દેશના વિદેશમંત્રી એસ. જયશંકર પોતાના સ્પષ્ટ અને બેબાક નિવેદનો માટે જાણીતા છે. ત્યારે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં એસ. જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લેતા કહ્યું કે, ભારતને વાતચીત માટે એક ટેબલ પર લાવવા પાકિસ્તાન હંમેશા આતંકવાદનો સહારો લેતું રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ જ આતંકવાદ રહી છે. તેઓ જે રમત રમી રહ્યા છે તે અમે છોડી દીધી છે.
ન્યુઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશમંત્રી એસ.જયશંકરે ભારતની વિદેશનીતિ, પાકિસ્તાન, કેનેડા, ચીન જેવા મહત્વના વિષયોને લઈને વાત કરી હતી. જેમાં મોદી સરકારની આગેવાનીમાં વિદેશ નીતિઓ પર ભારતના અભિગમ વિશે ખુલીને ચર્ચા કરી હતી. જેમાં પાકિસ્તાન સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું, “પાકિસ્તાન લાંબા સમયથી ભારત પર વાતચીતનું દબાણ લાવવા માટે સીમા પાર આતંકવાદનો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ અમે તે રમત ન રમીને તેને અપ્રસ્તુત બનાવી દીધી છે.”
#WATCH | On Pakistan, EAM, Dr S Jaishankar says, "What Pakistan was trying to do, not now but over multiple decades, was really to use cross-border terrorism to bring India to the table. That, in essence, was its core policy. We have made that irrelevant by not playing that game… pic.twitter.com/8BfuGFTGNL
— ANI (@ANI) January 2, 2024
તેઓએ વધુમાં કહ્યું, “એવું નથી કે અમે પાડોસી દેશ સાથે વ્યવહાર નહિ કરીએ. પરંતુ તે શરતો પર નહિ કરીએ જે તેઓએ રાખી છે. જેમાં વાતચીત માટે એક ટેબલ પર લાવવા આતંકવાદની પ્રથાને યોગ્ય અને પ્રભાવી માનવામાં આવે.” આ ઉપરાંત તેમણે કહ્યું, “જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી બંને દેશો વચ્ચે વાતચીત શક્ય નથી.”
વિદેશમંત્રી એસ.જયશંકરે કેનેડામાં ચાલી રહેલ ખાલિસ્તાન ચળવળના વિવાદ અંગે પણ વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું, “મુખ્ય મુદ્દો એ છે કે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોને ખુબ છૂટ આપવામાં આવી છે અને ભારતવિરોધી કાર્યોમાં સામેલ થવાની પરવાનગી પણ મળી રહી છે. જેનાથી મને લાગે છે કે આ કારણ બંને દેશોના સંબંધ માટે હાનિકારક છે. આ પ્રવૃત્તિઓ સ્પષ્ટ રીતે ભારતના હિતમાં નથી અને કેનેડાના હિતમાં પણ નથી, પરંતુ દુર્ભાગ્ય છે કે ત્યા આવું થઇ રહ્યું છે.”
આ ઉપરાંત એસ.જયશંકરે ચીન સાથેના સંબંધો અને વિદેશી મીડિયા ઉપર પણ પોતાના વિચારો પ્રગટ કર્યાં હતા. આ સાથે તેમણે તેમના પુસ્તક ‘વાય ભારત મેટર્સ’ વિશે વાત કરી હતી. જેમાં પ્રધાનમંત્રી મોદીના 2014થી લઈને અત્યાર સુધીના વિઝનની વાત કરવામાં આવી છે. જેમાં પાડોશી દેશો પ્રત્યેના દ્રષ્ટિકોણ, દક્ષિણ પૂર્વ એશિયા, હિન્દ મહાસાગર, વગેરે વિષયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.