વિવાદાસ્પદ ફિલ્મનિર્માતા અવિનાશ દાસ (Avinas Das) વિરુદ્ધ અમદાવાદમાં નોંધાયેલા કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવ્યા બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. રિપોર્ટ અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ જવા માટે રવાના થઇ છે અને તેઓ અવિનાશ દાસની ધરપકડ કરી શકે છે.
फिल्म निर्माता अविनाश दास होंगे गिरफ्तार?
— AajTak (@aajtak) July 9, 2022
(@gopimaniar)https://t.co/BlpO14CYhG
આજતકના રિપોર્ટ અનુસાર, આજે સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની (Ahmedabad Crime Branch) એક ટીમ અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ જવા રવાના થઇ છે. અનુમાન છે કે કોઈ પણ ક્ષણે અમદાવાદ પોલીસ અવિનાશની ધરપકડ કરી શકે છે.
અવિનાશ દાસ વિરુદ્ધ ગત મે મહિનામાં અમદાવાદ ખાતે એક કેસ નોંધાયો હતો. અવિનાશ દાસ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં પકડાયેલ ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહમંત્રી અમિત શાહ સાથેની જૂની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ગૃહમંત્રીની છબી ખરડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત દાસ ઉપર રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પર તિરંગો પહેરેલી એક મહિલાની તસ્વીર પોસ્ટ કરી હતી. આ આરોપો હેઠળ વધુમાં વધુ ત્રણ વર્ષ જેલની સજા કરી શકાય છે.
અવિનાશ દાસ વિરુદ્ધ આ કેસ 14 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાસ વિરુદ્ધ આઇપીસીની કલમ 469 અને આઇટી એક્ટની કલમ 67 સાથે રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન સબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
કેસ દાખલ થયા બાદ અવિનાશ દાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. જોકે, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. જે બાદ તેમને ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ ગુજરાત હાઇકોર્ટે પણ અવિનાશ દાસની આગોતરા જામીનનની અરજી ફગાવી દીધી હતી.
અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, અવિનાશ દાસે રાષ્ટ્રીય સન્માન અધિનિયમના પ્રાવધાનોનું ઉલ્લંઘન કરતા એક તસ્વીર પ્રસારિત કરી હતી જેમાં એક વ્યક્તિને તિરંગાથી બનાવવામાં આવેલ કપડાંમાં દર્શાવવામાં આવ્યા હતા. ખંડપીઠે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે અરજદારે રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યું છે અને જેથી કોર્ટ રાહત આપવામાં સતર્કતા દાખવશે.
અવિનાશ દાસે કોર્ટને કહ્યું હતું કે, તેઓ તેમની ભૂલ માટે બિનશરતી માફી માંગવા માટે તૈયાર છે અને કહ્યું હતું કે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માત્ર એક ભૂલ હતી અને તેમનો ઈરાદો અપમાન કરવાનો ન હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે, રાષ્ટ્રીય ધ્વજનું અપમાન એ ભૂલ ન હોય શકે. અહીં નોંધવું જોઈએ કે અમદાવાદ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ સિવાય બોમ્બે હાઇકોર્ટ પણ અવિનાશ દાસના ટ્રાન્ઝિસ્ટ બેલ રદ કરી દીધા હતા.