Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'ચૈતર વસાવાને સમાંતર કોર્ટ ચલાવવાની કોઇ સત્તા નથી': સેશન્સ બાદ હાઈકોર્ટે પણ...

    ‘ચૈતર વસાવાને સમાંતર કોર્ટ ચલાવવાની કોઇ સત્તા નથી’: સેશન્સ બાદ હાઈકોર્ટે પણ ફગાવ્યા AAP ધારાસભ્યના આગોતરા જામીન, મહિનાથી ફરાર છે MLA

    હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "કઈ જોગવાઈ હેઠળ તેઓ કોઈ અધિકારીને ઘરે બોલાવી શકે? તે કોર્ટનું કામ છે. ધારાસભ્ય હોવાને નાતે તેમણે તે વ્યક્તિઓને પૂછવું જોઈએ કે તમે જંગલની જમીન પર કેમ અતિક્રમણ કરી રહ્યા છો? તેઓ (ચૈતર વસાવા) વન અધિકારીઓને ધમકાવી શકે નહીં. જો આ દેશમાં આવું થવા દેવામાં આવે તો લોકશાહી ટકશે જ નહીં."

    - Advertisement -

    આમ આદમી પાર્ટી જેને નીડર અને બાહોશ ગણાવી રહી છે તેવા ડેડિયાપાડાથી AAP ધારાસભ્ય ચૈતર વસાવા એક મહિનો થવા આવ્યો તે છતાં હજુ ફરાર છે. વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘરાવવાનો આરોપ લાગ્યા બાદ તેમના વિરુદ્ધ FIR નોંધાઈ હતી. આ FIR દાખલ થયા બાદથી કાયદાકીય કાર્યવાહી બચવા તેઓ સતત ગુજરાત પોલીસથી ભાગી રહ્યા છે. પહેલા એક વાર સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટે પણ AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી છે.

    મળતી માહિતી અનુસાર FIR થયા બાદ એક તરફ જ્યાં ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા, તો બીજી તરફ તેમના પત્ની અને પીએને જેલ હવાલે કરી દીધા હતા. આ દરમિયાન તેમના પત્ની અને પીએએ નિયમિત જામીન તેમજ ધારાસભ્યએ આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે તે સમયે કોર્ટે ચૈતર તમામની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ચૈતર વસાવાએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે હવે હાઇકોર્ટે પણ AAP ધારાસભ્યના આગોતરા જામીન ફગાવી દીધા છે.

    ધારાસભ્યને સમાંતર કોર્ટ ચલાવવાનો કોઈ અધિકાર નથી

    આ મામલે સુનાવણી કરતા હાઈકોર્ટે મૌખિક ટિપ્પણી આપતા કહ્યું હતું કે, “જો કોઇ વ્યક્તિને વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ હોય તો તેમણે સમસ્યાના સમાધાન માટે ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય પાસે જવાની જગ્યાએ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.” આટલું જ નહીં, વસાવાની અરજી પર ઝાટકણી કાઢતા કોર્ટે આગળ કહ્યું કે, “ચૈતર વસાવાને વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવવાની કોઇ સત્તા નથી કે તેમણે સમાંતર ચલાવવી જોઈએ નહીં, જો કોઈને વાંધો હોય તો તેમને કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.”

    - Advertisement -

    આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, “કઈ જોગવાઈ હેઠળ તેઓ કોઈ અધિકારીને ઘરે બોલાવી શકે? તે કોર્ટનું કામ છે. ધારાસભ્ય હોવાને નાતે તેમણે તે વ્યક્તિઓને પૂછવું જોઈએ કે તમે જંગલની જમીન પર કેમ અતિક્રમણ કરી રહ્યા છો? તેઓ (ચૈતર વસાવા) વન અધિકારીઓને ધમકાવી શકે નહીં. જો આ દેશમાં આવું થવા દેવામાં આવે તો લોકશાહી ટકશે જ નહીં.”

    બીજી તરફ ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઈકોર્ટમાં દલીલ આપી હતી કે, “હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી.” તેની સામે સરકાર પક્ષે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશનનો ગંભીર મામલો છે અને તેથી જ તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવે. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી.

    આ પહેલા સેશન્સ કોર્ટે ફગાવ્યા હતા જામીન

    ઉલ્લેખનીય છે કે આ પહેલા 21 નવેમ્બર 2023ના રોજ રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટના જજ એન.આર. જોષીએ આગોતરા જામીન અરજી અંગે વધુ સુનાવણી હાથ ધર્યા બાદ ધારાસભ્યના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. તે સમયે સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, “નામદાર ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી આવતા તેના પર ઘણી ચર્ચા બાદ જજ એન.આર. જોષીએ આગોતરા જામીન નામંજૂર કર્યા છે અને અરજી ફગાવી દીધી છે.” તેમણે કારણ જણાવતા કહ્યું હતું કે, “ધારાસભ્ય એક જવાબદાર વ્યક્તિ હોવા છતાં આવા ગુના કરે છે અને ભૂતકાળમાં પણ ઘણા ગુનાઓ કર્યા છે. જે તમામ રેકોર્ડને જોતાં જામીન અરજી ફગાવાઈ છે.”

    શું છે સમગ્ર કેસ?

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવીને માર મારવાનો અને હવામાં ગોળીબાર કરવાનો આરોપ છે. ગત 29 ઓક્ટોબરે ફોરેસ્ટ કર્મચારીઓએ ડેડિયાપાડાના એક ગામમાં વન વિભાગની જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલ ખેતી હટાવી દીધી હતી. જેને લઈને ખેડૂતે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી.

    વસાવાએ બીજા દિવસે વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ છે કે અહીં તેમને ધમકી આપીને, માર મારીને ખેડૂતને ‘વળતર’ ચૂકવવા માટે કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તેના PAએ ફરી કર્મચારીઓનો સંપર્ક કરીને વળતર અપાવ્યું હતું. આ ઘટના બાદ ફોરેસ્ટના કર્મચારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.

    ફરિયાદના આધારે પોલીસે ચૈતર વસાવા, તેની પત્ની, PA અને ખેડૂત સામે રાયોટિંગ, ધમકી, ખંડણી વગેરે ગુનાની કલમ હેઠળ કેસ દાખલ કરીને ત્રણની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ચૈતર હજુ ફરાર છે. જેની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં