Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણરાજસ્થાનમાં ભાજપ સરકાર, MP-CGમાં કાંટાની ટક્કર: તેલંગાણામાં BRS-કોંગ્રેસ વચ્ચે રેસ, મિઝોરમમાં પ્રાદેશિક...

    રાજસ્થાનમાં ભાજપ સરકાર, MP-CGમાં કાંટાની ટક્કર: તેલંગાણામાં BRS-કોંગ્રેસ વચ્ચે રેસ, મિઝોરમમાં પ્રાદેશિક પાર્ટીઓનું જોર- શું કહે છે એક્ઝિટ પોલના આંકડાઓ?

    રાજસ્થાનની વાત કરવામાં આવે તો અહીં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને બહુમતી મળવાનું અનુમાન લગાવી રહ્યા છે. ‘જન કી બાત’ અનુસાર ભાજપને 100થી 122 બેઠકો મળી શકે તેમ છે, જ્યારે કોંગ્રેસ 62-85 મેળવી શકે. સી વોટરના સરવેનું માનીએ તો ભાજપ 94થી 114 બેઠકો જીતી શકે, જ્યારે કોંગ્રેસને 71થી 91 બેઠકો મળી શકે.

    - Advertisement -

    દેશનાં પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીઓ માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ્સ સામે આવી રહ્યા છે. તેલંગાણામાં આજે મતદાન પૂર્ણ થયું. હવે પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. તે પહેલાં વિવિધ એજન્સીઓ પોતે કરેલા સરવેના આધારે અનુમાન લગાવી રહી છે કે કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે. 

    રાજસ્થાનમાં રાજ બદલાશે, રિવાજ નહીં: અનુમાન 

    રાજસ્થાનની વાત કરવામાં આવે તો અહીં મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપને બહુમતી મળવાનું અનુમાન લગાવી રહ્યા છે. ‘જન કી બાત’ અનુસાર ભાજપને 100થી 122 બેઠકો મળી શકે તેમ છે, જ્યારે કોંગ્રેસ 62-85 મેળવી શકે. સી વોટરના સરવેનું માનીએ તો ભાજપ 94થી 114 બેઠકો જીતી શકે, જ્યારે કોંગ્રેસને 71થી 91 બેઠકો મળી શકે. રિપબ્લિકના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપ અહીં 115થી 130 બેઠકો જીતી શકે, જ્યારે કોંગ્રેસ 65થી 75માં સમેટાવાની સંભાવના છે. TV9ના પોલ અનુસાર, ભાજપને 100થી 110 જ્યારે કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે. ટાઈમ્સ નાઉનો પોલ ભાજપને 109થી 128 બેઠક મળતી દર્શાવે છે. 

    જોકે, ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા અને ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ થોડા અલગ જણાય રહ્યા છે. ઇન્ડિયા ટુડેના પોલ અનુસાર, કોંગ્રેસને 86થી 106 બેઠકો મળી શકે, જ્યારે ભાજપને 80થી 100. જ્યારે ઇન્ડિયા ટીવીનો પોલ કહે છે કે કોંગ્રેસ 94થી 104 જ્યારે ભાજપ 80થી 90 બેઠકો મેળવી શકે. ટુડેઝ ચાણક્યના પોલ અનુસાર, કોંગ્રેસ 101 તો ભાજપને 89 બેઠકો મળવાની સંભાવના છે. 

    - Advertisement -

    રાજસ્થાન વિધાનસભાની કુલ 199 બેઠકો પર ચૂંટણી થઈ હતી. કોઇ પણ પાર્ટીને જીત માટે 100 બેઠકો જરૂરી છે. નોંધવું જોઈએ કે આમ વિધાનસભામાં 200 બેઠકો છે, પરંતુ એક બેઠક પર ચૂંટણી રદ થઈ છે.

    એમપીમાં ભાજપ જીતી શકે, પણ કોંગ્રેસ પણ રેસમાં 

    મધ્ય પ્રદેશ પર નજર કરવામાં આવે તો અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ઇન્ડિયા ટુડે-માય એક્સિસના પોલ અનુસાર, ભાજપ જંગી બહુમતી સાથે 140થી 162 બેઠકો જીતશે, જ્યારે કોંગ્રેસને 68થી 90 બેઠકો મળી શકે છે. જન કી બાત અનુસાર, ભાજપ 100થી 123 જ્યારે કોંગ્રેસ 102થી 125 બેઠકો મેળવી શકે. ઇન્ડિયા ટીવીના પોલ અનુસાર, ભાજપને 140થી 159 બેઠકો મળી શકે અને કોંગ્રેસને 70થી 89. ટુડેઝ ચાણક્ય મુજબ, ભાજપને 139થી 163 જ્યારે કોંગ્રેસને માત્ર 62થી 86 બેઠક મળી શકે. રિપબ્લિક અનુસાર, ભાજપ 118-130 તો કોંગ્રેસ 97થી 107 બેઠકો મેળવી શકે. ટીવી9નો પોલ કહે છે કે, ભાજપના ખાતામાં 106થી 116 બેઠકો જઈ શકે જ્યારે કોંગ્રેસ 111થી 121 બેઠકો જીતી શકે. 

    દૈનિક ભાસ્કર અને સી વોટર મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીતનું અનુમાન લગાવી રહ્યા છે. સી વોટર અનુસાર, અહીં ભાજપને 88થી 112 જ્યારે કોંગ્રેસને 113થી 137 બેઠકો મળી શકે. દૈનિક ભાસ્કર અનુસાર, ભાજપ 95થી 115 તો કોંગ્રેસ 105થી 120 બેઠકો જીતી શકે. 

    230 બેઠકો ધરાવતી મધ્ય પ્રદેશ વિધાનસભામાં જીત માટે 116 બેઠકો જરૂરી છે. 

    છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તાવાપસી કરી શકે, પણ ભાજપ પણ ટક્કરમાં 

    છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઇન્ડિયા ટુડે અનુસાર, ભાજપને 36-46 જ્યારે કોંગ્રેસને 40-50 બેઠકો મળી શકે. ઇન્ડિયા ટીવીના પોલ અનુસાર, ભાજપ 30-40 જ્યારે કોંગ્રેસ 46-56 બેઠકો મેળવી શકે. જન કી બાત અનુસાર, ભાજપને 34થી 45 જ્યારે કોંગ્રેસને 42૨થી 53 બેઠકો મળવાનું અનુમાન છે. ટુડેઝ ચાણક્યના પોલ અનુસાર, ભાજપને 25થી 41 જ્યારે કોંગ્રેસને 49થી 65 બેઠકો મળી શકે તેમ છે. રિપબ્લિક પોલ મુજબ, ભાજપ 34થી 42 અને કોંગ્રેસ 44થી 52 બેઠક જીતી શકે. ટીવી9ના પોલ અનુસાર, ભાજપને 35થી 45 જ્યારે કોંગ્રેસને 40થી 50 બેઠકો મળી શકે તેમ છે. 

    છત્તીસગઢ વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. જીત માત્ર 46 બેઠકોની જરૂર પડે છે.

    તેલંગણામાં કોંગ્રેસ BRSથી આગળ 

    તેલંગાણામાં કોંગ્રેસ અને BRS વચ્ચે ટક્કર જોવા મળી શકે. ટુડેઝ ચાણક્ય મુજબ અહીં કોંગ્રેસને 62થી 80 બેઠકો મળી શકે, જ્યારે BRS 24થી 42 સીટ જીતી શકે. રિપબ્લિક અનુસાર, BRSને 46થી 56 જ્યારે કોંગ્રેસને 58થી 68 બેઠકો મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ અનુસાર, BRS 37થી 45 અને કોંગ્રેસ 60થી 70 બેઠકો જીતી શકે. સી વોટર સરવેનું માનીએ તો કોંગ્રેસને 49થી 65 જ્યારે BRSને 38થી 54 બેઠકો મળી શકે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સરેરાશ 5થી 13 બેઠકો મળતી બતાવવામાં આવી છે. 

    119 વિધાનસભા બેઠકો ધરાવતી તેલંગાણા વિધાનસભામાં જીત માટે 60 બેઠકો જરૂરી છે. 

    મિઝોરમમાં પ્રાદેશિક પાર્ટીઓ આગળ, ભાજપ-કોંગ્રેસ ક્યાંય રેસમાં નહીં 

    મિઝોરમમાં પ્રાદેશિક પાર્ટીઓનું જોર વધુ દેખાય રહ્યું છે. અહીં MNF (મિઝો નેશનલ ફ્રન્ટ) એ ZPM (ઝોરમ પિપલ્સ મૂવમેન્ટ) વચ્ચે ટક્કર છે. ભાજપ-કોંગ્રેસને અનુક્રમે 2 અને 13 બેઠકો મળવાનું અનુમાન છે. સી વોટર અનુસાર, MNFને 15-21 બેઠકો અને ZPMને 12-18 બેઠકો મળી શકે છે. ઇન્ડિયા ટુડે અનુસાર, MNFને માત્ર 3 થી 7 જ્યારે ZPM 28થી 35 બેઠકો મેળવી શકે છે. ઇન્ડિયા ટીવીના પોલ મુજબ, MNFને 14થી 18 જ્યારે ZPMને 12થી 16 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ 8થી 10 જ્યારે ભાજપ 0થી 2 બેઠકો મેળવી શકે છે. જન કી બાત અનુસાર, MNFને 10થી 14 જ્યારે ZPMને 15થી 25 બેઠકો મળી શકે છે. રિપબ્લિક અનુસાર, MNF 17થી 22 જ્યારે ZPM 7 થી 12 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસને 7 થી 10 બેઠકો મળી શકે તેમ છે. ટાઈમ્સ નાઉનો પોલ કહે છે કે, MNF 14થી 18 અને ZPM 10થી 14 બેઠકો જીતે તેમ છે. કોંગ્રેસને અહીં 9થી 13 જ્યારે ભાજપને 0થી 2 બેઠકો મળી શકે. 

    40 બેઠકો ધરાવતી મિઝોરમ વિધાનસભામાં જીત માટે 21 બેઠકો જરૂરી છે. અહીં MNF કેન્દ્રીય સ્તરે ભાજપ સાથે ગઠબંધનમાં છે પરંતુ વિધાનસભા ચૂંટણી અલગ લડે છે. 

    નોંધવું જોઈએ કે આ માત્ર અનુમાનો છે, અંતિમ પરિણામો નથી. વિવિધ એજન્સીઓ લોકો પાસે જઈને સરવે હાથ ધરીને એકઠા કરાયેલા ડેટાના આધારે અનુમાનો લગાવે છે. સ્પષ્ટ ચિત્ર 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થાય ત્યારબાદ જ જાણવા મળશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં