2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો દેશ આજે પણ ભૂલી શક્યો નથી. અમુક ઇસ્લામી અને વામપંથી જૂથોએ એક સુવ્યવસ્થિત ષડયંત્રને અંજામ આપ્યા બાદ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હિંસા અને રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાંથી અનેક ષડયંત્રકારીઓ સામે હાલ કેસ ચાલી રહ્યા છે, કેટલાક જેલમાં બંધ છે અને કેટલાક ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. પણ અમુક એવા વ્યક્તિઓ પણ છે જેઓ સીધી કે આડકતરી રીતે આ કાવતરાનો ભાગ હતા પરંતુ હિંસા પછી જે તપાસ ચલાવવામાં આવી તેમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી.
દિલ્હી પોલીસ દ્વારા કેસ 59/2020માં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી, તેમાં વિસ્તૃત રીતે જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોનાં બી ડિસેમ્બર, 2019માં જ રોપાઈ ગયાં હતાં. આ કેસમાં દિલ્હી પોલીસે કુલ 2700 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી 700 પાનાંમાં એ સમજાવવામાં આવ્યું છે કે આ સમગ્ર ષડયંત્ર કઈ રીતે રચવામાં આવ્યું હતું. જેનાથી ઑપઇન્ડિયાના અગાઉના એ રિપોર્ટ્સને પણ સમર્થન મળે છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરીમાં જે રમખાણો ફાટી નીકળ્યાં હતાં તે ડિસેમ્બરમાં જે હિંસા થઈ હતી તેની સાથે પણ સંબંધ ધરાવે છે.
5 ડિસેમ્બરના રોજ શરજીલ ઇમામે ‘મુસ્લિમ સ્ટુડન્ટ્સ ઑફ JNU’ નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ એ સમય હતો જ્યારે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ અને અરશદ વારસી (જામિયાનો એક વિદ્યાર્થી) સતત સંપર્કમાં રહેતા હતા અને શરજીલ એક ‘સ્ટુડન્ટ્સ ઑફ જામિયા’ નામના કટ્ટરપંથી ગ્રુપ સાથે પણ સંપર્કમાં હતો. નોંધવું જોઈએ કે 2023માં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે પૂણે ISIS મોડ્યુલ કેસમાં અરશદ વારસીની ધરપકડ કરી હતી.
ત્યારબાદ 6 ડિસેમ્બરના રોજ શરજીલ ઇમામે અમુક પેમ્ફલેટ લખીને જામિયા મસ્જિદ વિસ્તારમાં વહેંચાવડાવ્યાં હતાં. જે બાબત શરજીલ અને વારસી વચ્ચે થયેલી વાતચીતમાં સામે આવી છે. આ પેમ્ફલેટનું લખાણ રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરૂદ્ધ મુસ્લિમોને ભડકાવનારું લખવામાં આવ્યું હતું. જેમાં અમુક લખાણ એવું પણ હતું કે, “અલ્લાહનો કાનૂન સૌથી ઉપર છે” અને “અલ્લાહનો આદેશ કોઇ પણ કાયદાથી ઉપર છે.” આ પેમ્ફલેટ 6 ડિસેમ્બરે મસ્જિદોમાં વહેંચવામાં આવ્યાં હતાં અને સાથે જંતર-મંતર પર ‘યુનાઇટેડ અગેઇન્સ્ટ હૅટ’ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાગ લેવાની અપીલ કરવામાં આવી હતી.
7 ડિસેમ્બરના રોજ શરજીલ ઇમામે વારસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે પણ આ પ્રદર્શનમાં સામેલ થશે. આમ તો પ્રદર્શનમાં ભાગ લેવામાં કશું ખોટું નથી પરંતુ ધ્યાને લેવા જેવી બાબત એ છે કે 7મીએ ઇમામે કહ્યું હતું કે, તે આગામી અઠવાડિયે કશુંક મોટું આયોજન કરી રહ્યો છે અને તે માટે દિલ્હી યુનિવર્સિટી, AMU અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓને એકઠા કરશે.
ચાર્જશીટ અનુસાર, આ પ્રદર્શનમાં યોગેન્દ્ર યાદવ, ઉમર ખાલિદ, નદીમ ખાન, શરજીલ ઇમામ, ઈફ્તાત અને સાંઈ બાલાજી વગેરે ઉપસ્થિત હતા. જેમણે CAA વિરુદ્ધ ભાષણો આપ્યાં હતાં. આ જ પ્રદર્શન દરમિયાન ઉમર ખાલિદે શરજીલ ઇમામની ઓળખ યોગેન્દ્ર યાદવ સાથે કરાવી હતી. સાક્ષીઓએ પોલીસને જણાવ્યું છે કે, ઉમર ખાલિદે શરજીલને પહેલેથી જ કહી રાખ્યું હતું કે તે JNU, જામિયા, DU વગેરેના સમાન વિચારધારા ધરાવનારા વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવે અને વાતચીત દરમિયાન તેણે ચક્કાજામનો પણ વિચાર મૂક્યો હતો.
ચાર્જશીટ અનુસાર, આ મીટિંગમાં ચાર અગત્યની બાબતો નક્કી કરવામાં આવી હતી.
- યોગેન્દ્ર યાદવ, શરજીલ ઇમામ અને ઉમર ખાલિદ વચ્ચે નક્કી થયું હતું કે ચક્કાજામ માટે લોકો ભેગા કરવા માટે તે માટે મુસ્લિમો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો.
- મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ‘જાગૃતિ અભિયાનો’ ચલાવવાં.
- ચક્કાજામ માટે સમાન વિચારધારા ધરાવતાં મુસ્લિમ સંગઠનોનો પણ સહયોગ મેળવવા પ્રયાસો કરવા.
- ચક્કાજામની શરૂઆત માટે મસ્જિદો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તે માટે ઇમામોની પણ મદદ લેવી.
ચાર્જશીટ અનુસાર, આ ષડ્યંત્રમાં યોગેન્દ્ર યાદવની એન્ટ્રી 7 ડિસેમ્બર, 2019ના રોજ થઈ હતી. તેના થોડા દિવસ બાદ જ જામિયા અને દિલ્હીના અન્ય કેટલાક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. 7 ડિસેમ્બર સુધીમાં ઉમર ખાલિદ અને યોગેન્દ્ર યાદવ શરજીલ ઇમામને મળી ચૂક્યા હતા. લોકો એકઠા કરવાનું કામ 5 અને 7 ડિસેમ્બર વચ્ચે શરૂ થઈ ચૂક્યું હતું, હવે 8 ડિસેમ્બરે શું થયું હતું તે જોઈએ.
ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, યોગેન્દ્ર યાદવ અને અન્યો વચ્ચે મળેલી બેઠક
8 ડિસેમ્બર, 2019ના રોજ યોગેન્દ્ર યાદવ, શરજીલ ઇમામ, ઉમર ખાલિદ અને અન્યો વચ્ચે એક બેઠક જંગપુરા બેઝમેન્ટમાં મળી હતી. આ મીટિંગનો ફોટો પણ દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જોડ્યો છે, જેમાં ઉપર લખ્યાં તે નામો અને તે સિવાય પણ અન્ય વ્યક્તિઓ જોવા મળે છે.
ચાર્જશીટ અનુસાર, આ મીટિંગ ચક્કાજામ કઈ રીતે કરવો તેના આયોજન માટે યોજવામાં આવી હતી. જેમાં નક્કી થયું હતું કે શરજીલ ઇમામ દિલ્હીની વિવિધ યુનિવર્સિટી અને કોલેજમાંથી વિદ્યાર્થીઓની આગેવાની કરશે. એવું પણ નક્કી થયું હતું કે યુનાઇટેડ અગેઇન્સ્ટ હૅટ અને સ્વરાજ્ય અભિયાન જેવાં સંગઠનો તમામ શક્ય મદદ પૂરી પાડશે. ચાર્જશીટમાં સાક્ષીઓનાં નિવેદનના આધારે આ બાબતો ટાંકવામાં આવી છે.
આ મીટિંગ થઈ હતી તે બાબતની પુષ્ટિ શરજીલ ઇમામ અને અરશદ વારસી વચ્ચેની વાતચીત પરથી પણ થઈ શકે છે. બીજી તરફ, આ મીટિંગના જ દિવસે એક વોટ્સએપ ગ્રુપ (CAB TEAM) પણ બનાવવામાં આવ્યું, જેમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, યોગેન્દ્ર યાદવ વગેરે સામેલ હતા. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, જંગપુરામાં યોજાયેલી આ મીટિંગમાં જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ જ મિટિંગમાં હિંસાનાં બી રોપાયાં હતાં અને સંગઠનો અને શરજીલ ઇમામ-ઉમર ખાલિદ જેવા વ્યક્તિઓએ સાથે મળીને કામ કરવું તેવું નક્કી થયું હતું.
8 ડિસેમ્બરની આ બેઠક ક્યાં યોજાઈ હતી?
ચાર્જશીટ અનુસાર, આ બેઠક જંગપુરાના બેઝમેન્ટમાં યોજાઈ હતી. ચાર્જશીટમાં મીટિંગનું સરનામું આ રીતે લખવામાં આવ્યું છે- 6/6, Jungpura Ext.
જ્યારે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે આ એ જ સ્થળ છે, જ્યાં પ્રશાંત ભૂષણની ઑફિસ સ્થિત છે!
પ્રશાંત ભૂષણની અનેક ઑફિસ છે, જ્યાંથી તેઓ કામ કરે છે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર તેમની અધિકારિક ચેમ્બર ન્યૂ લોયર્સ ચેમ્બર, સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયા દર્શાવવામાં આવી છે, જ્યારે 6/6 જંગપુરા ઑફિસનો ઉલ્લેખ અનેક દસ્તાવેજોમાં જોવા મળે છે. જેમકે, 2021માં વેક્સિન ડેટા સાર્વજનિક કરવાની માંગ કરતી એક અરજીનો પક્ષ પ્રશાંત ભૂષણે રાખ્યો હતો. ઑપઇન્ડિયાએ જ્યારે આ કેસના દસ્તાવેજો મેળવ્યા તો સુપ્રીમ કોર્ટને મોકલેલા એક દસ્તાવેજમાં પ્રશાંત ભૂષણની ઑફિસ તરીકે 6/6 જંગપુરા બેઝમેન્ટનો ઉલ્લેખ જોવા મળ્યો. આ દસ્તાવેજ પર ભૂષણના હસ્તાક્ષર પણ જોવા મળે છે.
જેની ઉપરથી સાબિત થાય છે કે આ એ જ સ્થળ છે જ્યાં 8 ડિસેમ્બર, 2019ની બેઠક થઈ હતી અને જ્યાં દિલ્હી હિંદુવિરોધી રમખાણોનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
અન્ય ભારતવિરોધી અભિયાનોનું પણ જન્મસ્થળ રહી ચૂકી છે આ જગ્યા
નોંધવું જોઈએ કે 6/6 જંગપુરા ખાતે માત્ર હિંદુવિરોધી રમખાણોનું ષડયંત્ર જ નહતું રચાયું પરંતુ આ સ્થળ અનેક ભારતવિરોધી અભિયાનોનું પણ જન્મસ્થળ રહી ચૂક્યું છે. શાંતિ ભૂષણ અને પ્રશાંત ભૂષણે થોડાં વર્ષો પહેલાં ન્યાયિક જવાબદેહી અને ન્યાયિક સુધારા (અંગ્રેજીમાં- જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી એન્ડ જ્યુડિશિયલ રિફોર્મ- CJAR) સ્થાપ્યું હતું, જે ભારતવિરોધી પ્રોપગેન્ડા માટે જાણીતું હતું. આ ઉપરાંત, NAPM- નેશનલ એલાયન્સ ફોર પીપલ્સ મૂવમેન્ટની ઑફિસ પણ અહીં જ આવેલી છે.
આ NAPM નર્મદા બચાઓ આંદોલન ફેમ મેધા પાટકર દ્વારા 1996માં સ્થાપવામાં આવ્યું હતું. મેધા પાટકર સરદાર સરોવર ડેમ વિરુદ્ધ નર્મદા બચાઓ આંદોલન ચલાવવા માટે જાણીતાં છે. વર્ષો સુધી આ આંદોલન ચાલ્યું, જેના કારણે ડેમના કામમાં પણ વિલંબ થતો રહ્યો હતો. એટલું જ નહીં, મેધા પાટકરે CAA વિરોધી પ્રદર્શનોમાં પણ ભાગ લીધો હતો. આ સંગઠને CAA વિરોધી પ્રદર્શન દરમિયાન હિંસા આચરનાર જામિયાના જેહાદીઓનું પણ સમર્થન કર્યું હતું. આ NAPM ઉમર ખાલિદની મુક્તિ માટે કાયમ પ્રોપગેન્ડા ચલાવતું રહે છે. એ જ ઉંમર ખાલિદ, જે દિલ્હી હિંદુવિરોધી રમખાણોનો માસ્ટરમાઇન્ડ હતો અને 8 ડિસેમ્બરે પ્રશાંત ભૂષણની ઑફિસે યોજાયેલી મિટીંગમાં હાજર હતો.
એ સવાલો, જેના જવાબો મળવા જરૂરી છે.
- 59/2020 કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટ અનુસાર, યોગેન્દ્ર યાદવ, ઉમર ખાલિદ, શરજીલ ઇમામ અને અન્યો વચ્ચે 8 ડિસેમ્બર, 2019ના રોજ મળેલી બેઠક 6/6 જંગપુરા બેઝમેન્ટ ખાતે મળી હતી. શું પ્રશાંત ભૂષણ આ બેઠકમાં હાજર હતા?
- શું પ્રશાંત ભૂષણને એ બાબતની જાણ હતી કે આ મિટિંગમાં ચક્કાજામ અને હિંસાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું?
- પ્રશાંત ભૂષણની ઑફિસ ખાતે મીટિંગ યોજવાનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો?
- પ્રશાંત ભૂષણ મીટિંગમાં ક્યાં સુધી સામેલ હતા?
- શું તેમને બેઠક દરમિયાન થતી વાતચીતની જાણકારી હતી?
- ઇશરત જહાં અને ખાલિદ સૈફીએ તપાસ દરમિયાન આપેલાં નિવેદનોમાં પ્રશાંત ભૂષણનું નામ લીધું હતું. જેમાં જણાવાયું હતું કે તેમણે CAA વિરોધી પ્રદર્શનોમાં ભાગ લીધો હતો, જે પ્રદર્શનોના કારણે અંતતઃ હિંસા થઈ હતી. આ પ્રદર્શનોમાં પ્રશાંત ભૂષણની ભાગીદારી કેટલી હતી, તે મામલે તપાસ થવી જરૂરી છે.
- શું તેઓ પ્રદર્શનો યોજવા અને હિંસા ભડકાવવા માટે બનાવવામાં આવેલા કોઇ પણ વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા?
- તેમની ઑફિસ ખાતે યોજાયેલી બેઠક બાબતે દિલ્હી પોલીસે પૂછપરછ કરવા માટે તેમનો સંપર્ક કર્યો હતો?
દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો ‘હિંદુઓને પાઠ ભણાવવા માટે’ રચવામાં આવેલા એક સુનિયોજિત ષડ્યંત્રનો ભાગ હતાં. આ હિંસા વિશેષ રૂપે હિંદુઓ અને ભારતની સરકારને નિશાન બનાવવા માટે કરવામાં આવી હતી, જે વિશે દિલ્હી પોલીસે પોતાની ચાર્જશીટમાં પણ ખુલાસા કર્યા છે. જેની ઉપરથી જાણવા મળે છે કે 5 ડિસેમ્બર, 2019 બાદ પ્રતિદિન હિંસા ભડકાવવાનું ષડયંત્ર કઈ રીતે આગળ વધતું ગયું. તેની શરૂઆતની બેઠકોમાંથી એક બેઠક પ્રશાંત ભૂષણની ઑફિસ ખાતે મળી હતી. જેથી આ હિંસામાં તેમની સંડોવણી અંગે તપાસ જરૂરી બની જાય છે.
સંપાદકીય નોંધ:
- સ્ટોરીને લઈને પ્રશાંત ભૂષણનો જવાબ જાણવા માટે ઑપઇન્ડિયાએ તેમને મેઈલ કર્યો હતો. પરંતુ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં તેમણે કોઈ જવાબ આપ્યો નથી. જો પ્રત્યુત્તર મળે તો રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.
- અહીં ગુજરાતીમાં અનુવાદિત અહેવાલ મૂળ રીતે અંગ્રેજીમાં નૂપુર જે શર્મા દ્વારા લખવામાં આવ્યો છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.