હિનૂ એરપોર્ટ સ્થિત ED ઓફિસની સુરક્ષા વધારી દીધી છે.
#WATCH | A team of ED officials arrives at the residence of Jharkhand CM Hemant Soren in Ranchi in land scam case. pic.twitter.com/WJrojsddDZ
— ANI (@ANI) January 20, 2024
ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે EDએ હેમંત સોરેનની પૂછપરછ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને 1000થી વધુ સુરક્ષાકર્મીઓને મુખ્યમંત્રી આવાસની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસની પાસે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. બીજી તરફ ઝારખંડ સત્તાપક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ CM આવાસની બહાર પહોંચીને નારા લગાવી રહ્યા છે. સત્તાપક્ષના નેતાઓ કેન્દ્ર સરકાર અને ED વિરુદ્ધ નારા લગાવીને વિરોધ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સાત સમન્સ બાદ આઠમા સમન્સ પર મુખ્યમંત્રી હેમંત સોરેન પૂછપરછ માટે તૈયાર થયા હતા અને તેમણે EDને પૂછપરછ માટે 20 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યા પછીનો સમય આપ્યો હતો. આ ઉપરાંત સ્થળ પણ તેમણે જ નક્કી કર્યું હતું. તેમણે EDની ટીમને મુખ્યમંત્રી આવાસ પર આવીને નિવેદન નોંધવા માટે કહ્યું હતું. EDએ આઠમા સમન્સ વખતે સ્પષ્ટ કર્યું હતું કે, જો મુખ્યમંત્રી સોરેન પૂછપરછ માટે તૈયાર નહીં થાય તો એજન્સી સીધા તેમના આવાસ પહોંચીને કાર્યવાહી હાથ ધરશે.
શું છે મામલો?
આરોપ છે કે, ઝારખંડમાં ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે માલિકી બદલીને જમીન પચાવી પાડવામાં આવી છે. ED આ કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હમણાં સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2011 બેચના એક IAS અધિકારી છવિ રંજન પણ સામેલ છે. જે રાજ્ય સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર અને રાંચીના ડેપ્યુટી કમિશનરનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. હવે આ મામલે ED ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ તપાસ કરવા માંગતી હતી. જે માટે તેણે CMને 7 સમન્સ મોકલ્યાં હતાં.