12 નવેમ્બર, 2023થી ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તમામ શ્રમિકો સ્વસ્થ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સાથે વાત કરી છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અને તેના અંત પછી પણ સિલ્ક્યારા ટનલની બહાર સ્થાપિત બોખનાગ દેવતાના મંદિરમાં પૂજા-અર્ચના ચાલુ છે. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ચર્ચામાં રહેલા બોખનાગ દેવતા વિશે આપણે જાણીશું.
#WATCH | International tunnelling expert, Arnold Dix offers prayers before local deity Baba Bokhnaag at the temple at the mouth of Silkyara tunnel after all 41 men were safely rescued after the 17-day-long operation pic.twitter.com/xoMBB8uK52
— ANI (@ANI) November 29, 2023
શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ જાહેરાત કરી હતી કે સરકાર હવે અહીં બોખનાગ દેવતાનું મંદિર બનાવશે. વાસ્તવમાં, ટનલ દુર્ઘટના પછી, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે જ્યાં ટનલ બનાવવામાં આવી રહી છે, ત્યાં પહેલાં બોખનાગ દેવતાનું સ્થાન હતું. તે સ્થાનને બાંધકામ કંપની દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોનું માનવું છે કે આ કારણે દેવતા ક્રોધિત થઈ ગયા અને આ અકસ્માત થયો. તેઓ માને છે કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન જે અવરોધોનો સામનો કરવો પડ્યો તે પણ બોખનાગ દેવતાના ક્રોધને કારણે હતો. જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ટીમને આ વિશે જાણ થઈ તો તેમણે ઉત્તરકાશીની એ ટનલની એકદમ બહાર બોખનાગ દેવતાના મંદિરની સ્થાપના કરાવી.
ઘટનાસ્થળે પહોંચેલા મુખ્યમંત્રી ધામી, કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વીકે સિંઘ અને આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે પણ ટનલની બહાર સ્થાપિત આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આર્નોલ્ડે ઓપરેશન શરૂ થયા પહેલાં અને ઓપરેશન પૂર્ણ થયા બાદ આજે પણ તે મંદિરમાં પૂજા કરી હતી.
जय बाबा बौख नाग!
— Pushkar Singh Dhami (@pushkardhami) November 29, 2023
बाबा की कृपादृष्टि सभी भक्तजनों पर बनी रहे, ऐसी कामना करता हूँ। pic.twitter.com/X1B1IzXVdb
સ્થાનિક લોકોએ જણાવ્યું કે મંગળવાર (28 નવેમ્બર 2023)ના રોજ રેસ્ક્યુ ઓપરેશન સમાપ્ત થયાના ત્રણ દિવસ પહેલાં, દેવતાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરનારાઓને સંકેત આપ્યો હતો કે તેમાં વધુ ત્રણ દિવસ લાગશે. રેસ્ક્યુ ઓપરેશન એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સે ઓપરેશન પૂરું થયા બાદ મંદિરમાં જઈને પૂજા કરી છે. તેમણે કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું, તેથી તેઓ દેવતાનો આભાર માનવા ગયા હતા.
કોણ છે બોખનાગ દેવતા?
ટનલમાંથી શ્રમિકોને સુરક્ષિત કાઢવામાં જે બોખનાગ દેવતાની કૃપા માનવામાં આવી રહી છે, તે અહીંના ક્ષેત્રપાલ (ગુજરાતીમાં ખેતરપાળ) દેવતા છે. ક્ષેત્રપાલ ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશમાં તે ચોક્કસ વિસ્તારની રક્ષા કરનાર દેવતાને કહેવામાં આવે છે. ખેત્રપાલ શબ્દ ‘ક્ષેત્રપાલ’ શબ્દનું સ્થાનિક ગઢવાલી ભાષામાં રૂપાંતરણ છે, ગઢવાલી ભાષામાં ‘ક્ષ’ અક્ષરને ‘ખ’ તરીકે બોલવામાં આવે છે.
ઉત્તરાખંડના ગઢવાલ પ્રદેશમાં હિંદુ દેવી-દેવતાઓ સિવાયના સ્થાનિક દેવી-દેવતાઓની વિશેષ માન્યતા છે. અહી જંગલનું રક્ષણ કરનારા વન દેવતા, વિસ્તારનું રક્ષણ કરનારા ક્ષેત્રપાલ અને અન્ય સ્થાનિક દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જોકે, સમગ્ર દેશમાં કોઈ ચોક્કસ વિસ્તારના વિશેષ લોકદેવતાઓ હોય છે, જેને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે એ જરૂરી નથી કે આ બધા દેવી-દેવતાઓનું ભવ્ય મંદિર કોઈ ચોક્કસ જગ્યાએ હોવું જ જોઈએ. કેટલાક સ્થળોએ સ્થાનિક દેવતાના નામ પર માત્ર પથ્થરની પૂજા પણ થઈ શકે છે. જે જગ્યાએ આ ટનલ દુર્ઘટના થઈ હતી, ત્યાં પણ કોઈ ભવ્ય મંદિર નહોતું.
બોખનાગ દેવતા સિવાય આ વિસ્તારમાં એવા ઘણા દેવતાઓ છે, જેઓ નાગરાજા અને અન્ય નામોથી ઓળખાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નાગ શબ્દવાળા દેવતાઓનો સંબંધ ભગવાન વિષ્ણુની શૈયાના રૂપે સેવા દેતા ભગવાન શેષનાગ સાથે છે.