ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં મોટા ઉપાડે સક્રિય થયેલી આમ આદમી પાર્ટીની હવે પડતી શરૂ થઈ છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું ધરી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વધુ બે ધારાસભ્યો પણ રાજીનામાં આપી શકે છે. આ વાત મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહી છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટનું માનીએ તો ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામું આપી શકે છે. ભાસ્કર કહે છે કે MLA મકવાણા સાંજે 4 વાગ્યા સુધીમાં સત્તાવાર જાહેરાત કરશે.
જોકે, એક નહીં અનેક રિપોર્ટમાં આ વાતો કહેવામાં આવી છે. ઝી 24 કલાકના રિપોર્ટ અનુસાર, સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ છે અને ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે. પરંતુ TV9 સાથેની વાતચીતમાં સુધીર વાઘાણીએ આ દાવા નકારી દીધા હતા અને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપી રહ્યા નથી. ઉમેશ મકવાણાનું કોઇ નિવેદન સામે આવ્યું હોવાનું આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ધ્યાને આવ્યું નથી.
AAP MLA, Sudhir Vaghani denied leaving the party, criticizing #BhupatBhayani's action #Gujarat #TV9News pic.twitter.com/oxU5Wp17jf
— Tv9 Gujarati (@tv9gujarati) December 13, 2023
અન્ય પણ ઘણા રિપોર્ટ્સમાં આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે અને જણાવાય રહ્યું છે કે વધુ બે AAP ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના તમામ MLA છૂટા થશે. ક્યાંક કોંગ્રેસના પણ એકાદ ધારાસભ્યના રાજીનામાની ચર્ચા છે.
AAPના પાંચમાંથી એક ફરાર, 1નું રાજીનામું, 2 લાઇનમાં
આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં માત્ર 5 બેઠકો જીતી હતી, જ્યારે 128 બેઠકો પર ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો. પાંચ બેઠકોમાં બોટાદ, ગારિયાધાર, વિસાવદર, જામજોધપુર અને ડેડિયાપાડાનો સમાવેશ થાય છે. જેમાંથી વિસાવદરના MLA રાજીનામું આપી ચૂક્યા છે. કહેવાય છે કે ગારિયાધાર અને બોટાદના ધારાસભ્યો પણ રાજીનામું આપશે. બીજી તરફ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને મારા મારવાના ગુનામાં મહિના દિવસથી ફરાર છે.
ભૂપત ભાયાણી હવે ફરી ‘ઘરવાપસી’ કરશે?
ભૂપત ભાયાણીની વાત કરવામાં આવે તો ચૂંટણી પછી તરત તેમના રાજીનામાની ચર્ચા ઉઠી હતી, પરંતુ ત્યારે તેમણે કોઇ પગલું ભર્યુ ન હતું. બુધવારે (13 ડિસેમ્બર) અચાનક તેઓ વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી પાસે પહોંચ્યા અને ત્યાગપત્ર સોંપી દીધો હતો. બહાર આવીને તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને આમ આદમી પાર્ટીમાં કામ કરવા માટે યોગ્ય માધ્યમ મળતું ન હતું. મેં મારા કાર્યકરોને પૂછીને જ નિર્ણય લીધો છે, યોગ્ય સમયે નિર્ણય કરવાનો હોય છે. મેં તેમ જ કર્યું છે.”
ભાજપમાં જોડાવાની વાત પર તેમણે કહ્યું હતું કે, “હું ભાજપનો જ કાર્યકર હતો, તેવું બની પણ શકે. આવનારી ચૂંટણીમાં ભાજપ મોવડી મંડળ જેમ કહેશે તેમ કરીશું.”
ભૂપત ભાયાણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા. 2022ની ચૂંટણી પહેલાં તેઓ AAPમાં જોડાયા હતા અને જીત મેળવી હતી. હવે ફરી તેઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા છે.