દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને EDએ ચોથી વખત સમન મોકલીને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવ્યું છે. આ પહેલાં એજન્સી ત્રણ વખત તેમને બોલાવી ચૂકી છે અને તેઓ એકેય વખત દેખાયા નથી.
ED issues 4th summons to Delhi CM Arvind Kejriwal, asks him to appear on Jan 18 in Delhi excise policy case: Officials
— Press Trust of India (@PTI_News) January 13, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજન્સીએ દિલ્હી સીએમને આગામી 18 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. જોકે, આ વખતે પણ તેઓ હાજર રહે તેમ લાગતું નથી કારણ કે 18થી 20 જાન્યુઆરી દરમિયાન તેઓ ગોવાના પ્રવાસે જવાના હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં હજુ સુધી દિલ્હી સરકાર કે આમ આદમી પાર્ટી તરફથી પ્રતિક્રિયા આવી નથી.
આ પહેલાં એજન્સીએ કેજરીવાલને એક સમન્સ મોકલીને 3 જાન્યુઆરીના રોજ હાજર થવા માટે કહ્યું હતું. પરંતુ ત્યારે પણ તેઓ હાજર થયા ન હતા અને આગલી 2 વખતની જેમ એક પત્ર મોકલીને ભડાશ કાઢી હતી. તેમણે દાવો કર્યો કે આ સમન ગેરકાયદેસર છે અને તેમને બોલાવવાનો એકમાત્ર ધ્યેય ધરપકડ કરવાનો છે, બીજું કશું જ નહીં.
કેજરીવાલે પત્રમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ અને રાજ્યસભા ચૂંટણીનું કારણ આપ્યું હતું અને કહ્યું હતું કે દિલ્હીની 3 રાજ્યસભા બેઠકો જાન્યુઆરી અંતમાં ખાલી થઈ રહી છે અને જેથી ચૂંટણી યોજાશે, જેથી આમ આદમી પાર્ટીના કન્વીનર તરીકે તેઓ તેમાં વ્યસ્ત રહેશે. એવું પણ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે તેઓ ગણતંત્ર દિવસના કેટલાક કાર્યક્રમોની તૈયારીમાં પણ ઘણખરા વ્યસ્ત રહેશે, જેથી એજન્સી સમક્ષ હાજર થઈ શકે નહીં.
બીજી તરફ, તેમણે ED અને સમન પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે, ભૂતકાળમાં 2 વખત પત્રો લખ્યા હોવા છતાં એજન્સીએ તેમને કોઇ જવાબ આપ્યો નથી. તેમણે નોટિસની કાનૂની વૈધતા પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, આવું તેઓ અગાઉ પણ 2 વખત કરી ચૂક્યા છે. 3 જાન્યુઆરીના રોજ તેમણે એક વિડીયો બાઈટ પણ જાહેર કરી હતી, તેમાં પણ એ જ વાતો કહી હતી જે તેઓ અને તેમની પાર્ટી છેલ્લા 2 મહિનાથી કરતાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં EDએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરના રોજ હાજર રહેવા માટે સમન મોકલ્યાં હતાં, પરંતુ તેઓ ક્યારેય દેખાયા નથી. હવે ચોથી વખત સમન પાઠવવામાં આવ્યું છે.