Friday, May 17, 2024
More
    હોમપેજદેશ‘જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ સાર્વજનિક ના કરો’- મુસ્લિમ પક્ષની માંગ: ASI ટીમે 1500...

    ‘જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ સાર્વજનિક ના કરો’- મુસ્લિમ પક્ષની માંગ: ASI ટીમે 1500 પાનાંનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો, 21 ડિસેમ્બરે વધુ સુનાવણી

    આ મામલે રિપોર્ટ જમા કરાવ્યા પહેલાં મુસ્લિમ પક્ષે એક અરજી દાખલ કરી હતી. તે અરજીમાં મુસ્લિમ પક્ષે સર્વેના રિપોર્ટને સાર્વજનિક ના કરવા માટેની માંગ કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી પરિસર મામલે નવા સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ASIની ટીમે જિલ્લા કોર્ટ સમક્ષ 1,500 પેજનો સીલબંધ રિપોર્ટ રજૂ કરી દીધો છે. દેશભરના લોકો આ રિપોર્ટને લઈને ઘણી ચર્ચાઓ સેવી રહ્યા છે. કોર્ટના આદેશ પર ASIની ટીમે સાઇન્ટિફિક સર્વેનું કામ પૂર્ણ કર્યું છે. સર્વે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રિપોર્ટ રજૂ કરવાને લઈને ASIની ટીમે સતત વધુ સમયની માંગ કરી હતી. હમણાં સુધીમાં આ માંગ ચાર વાર કરવામાં આવી હતી. જે બાદ હવે જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રજૂ કરાયા પહેલાં મુસ્લિમ પક્ષે (અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટી) સર્વેને સાર્વજનિક ના કરવા માટે માંગ કરતી અરજી પણ દાખલ કરી હતી.

    વારાણસી જિલ્લા કોર્ટે છેલ્લી સુનાવણી વખતે 18 ડિસેમ્બરે જ્ઞાનવાપી પરિસરનો સર્વે રિપોર્ટ જમા કરવાનો આદેશ આપ્યો હતો. આદેશ અનુસાર સોમવારે (18 ડિસેમ્બર) ASIની ટીમે કોર્ટ સમક્ષ સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. જિલ્લા જજ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતમાં સર્વે રિપોર્ટ જમા કરવામાં આવ્યો છે. રિપોર્ટ જમા કરાવ્યા બાદ જ કોર્ટ પરિસરમાં હલચલ તેજ થઈ ગઈ હતી. આ મામલે રિપોર્ટ જમા કરાવ્યા પહેલાં મુસ્લિમ પક્ષે એક અરજી દાખલ કરી હતી. તે અરજીમાં મુસ્લિમ પક્ષે સર્વેના રિપોર્ટને સાર્વજનિક ના કરવા માટેની માંગ કરી હતી.

    રિપોર્ટને લઈને મુસ્લિમ પક્ષે દાખલ કરી અરજી

    ASI ટીમના સર્વે રિપોર્ટ અંગે મુસ્લિમ પક્ષે (અંજુમન ઈંતજામિયા મસાજિદ કમિટી) અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સર્વે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રજૂ કરવો. આ ઉપરાંત તેમાં કહેવાયું હતું કે હલફનામાં (એફિડેવિટ) વગર સર્વે રિપોર્ટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે એવી માંગણી કરી હતી કે સર્વે રિપોર્ટ કોઈપણ સંજોગોમાં સાર્વજનિક થવો જોઈએ નહીં. આ સિવાય પણ તેમણે ઘણી માંગણીઓ કરી હતી. જોકે, ASIની ટીમે સીલબંધ પરબીડિયામાં જ સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે. જેથી મુસ્લિમ પક્ષની શંકાનું સમાધાન પણ થઈ શકે.

    - Advertisement -

    21 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે

    વિવાદિત જ્ઞાનવાપી પરિસરને લઈને હવે આગામી સુનાવણી 21 ડિસેમ્બરે હાથ ધરાશે. ASIની ટીમ દ્વારા 1,500 પેજનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ASIની ટીમે જ્ઞાનવાપી પરિસરમાંથી મળેલા સાક્ષ્ય અને પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. કોર્ટમાં તપાસ દરમિયાન તૈયાર કરવામાં આવેલા વિડીયો ફૂટેજ પણ રજૂ કરવાની ચર્ચા છે.

    ASIની ટીમે સર્વે રજૂ કર્યા બાદ જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે આગામી સુનાવણી 21 ડિસેમ્બરે હાથ ધરવાનો આદેશ આપ્યો છે. અરજદારો પણ તે જ દિવસે રિપોર્ટની નકલ મેળવી શકશે. 21 ડિસેમ્બરે સુનાવણી થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ઘણી બધી અડચણો બાદ 4 ઓગસ્ટના રોજથી જ્ઞાનવાપી પરિસરમાં સર્વેનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં