દિલ્હી લિકર પોલિસી કેસમાં રાજધાનીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે હાજર થવા માટે EDએ સમન પાઠવ્યું હતું, પરંતુ બીજી વખત પણ તેઓ છટકી ગયા છે. આગલા દિવસે જ તેઓ પંજાબ ‘વિપશ્યના કાર્યક્રમ’માં ઊપડી ગયા હતા. જોકે, કેજરીવાલે EDને એક પત્ર લખીને સમનનો જવાબ આપ્યો છે. જેમાં એ જ વાતો કહી છે જે તેઓ અગાઉ કહી ચૂક્યા છે.
એજન્સીને મોકલેલા પત્રમાં કેજરીવાલે આ સમનના સમય પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, જે સમયે આ તેડું મોકલવામાં આવ્યું છે તેનાથી મને લાગે છે કે આ માત્ર ‘પ્રોપગેન્ડા’ છે અને લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં માત્ર સનસનાટી સર્જવાનો પ્રયાસ છે.
Delhi CM Arvind Kejriwal responds to the ED summon issued to him in the Liquor policy case, says, "This ED summon is also illegal like the previous summon issued by the agency. ED should withdraw this summon as it is politically motivated. I have lived my life with honesty and… pic.twitter.com/4eagOMgRKV
— ANI (@ANI) December 21, 2023
ત્યારબાદ તેમણે અગાઉના સમન પર આપેલા જવાબને જ ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવતું હતું કે આ આદેશમાં કહેવામાં આવ્યું નથી કે તેમને એક સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે કે શંકાસ્પદ આરોપી તરીકે. ઉપરાંત, એવી પણ ફરિયાદ કરી કે આદેશમાં એ કહેવામાં નથી આવ્યું કે તેમને વ્યક્તિગત રીતે બોલાવવામાં આવ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કે પછી આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે.
એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ સમન ‘મોટિવેટેડ’ છે કારણ કે જ્યારે તે ઇસ્યુ કરવામાં આવ્યું તેની બપોરે જ અમુક ભાજપ નેતાઓએ નિવેદનો આપ્યાં હતાં કે મને સમન પાઠવવામાં આવશે અને ત્યારબાદ ધરપકડ કરી લેવામાં આવશે. કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આ સમન ભાજપ નેતાઓ પાસે પહોંચી ગયું હતું અને કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપના જ ઇશારે મોકલવામાં આવ્યું છે.
કેજરીવાલે તાજેતરના પત્રમાં કહ્યું કે, આ બાબતોનો જવાબ આપ્યા વગર જ એજન્સીએ સમન ઇસ્યુ કરી દીધું હતું અને તેઓ હજુ જાણતા નથી કે તેમને એક સાક્ષી તરીકે બોલાવવામાં આવી રહ્યા છે કે પછી દિલ્હીના સીએમ તરીકે કે AAPના કન્વીનર તરીકે. તેમણે અગાઉનો એક હાઇકોર્ટનો આદેશ ટાંકીને એવો પણ દાવો કર્યો કે જ્યારે ED કોઇ વ્યક્તિને કેસની વિગતોની જાણકારી આપ્યા વગર સમન પાઠવે ત્યારે કોર્ટ તેને રદ કરવાની ક્ષમતા ધરાવે છે.
Delhi CM and AAP national convener Arvind Kejriwal responds to the ED summon issued to him in the Liquor policy case pic.twitter.com/5LAxZ9enuO
— ANI (@ANI) December 21, 2023
ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ એક ‘સંવેદનશીલ’ પદ પર આસીન છે અને એક ગૌરવપૂર્ણ, ગરિમામય અને પારદર્શક જીવન જીવ્યા છે. અગાઉના કાર્યક્રમ હેઠળ તેઓ વિપશ્યના મેડિટેશન કોર્સ માટે 20 ડિસેમ્બરથી રવાના થવાના હતા અને જે તેઓ છેલ્લાં 25 વર્ષથી કરતા આવ્યા છે. સાથે કહ્યું કે, તેઓ એક કાયદાનું પાલન કરનારા નાગરિકછે અને કાયદાની હદમાં રહીને જે સમન ઇસ્યુ કરવામાં આવે તેનું પાલન કરવા પ્રતિબધ્ધ છે પરંતુ એજન્સીનું સમન કાયદા અનુસાર નથી.
દિલ્હી CMએ એમ પણ કહ્યું કે, એજન્સીએ જાણી જોઈને તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માટે કહ્યું છે અને તે માટે કોઇ ચોક્કસ કારણ પણ આપ્યું નથી, જેથી તેમને લાગે છે કે તે પાછળનો ઉદ્દેશ્ય તેમને હેરાન-પરેશાન કરવાનો જ છે. અંતે તેમણે એજન્સીને વિનંતી કરી છે કે તેઓ કાયદાને વળગી રહીને કાર્યવાહી કરે અને આ સમન પરત ખેંચી લે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હી સીએમ કેજરીવાલને ઑક્ટોબર અંતમાં એજન્સી EDએ પહેલું સમન પાઠવીને દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે હાજર થવા માટે જણાવ્યું હતું, પરંતુ તેઓ ત્યારે પણ મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું કહીને હાજર થયા ન હતા. હવે તેઓ ફરીથી હાજર થયા નથી.