આજે સવારે ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમના ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતેના નિવાસસ્થાનની બહાર તેમની ધરપડક કરવા માટે છત્તીસગઢ પોલીસ ધામા નાખીને બેઠી છે. રોહિતનું કહેવું છે કે આ રીતે સ્થાનિક પોલીસની મંજૂરી વગર કોઈ અન્ય પ્રદેશની પોલીસ કોઈની પણ પૂછપરછ અથવાતો ધરપડક ન કરી શકે.
बिना लोकल पुलिस को जानकारी दिए छत्तीसगढ़ पुलिस मेरे घर के बाहर मुझे अरेस्ट करने के लिए खड़ी है,क्या ये क़ानूनन सही है @myogiadityanath @SspGhaziabad @adgzonelucknow
— Rohit Ranjan (@irohitr) July 5, 2022
જો કે છત્તીસગઢ પોલીસે વળતી દલીલ કરતાં જણાવ્યું હતું કે આવો કોઈજ નિયમ નથી, પરંતુ હવે જ્યારે ઉત્તર પ્રદેશ પોલીસને જાણ થઇ જ ગઈ છે તો ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને અમને સહકાર આપવો જોઈએ અને પૂછપરછમાં ભાગ લેવો જોઈએ અને તેમનો પક્ષ તેમણે કોર્ટમાં મુકવો જોઈએ.
જાણવામાં આવ્યા મુજબ છત્તીસગઢ પોલીસ રોહિત રંજનની ધરપકડ એટલા માટે ઈચ્છી રહી છે કારણકે રોહિતે તેમની ચેનલ ઝી હિન્દુસ્તાન પર રાહુલ ગાંધીનો એક વિડીયો પ્રસારિત કર્યો હતો જેમાં રાહુલ ગાંધીના વાયનાડ ખાતેના કાર્યાલય પર PFI દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને તેમણે એ બાબતે હુમલાખોરોને બાળકો ગણાવ્યા હતા. પરંતુ રોહિતે પોતાના કાર્યક્રમમાં આ વિડીયોને હાલમાં જ રાજસ્થાનના ઉદયપુર ખાતે ટેલર કન્હૈયાલાલની ઇસ્લામીઓ દ્વારા થયેલી નિર્મમ હત્યા સાથે જોડી દીધી હતી.
જો કે પોતાની ભૂલ સમજાતાં ઝી ન્યૂઝના પત્રકાર રોહિત રંજને એ વિડીયો પરત ખેંચી લીધો હતો અને આ બાબતે માફી પણ માંગી હતી. પરંતુ પહેલા રાજસ્થાનમાં રાજસ્થાન કોંગ્રેસ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી અને હવે કોંગ્રેસ શાસિત અન્ય રાજ્ય એવા છત્તીસગઢમાં પણ રોહિત રંજન વિરુદ્ધ ફરિયાદ નોંધાતા રોહિતના ઘર આગળ આ રીતે છત્તીસગઢ પોલીસ ધામા નાખીને બેસી ગઈ છે.
થોડા સમય અગાઉ જ ગાઝિયાબાદ પોલીસે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનની પોલીસ રોહિત રંજનના નિવાસસ્થાને પહોંચી ગઈ હોવાનું જણાવ્યું છે અને ઉમેર્યું છે કે આ અંગે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
प्रकरण स्थानीय पुलिस के संज्ञान में है, थाना इंदिरापुरम पुलिस मौके पर है, नियमानुसार कार्यवाही की जायेगी |
— GHAZIABAD POLICE (@ghaziabadpolice) July 5, 2022
જ્યારે આંતરરાજ્ય કેસની તપાસ માટે પોલીસ કોઈ બીજા રાજ્યમાં જતી હોય છે ત્યારે તેણે નિયમ અનુસાર સ્થાનિક પોલીસને જાણ કરવાની હોય છે, એટલુંજ નહીં પરંતુ સ્થાનિક પોલીસની મદદ પણ લેવાની હોય છે અને જે-તે સ્થાને તેની એન્ટ્રી પણ કરવાની હોય છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પણ બહારની પોલીસે સ્થાનિક પોલીસની ડેઈલી ડાયરીમાં તેની નોંધ કરાવવાની હોય છે. કોંગ્રેસ શાસિત રાજ્યની પોલીસ દ્વારા અન્ય રાજ્યમાં રહેતા પત્રકારની ધરપકડ કરવા પોતાની ફોર્સ મોકલવામાં આવી હોય એ આ પહેલો બનાવ નથી. અગાઉ જ્ઞાનવાપી મુદ્દે ન્યૂઝ 18ના પત્રકાર અમન ચોપરાના ઘર બહાર આ જ રીતે રાજસ્થાન પોલીસે ધામા નાખ્યા હતા અને અમનને સંરક્ષણ આપવા ત્યાં ઉત્તર પ્રદેશની પોલીસ પહોંચી હતી. ત્યારબાદ કોર્ટે પણ અમન ચોપરાને જામીન આપીને રાહત આપી હતી.