આખરે એક મહિનાથી પોલીસ ધરપકડથી બચાવ ફરાર થયેલા AAPના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુરુવાર, 14 ડિસેમ્બર 2023ના રોજ પોલીસ સામે સરેન્ડર કર્યું છે. આ પહેલા તેઓએ નીચલી અદાલતથી લઈને ગુજરાત હાઇકોર્ટ સુધી આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બધેથી તે ફગાવી દેવામાં આવી હતી. આખરે અન્ય કોઇ રસ્તો ના બચતા તેઓએ સરેન્ડર કરવાની ફરજ પડી છે.
અહેવાલો અનુસાર ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ AAPના ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કર્યું હતું. આ પહેલા મીડિયા સાથે વાત કરતો તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં તેઓ તેમની સામે ષડતંત્ર રચાયું હોવાના આરોપ લગાવી રહ્યા છે.
I have been dragged in false cases: claims MLA #ChaitarVasava #Narmada #Gujarat #TV9News pic.twitter.com/j6AkrYC1L9
— Tv9 Gujarati (@tv9gujarati) December 14, 2023
વિડીયોમાં તેઓ કહેતા સંભળાય રહ્યા છે, “ભાજપ સરકારે મને ખોડી રીતે ફસાવવા ખોટા કેસ કર્યા છે અને ષડયંત્ર રચ્યું છે. મારી પત્નીને પણ જેલમાં બંધ કરી છે. હું નાગરિકોની વચ્ચે રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે.” આ સાથે જ તેઓએ આગામી દિવસોમાં મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
આ પહેલા વહેલી સવારથી અટકળો લગાવાઈ રહી હતી કે તેઓ જલ્દી પોલીસ સામે સરેન્ડર કરશે. જેનું એક કારણ ઈ પણ છે કે નીચલીથી લઈને હાઇકોર્ટ સુધી દરેક કોર્ટે તેમના આગોતરા જામીનની અરજી ફગાવી દીધા બાદ તેમની પાસે વધુ કોઇ રસ્તો બચ્યો ના હતો.
શું છે આરોપ?
જે મામલે AAP નેતા ચૈતર વસાવા ફરાર હતા એ સમગ્ર ઘટના એમ હતી કે વન વિભાગે AAP નેતા ચૈતર વસાવા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં MLA પર વન વિભાગના કર્મચારીને ઘરે બોલાવીને ધાકધમકી આપીને મારપીટ કરવાનો આરોપ હતો. જેને લઈને FIR દાખલ કર્યા બાદ પોલીસે તેમની પત્ની, PA અને એક અન્ય વ્યક્તિની ધરપકડ કરી હતી અને ત્યારબાદથી જ ધારાસભ્ય ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.