Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યએકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવની શિવસેના શું ગુજરાતીઓને નિશાન બનાવવાની યોજના બનાવી...

    એકનાથ શિંદેના બળવા બાદ ઉદ્ધવની શિવસેના શું ગુજરાતીઓને નિશાન બનાવવાની યોજના બનાવી રહી છે?: ટ્વિટર પર ટિપ્પણીઓનું ઘોડાપૂર, પણ શું આ જૂનો પ્રોપગેંડા કરશે કામ?

    સત્તા બાદ હવે પાર્ટી ગુમાવવાની સ્થિતિનું નિર્માણ થતાં તેઓ પોતાના નેતા ઉદ્ધવ ઠાકરેની નિષ્ફળતાનું ઠીકરું કોઈના માથે ફોડવા માંગે છે અને હમેશાની જેમ તેમને આ વખતે પણ ગુજરાતીઓ પર દોષ દેવાનું પસંદ કર્યું હોવાનું જોવા મળ્યું હતું.

    - Advertisement -

    મહારાષ્ટ્રના રાજકીય ખેલમાં ઘણી ઉઠાપટક બાદ એકનાથ શિંદે એક વિજેતા તરીકે બહાર આવ્યા છે. 2/3થી વધુ ધારાસભ્યો બાદ અનેક સાંસદો અને હવે ઠગલાબંધ કોર્પોરેટરોએ ઉદ્ધવ સાથે છેડો ફાડીને શિંદેનો હાથ પકડ્યો છે. ઉપરાંત ઉદ્ધવના હાથમાંથી શિવસેના અને તેના ચિન્હો જવાની સંભાવના વચ્ચે હવે ટ્વિટર પર એક ‘મરાઠી વિરુદ્ધ ગુજરાતી’ જેવો પ્રોપગેંડા ઊભો કરાઇ રહ્યો છે જેનાથી મરાઠી લોકોને ગુજરાતીઓ તરફ અને ગુજરાતીઓના બહાને શિંદે-ફડનવીસ તરફ ઉકસાવી શકાય.

    આ પ્રોપગેંડા મુજબ ટ્વિટર પર અમુક નિશ્ચિત અકાઉન્ટસ દ્વારા એવી વાતો ફેલાવવામાં આવી રહી છે કે મહારાષ્ટ્રમાં હાલ જે કાઇ પણ થઈ રહ્યું છે એ શિવસેના વિરુદ્ધ શિવસેના નહીં પરંતુ મરાઠીઓ વિરુદ્ધ ગુજરાતીઓની લડાઈ છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઇમાં હમેશાથી અકારણ સૌના નિશાના પર રહેતા ગુજરાતીઓને વધુ હેરાન કરવાનું આ કાવતરું ઘડાઈ રહ્યું છે.

    આ આખી ચર્ચાની શરૂઆત થઈ સકાલ મીડિયા ગ્રુપ (મરાઠી ઇ-પેપર)ના ચીફ એડિટર રાહુલ ગડપાલેના એક ટ્વિટ સાથે જ્યાં તેમણે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ને ટેગ કરીને એક ટ્વિટમાં કહ્યું કે, “આ શિવસેના અને શિવસેના વચ્ચેની લડાઈ નથી; આ મરાઠી સામે ગુજરાતી યુદ્ધ છે. તેમણે એક મરાઠી વ્યક્તિના ખભા પર બંદૂક પણ મૂકી છે.”

    - Advertisement -

    આમ રાહુલ ગડપાલે આ સમગ્ર મુદ્દાને મરાઠી વિરુદ્ધ ગુજરાતી તરીકે દર્શાવવાનાઓ પ્રયત્ન કર્યો હતો અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને ગુજરાતીઓનો હાથો ગણાવ્યા હતા. જે બાદ ટ્વિટર પર શિવસેનાના કાર્યકર્તાઓએ આ પ્રોપગેંડાને આગળ વધાવવાનું કામ કર્યું. જે બદ્દ પોતાને શિવસૈનિક તરીકે રજૂ કરતાં અનેક ટ્વિટર યુઝરે આ રીતનું વિષ ઓકયું હતું.

    શિવસેના સાથે પોતાની જોડાણ દર્શાવતા અનેક ટ્વિટર યુઝરે એક જ પ્રાક્રની ટ્વિટ કરી હતી જેમાં તેમનું કહેવું હતું કે આ શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈ નથી પરંતુ ‘મરાઠી વિરુદ્ધ ગુજરાતી’ ની લડાઈ છે. આગળ તેમણે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને ટાંકતા એમ પણ લખ્યું હતું કે, “મરાઠી લોકો, ગુજરાતીઓને હાથે વેચાયેલી ફડનવીસની કપટી ટોળકીથી સાવધ રહો.”

    આમ ઉદ્ધવ સમર્થક શિવસૈનિકોએ પોતાની સત્તા અને હવે પાર્ટી ગુમાવવાની ચિંતામાં ગુજરાતીઓને નિશાના પર લેવાનો ખેલ રચ્યો હોય એવું પહેલી દ્રષ્ટિએ દેખાઈ આવે છે.

    કેમ આ પ્રોપગેંડા રાજનીતિ પ્રેરિત છે ?

    ગઈ કાલે રાહુલ ગડપાલેની એક ટ્વિટ બાદ અચાનક જ ટ્વિટર પર શરૂ થયેલ આ પ્રોપગેંડા રાજનીતિપ્રેરિત હોવાનું પણ બહાર આવી રહ્યું છે આને આ વિષયમાં ખુલાસાઓ પણ અન્ય કેટલાક ટ્વિટર યુઝર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે નકારી કરી શકાય એવા નથી.

    એક ટ્વિટર યુઝર @prettypadmaja એ રાહુક ગડપાલેની ટ્વિટ પર કમેંટમાં સકાલ મીડિયા ગ્રુપના ડિરેક્ટર્સનું લિસ્ટ મૂકીને લખ્યું હતું કે, “બકવાસ, આ ભાગલા પાડો અને રાજ કરો, પવારનું સામાન્ય રાજકારણ છે… સકાલ પ્રકાશન એનસીપીનું મુખપત્ર છે.”

    તેમણે સકાલ પબ્લિકેશને NCPના મુખપત્ર તરીકે વર્ણવ્યું અને તેમણે મુકેલ લીસ્ટમાં જોવા મળ્યું કે સકાલ મીડિયાના બધા ડિરેક્ટર્સ અન્ય કોઈ નહીં પણ NCP સુપ્રીમો શરદ પવારના પરિવારના લોકો જ છે. એટલે કે એ નકારી ના શકાય કે રાહુલ ગડપાલેની એ ટ્વિટ રાજનીતિથી પ્રેરિત હતી. ઉપરાંત શરદ પવાર આ પ્રકારની રાજનીતિ કરવા માટે જાણીતા પણ છે અને એટ્લે જ એમને મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય તરીકે પણ ઓળખવામાં આવે છે.

    NCPના આ જ મુખપત્ર સકાલ મીડિયાએ આજે એક લંબોલચક આર્ટીકલ પણ લખી નાખ્યો એ દર્શાવવા કે મરાઠીઓને મુંબઈ પર ગુજરાતીઓનું કથિત રાજ/દબાણ પસંદ નથી.

    એ પણ નોંધનીય છે કે આ પ્રોપગેંડા ફેલાવતી ટ્વિટ્સ કરવામાં શિવસેનાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં છે. સત્તા બાદ હવે પાર્ટી ગુમાવવાની સ્થિતિનું નિર્માણ થતાં તેઓ પોતાના નેતા ઉદ્ધવ ઠાકરેની નિષ્ફળતાનું ઠીકરું કોઈના માથે ફોડવા માંગે છે અને હમેશાની જેમ તેમને આ વખતે પણ ગુજરાતીઓ પર દોષ દેવાનું પસંદ કર્યું હોવાનું જોવા મળ્યું હતું.

    આ પહેલી વાર નથી કે મહારાષ્ટમાં ગુજરાતી નિશાનો બનાયા હોય

    શિવસેના મહારાષ્ટ્ર અને ખાસ કરીને મૂંબઈમાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા અનેક વાર મરાઠી વિરુદ્ધ ગુજરાતી સ્થિતિ ઊભી કરીને લાભ ખાંટતી જોવા મળી છે. શિવસેનાનો ગુજરાતદ્વેષ કોઈનાથી છુપો તો છે નહીં. શિવસેનાના નેતાઓ જ નહીં પરંતુ શિવસેનાનું મુખપત્ર સામના પણ અવાર નવાર પોતાનો ગુજરાતી દ્વેષ ઠાલવતું નજરે પડ્યું છે.

    2014માં પોતાના મુખપત્ર સામનામાં એક એડિટોરિયલમાં, શિવસેનાએ ગુજરાતી ઉદ્યોગપતિઓ પર મુંબઈનું “વેશ્યાની જેમ” શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. “આ તમામ વેપારીઓ કે જેઓ કહેતા હતા કે તેઓ તેમના વ્યવસાયોથી ખુશ છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી તેઓ તેમના રાજ્ય અને જાતિના વ્યક્તિ વડા પ્રધાન બને તે સુનિશ્ચિત કરવા માટે ભેગા થયા હતા. પરંતુ તેમાંથી કેટલાએ ક્યારેય મહારાષ્ટ્ર દિવસની ઉજવણી કરવા માટે તેમના ઉચ્ચ સ્થાનોમાંથી બહાર નીકળ્યા છે,” એડિટોરિયલમાં આગળ કહેવાયું હતું.

    આ પહેલા અને પછી પણ તેમણે મહારાષ્ટ્ર અને મૂંબઈમાં રહેતા ગુજરાતીઓને અનેકવાર પોતાના નિશાના પર લીધા હતા. 2019ની ચૂંટણી બાદ શિવસેના BJP સાથેની પોતાનું ગઠબંધન તોડીને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવે છે. આ ગઠબંધનમાની શિવસેના સિવાયના પક્ષો પણ ગુજરાતીઓથી ખાસ પ્રેમભાવ ધરાવતા નથી એ પણ સૌ જાણે છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અવાર નવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરતાં જોવા મળે છે. ખાસ કરીને 2014માં જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા અને ત્યારથી દેશમાં કોંગ્રેસમુક્ત ભારત અભયાનની શરૂઆત થઈ ત્યારથી તેમનો આ ગુજરાતદ્વેષ ઉભરાઈને બહાર આવતો થયો છે. તેઓ આવું કેમ કરે છે એ જાણવા ઑપઇન્ડિયાના એડિટર નિરવા મહેતાએ એમને અમુક પ્રશ્નો પણ પૂછ્યા હતા જે હજુ પણ જવાબ વિહોણા છે.

    નોંધનીય રીતે હાલ આ ત્રણેય રાજકીય પાર્ટીના કાર્યકરો તથા સમર્થકો મહારાષ્ટ્રમાં પોતાની સત્તા ગુમાવતાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેમ હાલ સોશિયલ મીડિયા પર મરાઠી વિરુદ્ધ ગુજરાતી જેવી પટકથા લખી રહ્યા છે.

    આ પ્રોપગેંડા કેમ હવે કામ નહીં કરે?

    શિવસેના, NCP અને કોંગ્રેસ ગુજરાતીઓ વિરુદ્ધનો પોતાનો પ્રોપગેંડા ફેલાવવામાં વ્યસ્ત છે પરંતુ હવે એ સંભાવનાઓ નહિવત છે કે તેઓ સફળ થાય અને આવું કહેવાના અમારી પાસે પૂરતા કારણો છે.

    સૌથી મોટું કારણ તો એ જ છે કે મહારાષ્ટ્રના નાગરિકો હવે સામાજિક રીતે વધુ જાગૃત બનાયા છે અને આવા દરેક પ્રોપગેંડા જ્યારે સામે આવે છે ત્યારે પોતાની બુદ્ધિ વાપરીને તેને તોલતા થયા છે અને ખરું ખોટું જાણીને અન્યોને જણાવતા થયા છે. ઉદાહરણ તરીકે જેમ ગઇકાલની સકાલ મીડિયાના ચીફ એડિટરની ટ્વિટ પર જ અનેક નાગરિકોએ તેની નિંદા કરી હતી. પદ્મજા જેવા જાગૃત નાગરિકો તો વિષયની તપાસ કરીને એ મીડિયા ગ્રુપ પાછળ કોનો હાથ છે એ પણ દર્શાવતા થયા છે.

    આ ઉપરાંત દેખીતી રીતે જ હાલ એકનાથ શિંદે સાથે ખૂબ મોટું જન સમર્થન છે જે પહેલા શિવસેના સમર્થક હતા, જેથી હવે તેઓ પણ ઉદ્ધવની શિવસેના દ્વારા ફેલાવવામાં આવેલ ભ્રમમાં ફસાય તેવી સંભાવના ઓછી છે.

    નોંધનીય રીતે જ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ એક મોટા મરાઠી વર્ગને રજૂ કરતી આવી છે જે પણ હાલ શિંદેની પડખે ઉભેલ દેખાય છે. આમ હવે મહારાષ્ટ્રમાં ભાગ કરીને રાજ કરવા માટે દાયકાઓથી વપરાતી મરાઠી વિરુદ્ધ ગુજરાતી જેવી નીતિ હવે ઉદ્ધવની વ્હારે આવે તેવી સંભાવનાઓ નહિવત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં