મંગળવારે (26 ડિસેમ્બર) નવી દિલ્હીમાં સ્થિત ઇઝરાયેલી એમ્બેસી પાસે થયેલા વિસ્ફોટ બાદ હવે ઇઝરાયેલ પણ એક્શનમાં આવ્યું છે. વિસ્ફોટની ગંભીરતાને ધ્યાને લઈને ઇઝરાયેલ સુરક્ષા પરિષદે ભારતમાં રહેતા અને પ્રવાસ કરતાં પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. સાથે જ ઇઝરાયેલ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે એ પણ કહ્યું છે કે, વિસ્ફોટ સંભવતઃ ‘આતંકી હુમલો’ પણ હોય શકે છે. માટે ભારતમાં રહેતા તમામ ઇઝરાયેલીઓએ સતર્ક રહેવું જોઈએ.
મંગળવારે (26 ડિસેમ્બર) સાંજે નવી દિલ્હીના ચાણક્યપુરી ડિપ્લોમેટિક એન્ક્લેવમાં ઇઝરાયેલી એમ્બેસી પાસે એક ભયંકર વિસ્ફોટ થયો હતો. સદનસીબે આ વિસ્ફોટમાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નહોતી પણ ઘટનાના પડઘા હવે છેક ઇઝરાયેલ સુધી પહોંચ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઇઝરાયેલ સુરક્ષા પરિષદે ભારતમાં રહેતા ઇઝરાયેલી નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. સુરક્ષા પરિષદે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને સંભવિત આતંકી હુમલો ગણાવ્યો છે.
નાગરિકો માટે જારી કરવામાં આવી એડવાઇઝરી
ઘટનાની ગંભીરતાને લઈને NSC (નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ) ઇઝરાયેલે ભારતમાં રહેતા અને પ્રવાસ કરતાં નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સાથે જ કહેવાયું છે કે, ઇઝરાયેલી નાગરિકો ભીડભાડવાળી જગ્યાઓ (મોલ અને બજાર) અને પશ્ચિમી/યહૂદીઓ અને ઇઝરાયેલની ઓળખ ગણાતી જગ્યાઓ પર જવાનું ટાળે. પરિષદે ઇઝરાયેલી નાગરિકોને જાહેર સ્થળો (રેસ્ટોરન્ટ, હોટેલ, પબ વગેરે)પર સતર્ક રહેવાની પણ સૂચના આપી છે. એડવાઇઝરીમાં જાહેરમાં ખુલ્લેઆમ ઇઝરાયેલી પ્રતીકોને પ્રદર્શિત કરવાનું ટાળવું, અસુરક્ષિત સામૂહિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળવું અને સોશિયલ મીડિયા પર યાત્રા કાર્યક્રમોની સાથે-સાથે લાઈવ લોકેશન, લાઈવ ફોટો અને વિડીયો પ્રસારિત કરવાનું ટાળવા જેવી સલાહો આપી છે.
ઇઝરાયેલી એમ્બેસી પાસે થયો હતો વિસ્ફોટ
નોંધનીય છે કે, મંગળવારે (26 ડિસેમ્બર) દિલ્હીના ચાણક્યપુરી સ્થિત ઇઝરાયેલી એમ્બેસી પાસે ભયંકર વિસ્ફોટ થયો હતો. જેને લઈને બે ઘડી માટે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ વિસ્ફોટના લીધે કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નહોતી. તેમ છતાં દિલ્હી પોલીસ અને તપાસ એજન્સીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આદરી દીધી છે. ઇઝરાયેલી દૂતાવાસના પ્રવક્તા ગાઈ નીરે કહ્યું કે, “અમે પુષ્ટિ કરીએ છીએ કે સાંજે 5:48 કલાકની આસપાસ દૂતાવાસની નજીક એક ધમાકો થયો હતો. ઘટનાને લઈને દિલ્હી પોલીસ અને સિક્યુરિટી ટીમ સ્થિતિની તપાસ કરી રહી છે.”
તપાસ દરમિયાન દિલ્હી પોલીસને CCTV ફૂટેજમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા છે. જેની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. હવે પોલીસ આસપાસના વિસ્તારોમાં આવેલા CCTVની તપાસ કરી રહી છે. જેથી બંને શંકાસ્પદ વ્યક્તિઓ કઈ બાજુ અને કયા રસ્તા પરથી આવ્યા હતા અને ગયા હતા તે વિશેની માહિતી મેળવી શકાય. આ ઉપરાંત દિલ્હી પોલીસને ઘટનાસ્થળ પરથી એક અંગ્રેજી ભાષામાં લખાયેલો પત્ર પણ મળ્યો હતો જેમાં ઇઝરાયેલી એમ્બેસીનું સંબોધન કરવામાં આવ્યું હતું અને ધમકી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલી એમ્બેસી પાસે વિસ્ફોટ થવો કોઈ પહેલીવાર બનેલી ઘટના નથી. પહેલાં 2012માં દૂતાવાસના એક કર્મચારીની પત્ની તેમની કાર પર થયેલા હુમલામાં ઘાયલ થઈ ગઈ હતી. જે બાદ વર્ષ 2021માં ઇઝરાયેલી દૂતાવાસની બહાર એક વિસ્ફોટ થયો હતો જેમાં ત્યાં ઉભેલા વાહનોને નુકશાન પહોંચ્યું હતું.