શનિવારે (6 જાન્યુઆરી, 2024) મહારાષ્ટ્રના પવનગઢ પર સ્થિત એક ગેરકાયદેસર મદરેસા ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. 45 વર્ષ જૂની આ મદરેસા અને ગેરકાયદેસર અતિક્રમણ વિશે ઑપઇન્ડિયાએ જુલાઈ, 2023માં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ હિંદુ સંગઠનાએ ફરિયાદ કરી અને તંત્ર પણ જાગ્યું હતું. હવે આખરે ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે.
મદરેસા હટાવવાનું ઑપરેશન મધ્ય રાત્રિએ 2 વાગ્યે શરૂ કરવામાં આવ્યું અને 7 કલાક બાદ સવારે 9 વાગ્યે પૂર્ણ થયું હતું. આ દરમિયાન, જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. બીજી તરફ, તમામ રસ્તાઓ બંધ કરી દઈને સ્થળ પર સામાન્ય લોકો માટે પ્રવેશ નિષેધ કરી દેવાયો હતો.
આ ડિમોલિશનની કાર્યવાહી માટે 400 પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને છેક સુધી કાર્યવાહીની જાણકારી લીક થવા દીધી ન હતી. બપોરથી જ પોલીસ કર્મચારીઓએ સ્થળનો કબજો મેળવી લીધા બાદ સાંજે જિલ્લા પોલીસ વડા, મામલતદાર, સબ ડિવિઝનલ ઓફિસર અને અન્ય અધિકારીઓએ પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
પવનગઢનો કિલ્લો મૂળરૂપે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા વર્ષ 1673માં બનાવવામાં આવ્યો હતો. અહીં સારા એવા પ્રમાણમાં મુસ્લિમ સમુદાયની વસતી છે. વર્ષ 1979માં ઇસ્મા સૈયદ નામના એક વ્યક્તિએ આ મદરેસા બનાવી હતી. હાલ ત્યાં બિહાર અને પશ્ચિમ બંગાળનાં 45 બાળકો રહીને અભ્યાસ કરતાં હતાં, જેમને આગલા દિવસે (5 જાન્યુઆરી) અન્ય એક મદરેસામાં ખસેડી દેવામાં આવ્યાં હતાં.
જુલાઈ,2023માં ઑપઇન્ડિયાએ પ્રકાશિત કર્યો હતો અહેવાલ
તે સમયે સ્થાનિક હિંદુઓએ પવનગઢ કિલ્લાની સરકારી જમીન ઉપર ‘મદરેસા અરબિયા ઝિનાતુલ- કુરાન’ નામની એક મદરેસા ચાલતી હોવાની અને તે ગેરકાયદેસર હોવાની ફરિયાદ કરી હતી. સાથે ફરિયાદમાં જણાવાયું હતું કે તેમાં આવતા વિદ્યાર્થીઓ સ્થાનિક નહીં પરંતુ દિલ્હી, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોના છે. તે સમયે બજરંગ દળ સહિતનાં હિંદુ સંગઠનોએ સ્થાનિક તંત્ર સમક્ષ અવાજ ઉઠાવ્યો હતો.
ત્યારે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં પન્હલગઢના મામલતદારે જણાવ્યું હતું કે, આ જમીન પડતર છે અને સરકારના નિયંત્રણમાં આવે છે. અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
નોંધવું જોઈએ કે પવનગઢ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા વર્ષ 1673માં પન્હાલગઢના મુખ્ય કિલ્લાની સાથે બનાવવામાં આવ્યો હતો. અંગ્રેજ આક્રાંતાઓએ પણ આ કિલ્લા પર કબજો કરવાના હેતુથી અહીં હુમલો કર્યો હતો. પન્હાલગઢ કિલ્લાની રક્ષા માટે ત્રણ ઢાળવાળી ખડકો સાથેનો પ્રવેશદ્વાર હતો. 1844માં આક્રમણ દરમિયાન અંગ્રેજોએ આમાંથી બે ખડકો નષ્ટ કરી દીધા હતા. ત્યારબાદ પન્હાલગઢનો કિલ્લો પણ તોડી પાડવામાં આવ્યો હતો. આજે આ સમગ્ર જમીન સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. પવનગઢ કિલ્લા અને પન્હાલગઢ કિલ્લાની વચ્ચે એક નાનો ખાડો છે. આ ખાડો આ બંને કિલ્લાઓને અલગ પાડે છે. હાલમાં પન્હાલા શહેરમાં લગભગ 4200 લોકો રહે છે.
જુલાઈ, 2023નો ઑપઇન્ડિયાનો વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટ અહીંથી વાંચી શકાશે.