ગુરુવારે મોડી રાતે આંધ્ર પ્રદેશ સરકારે કૃષ્ણા નદી પરના નાગાર્જુનસાગર ડેમનો અડધો ભાગ કબજે કરી લીધો અને પોતાની બાજુમાં પાણી છોડ્યું. અહેવાલો મુજબ, આંધ્ર પ્રદેશ હવે ડેમના અડધા ભાગ પર ‘કબજો’ કરી લીધો છે અને કબજે કરેલા અડધા ભાગ પર બેરિકેડ પણ નાખી દીધી છે. હમણાં સુધી આ ડેમનો કબજો તેલંગાણા રાજ્ય પાસે હતો.
2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સરકાર આ બંધને લઈને લડી રહી છે.
સીએમ કે ચંદ્રશેખર રાવ હેઠળની વર્તમાન સરકારે બે રાજ્યો વચ્ચેના ડેમના સંચાલન અને પાણીના પ્રવાહ માટે જવાબદાર કૃષ્ણા નદી વ્યવસ્થાપન બોર્ડને ફરિયાદ કરી છે.
અહેવાલો મુજબ, આંધ્ર પ્રદેશ દ્વારા લગભગ 400 પોલીસ કર્મચારીઓને સિંચાઈ અધિકારીઓના જૂથ સાથે અડધી રાતે ડેમના અડધા ભાગ પર ‘કબજો’ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેઓએ ડેમના 36માંથી 18 દરવાજા પર કબજો મેળવ્યો હતો. આ પગલાની જાણ થતાં, જ્યારે તેલંગાણાના કેટલાક અધિકારીઓ સ્થાનિક પોલીસ સાથે પહોંચ્યા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે જગન મોહન રેડ્ડી સરકારના આદેશ પર આંધ્ર પોલીસના કર્મચારીઓ અને સિંચાઈ અધિકારીઓ ત્યાં પહોચ્યા છે. ત્યારબાદ તેલંગાણા પોલીસ પરત આવી હતી.
આંધ્ર પ્રદેશ સરકારના જળ સંસાધન મંત્રી અંબાતી રામબાબુએ X પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવ્યું છે કે તેમના રાજ્યના લોકોની પીવાની જરૂરિયાતો પૂરી કરવા માટે નાગાર્જુનસાગર ડેમમાંથી પાણી છોડવામાં આવશે.
અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આંધ્રના અધિકારીઓ આધાર કાર્ડ અને રાજ્યના સરનામાની તપાસ કર્યા વિના વાહનોને પસાર થવા દેતા ન હતા. લંગાણાના અધિકારીઓએ માહિતી આપી છે કે ડેમ પર ‘કબજો’ કરવાનો આવો જ પ્રયાસ 3 વર્ષ પહેલાં પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો.
અત્યાર સુધી, આંધ્ર પ્રદેશ સરકારે તેમના નિયંત્રણ હેઠળના રેગ્યુલેટર ગેટ માટે અલગ પાવર લાઇન નાખી દીધી છે. તેઓ પોતાની તરફ 10,000 ક્યુસેક પાણી છોડી રહ્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી છે કે એપી પોલીસ અને અધિકારીઓએ કેટલાક સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું છે અને ડેમ પરનો ઓટોમેટેડ ગેટ તોડી નાખ્યો છે. તેલંગાણા સરકાર કહી રહી છે કે આંધ્રના અધિકારીઓએ કેટલાંક અઠવાડિયાઓથી આ ઓપરેશન માટે આયોજન કર્યું હોવું જોઈએ.
આંધ્ર પુનર્ગઠન અધિનિયમ મુજબ, તેલંગાણાને નાગાર્જુનસાગર ડેમનું નિયંત્રણ અને દેખરેખ આપવામાં આવ્યું હતું, જ્યારે આંધ્ર પ્રદેશને શ્રીશૈલમ પ્રોજેક્ટ પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું. નાગાર્જુનસાગર ડેમ અને શ્રીશૈલમ પ્રોજેક્ટ સંયુક્ત સંગ્રહ સુવિધાઓ છે જે 2 રાજ્યોની વીજ ઉત્પાદન, સિંચાઈ અને પીવાની જરૂરિયાતો પૂરી કરે છે.