22 જાન્યુઆરી, 2024ના શુભ દિવસે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાય રહ્યો છે. દેશ અને દુનિયાના રામભક્તોમાં અનેરો ઉત્સાહ છે. સાથે લોકો એ કારસેવકો અને રામભક્તોને પણ યાદ કરી રહ્યા છે. જેમણે રામ જન્મભૂમિ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. અમુક રામભક્તોએ કઠોર સંકલ્પ લઈને રામભક્તિને નવી દિશા આપી. આજે એવા જ એક કારસેવકની વાત કરવાની છે. જેમણે અયોધ્યામાં રામભક્તોનો નરસંહાર જોઈને સંકલ્પ લીધો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડાના ઝરખવાડા ગામના રહેવાસી કારસેવક દેવસિંગભાઈ માલીવાલે સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી રામ મંદિર નિર્માણ નહીં થાય અને આરાધ્ય ભગવાન જ્યાં સુધી સિંહાસન પર નહીં બિરાજે ત્યાં સુધી દાઢી અને વાળ નહીં કઢાવે. 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી તેઓ અયોધ્યા જઈને પોતાના નિયમને પૂર્ણ કરશે.
મહીસાગર જિલ્લાના ઝરખવાડા ગામમાં રહેતા દેવસિંગભાઈ માલીવાલ 1990માં કારસેવક માટે અયોધ્યા ગયા હતા. ત્યારે તેમણે ત્યાં નરી આંખે રામભક્તોનો નરસંહાર જોયો હતો. મુલાયમ સિંઘ યાદવના આદેશ પર પોલીસે રામભક્તો પર ગોળીઓ વરસાવી હતી. આવું ભયાવહ દ્રશ્ય જોઈને તેમણે સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાના વાળ અને દાઢી નહીં કાઢે. રામચરિતમાનસની ‘રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાઈ પર વચન ના જાઈ’ ચોપાઈને તેમણે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. હવે તેઓ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ અયોધ્યા જઈને પોતાનો સંકલ્પ પૂર્ણ કરશે.
35 વર્ષોનો સંકલ્પ હવે થશે પૂર્ણ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના રહેવાસી દેવસિંગભાઈએ પોતાના જીવનના 35 વર્ષો રામભક્તિ અને રામને સમર્પિત કરી દીધા છે. 1990ના વર્ષમાં તેઓ આજુબાજુના 4 કારસેવકો સાથે અયોધ્યા ગયા હતા. તેમની સાથે નંદું મહારાજ અને કોઠારી બંધુઓ પણ હતા. કારસેવા દરમિયાન તેમને પોલીસે ગોળી મારવાની જગ્યાએ 10 દિવસનો જેલવાસ આપ્યો હતો. અયોધ્યાના ભયાવહ દ્રશ્યો તેમની સ્મૃતિમાંથી નીકળી શક્યા નહીં અને તેમણે ત્યારે જ સંકલ્પ લીધો કે, જ્યાં સુધી ભગવાનનું ઘર બનશે નહીં, ત્યાં સુધી તેઓ દાઢી, વાળ નહીં કાઢે. તથા જ્યારે ભગવાનનું ઘર બનવાનું શરૂ થશે ત્યારે તેઓ અયોધ્યા જઈને તેમનો સંકલ્પ પૂર્ણ કરશે.
તેઓ કહે છે કે, ભગવાન રામ સૌમાં વસે છે. 35 વર્ષથી વધુનો સંઘર્ષ કર્યા બાદ હવે તેમની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. તેમનામાં યુવાનીનો તરવરાટ ફરી જીવંત થયો હોય એ રીતે તેઓ લોકોના ઘરે-ઘરે જઈને અક્ષત અને પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ તેઓ અયોધ્યા જઈને તેમનો સંકલ્પ પૂર્ણ કરશે.