Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ‘વાઈબ્રન્ટ ગુજરાતથી કોઇ ફાયદો નહીં, PM-CMના પગારમાંથી ખર્ચ ચૂકવો’: AAP ધારાસભ્યે કરી...

    ‘વાઈબ્રન્ટ ગુજરાતથી કોઇ ફાયદો નહીં, PM-CMના પગારમાંથી ખર્ચ ચૂકવો’: AAP ધારાસભ્યે કરી હાસ્યાસ્પદ દલીલો તો જનતા બની ગઈ ‘ફેક્ટચેકર’, કેજરીવાલનો ‘શીશમહેલ’ પણ યાદ કરાવ્યો

    એક તરફ પાર્ટી સુપ્રિમો પોતાના બંગલા માટે કરોડોના ખર્ચ કરે છે અને બીજી તરફ પાર્ટીના ધારાસભ્યો કોઇ રાજ્યને ફાયદો કરાવતી, તેના વિકાસ માટે કારણભૂત બનતી સમિટ માટે હાસ્યાસ્પદ દાવા કરી રહ્યા છે. આ જ વાત પછીથી લોકોએ સોશિયલ મીડિયા પર કહી હતી. 

    - Advertisement -

    સમાચારમાં બન્યા રહેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ નવાં-નવાં ગતકડાં કરતા રહે છે. તાજેતરમાં બોટાદના AAP ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો, જેમાં કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો તમામ ખર્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગારમાંથી ચૂકવવામાં આવે. જોકે, તેમની આ તરકીબ કામ આવી નહીં અને નેટીઝન્સે સોશિયલ મીડિયા પર ઝાટકણી કાઢી હતી. 

    ઉમેશ મકવાણાએ CMને લખેલા પત્રમાં કહ્યું કે, “2003થી 2023 સુધી આ પ્રકારની 10 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ છે, પરંતુ ગુજરાતની જનતાને તેમાંથી કોઇ ફાયદો થયો નથી. સાથે એવો પણ દાવો કર્યો કે, સમિટમાં દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં રોકાણકારો આવતા હોવા છતાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. સાથે એવો હાસ્યાસ્પદ પ્રશ્ન પણ પૂછ્યો કે જો ખરા અર્થમાં સમિટથી કોઇ ફાયદો થતો હોય તો ગુજરાત પર આટલું દેવું શા માટે અને તેનાથી જનતાને શું ફાયદો? સાથે એવું પણ કહ્યું કે, આ સમિટમાં થતા ખર્ચથી નુકસાન ગુજરાતની જનતાએ ભોગવવું પડતું હોય છે.” 

    અંતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે માંગ કરી કે, આ સમિટનો તમામ ખર્ચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગારમાંથી ચૂકવવામાં આવે. 

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના ધારાસભ્યે આ જ પત્ર પછીથી સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું કે, “હાલમાં તા-10થી 12 જાન્યુઆરીએ યોજાનાર ગુજરાત વાઈબ્રન્ટ સમિટ -2024નો ખર્ચ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પગારમાંથી ચૂકવવામાં આવે…મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી.” (જોડણી સુધારવામાં આવી છે.)

    જોકે, AAP નેતાનું આ ગતકડું સોશિયલ મીડિયા પર વધુ ચાલી શક્યું નહીં અને લોકોએ તેમને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ની યાદ અપાવી. ‘શીશમહેલ’ કેજરીવાલના મુખ્યમંત્રી આવાસને કહેવામાં આવે છે, જે અંગે ગત મે, 2023માં જાણકારી સામે આવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે કેજરીવાલે કોરોનાકાળ દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે પોતાના બંગલાનું રિનોવેશન કરાવ્યું હતું. પછીથી બંગલાની ભવ્ય અને આકર્ષક તસવીરો પણ સામે આવી હતી. 

    એક તરફ પાર્ટી સુપ્રિમો પોતાના બંગલા માટે કરોડોના ખર્ચ કરે છે અને બીજી તરફ પાર્ટીના ધારાસભ્યો કોઇ રાજ્યને ફાયદો કરાવતી, તેના વિકાસ માટે કારણભૂત બનતી સમિટ માટે હાસ્યાસ્પદ દાવા કરી રહ્યા છે. આ જ વાત પછીથી લોકોએ સોશિયલ મીડિયા પર કહી હતી. 

    એટલું જ નહીં, લોકોએ એ બાબત તરફ પણ ધ્યાન દોર્યું કે 20 વર્ષમાં આ સમિટથી ગુજરાતને કેટલો ફાયદો થયો છે. જેની સાથે તેમણે AAP નેતાની રાજ્યમાં લોકોને નોકરી ન મળતી હોવાની દલીલોનું ‘ફેક્ટચેક’ કરી નાખ્યું હતું. 

    લોકોએ કહ્યું કે, એક ધારાસભ્યે વિચારીને ટ્વિટ કરવું જોઈએ. તેમણે જે વાતો કહી છે તેવી વાત લોકો પાનના ગલ્લે બેસીને કરતા હોય છે. 

    ઘણા વ્યક્તિઓએ એમ પણ કહ્યું કે, AAP નેતાએ સસ્તી પ્રસિદ્ધિ માટે આવું ન કરવું જોઈએ. 

    આ પત્ર બદલ AAP ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલિંગ પણ થયું. 

    આમ આદમી પાર્ટીના નેતાની દલીલોથી ઇતર હકીકત એ છે કે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ કરાવ્યા બાદ ગુજરાતે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. રાજ્ય સતત વિકાસના પથ પર આગળ છે અને આર્થિક ક્ષેત્રે સતત મજબૂત બનતું જાય છે. ગુજરાત પરથી જ પ્રેરણા લઈને અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની સમિટ શરૂ થઈ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં