આયરલેન્ડના ડબલિનમાં ગુરૂવારે (23 નવેમ્બર) એક હુમલામાં 3 બાળકો અને એક મહિલાને ઈજા પહોંચ્યા બાદ શહેરમાં હિંસા ફાટી નીકળી છે. લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેણે પછીથી હિંસક સ્વરૂપ પકડી લીધું હતું. સોશિયલ મીડિયા પર વિડીયો ફરતા થયા છે, જેમાં લોકોનાં ટોળાં રસ્તા પર ઉતરી આવીને હિંસક પ્રદર્શન કરતાં જોવા મળે છે.
આ ઘટના સ્થાનિક સમય અનુસાર, ગુરૂવારે બપોરે બની હતી. આયરલેન્ડના પાટનગર ડબલિનના પર્નેલ સ્ક્વેર નજીક એક શાળાની બહાર 40 વર્ષના વ્યક્તિએ અમુક નાગરિકો પર હુમલો કરી દીધો હતો, જેમાં એક મહિલા અને 3 બાળકો ઘવાયાં હતાં. મહિલાની ઉંમર ત્રીસેક વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાળકોમાં 5 વર્ષીય બાળકી, 6 વર્ષીય બાળકી અને 5 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, જેમાંથી છોકરાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
#BREAKING: Massive arson, rioting and clashes reported from Dublin in Ireland where 5 including three children were stabbed allegedly by an Algerian immigrant. One child and a woman are critical with serious injuries. Police haven’t revealed identity of the arrested terrorist. pic.twitter.com/gpd9bIjkxH
— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 23, 2023
રિપોર્ટ્સ અનુસાર, હુમલો કરનાર આયરલેન્ડનો નાગરિક છે, જે મૂળ અલ્જિરિયાનો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં 20 વર્ષથી તે આયરલેન્ડમાં રહેતો હતો અને નાગરિકત્વ પણ મેળવી લીધું હતું. તેણે હુમલો શા માટે કર્યો તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી અને પોલીસ તપાસ કરી રહી છે. જોકે, પોલીસનું કહેવું છે કે તેઓ આને આતંકવાદી હુમલો ગણી રહ્યા નથી. જે શાળાની બહાર આ હુમલો થયો તેનો હુમલો કરનાર સાથે કોઇ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
આ હુમલા બાદ ડબલિનમાં હિંસા ફાટી નીકળી હતી અને લોકોએ રસ્તા પર ઉતરી આવીને પોલીસને પડકાર ફેંક્યો હતો. પ્રદર્શન દરમિયાન અમુક વાહનો સળગાવી દેવામાં આવ્યાં તો પોલીસ કારને પણ નિશાન બનાવવામાં આવી. લોકોએ શરણાર્થીવિરોધી નારા પણ લગાવ્યા હતા તો ‘Irish Lives Matter’નાં પોસ્ટરો પણ જોવા મળ્યાં. હિંસાના કારણે શહેરનું જનજીવન પણ ખોરવાયું છે.
ડબલિનમાં નેશનલ બસ એન્ડ રેલ યુનિયનને તાત્કાલિક અસરથી તમામ બસ સેવાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આયરિશ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, પ્રદર્શનો દરમિયાન અમુક દુકાનોમાં લૂંટફાટ પણ થઈ હતી તો અમુક પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. એક તરફ લોકોમાં ગેરકાયદેસર શરણાર્થીઓના પ્રવેશને લઈને ગુસ્સો છે અને શહેરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યારે આયરલેન્ડની પોલીસે આ ‘રમખાણો’ માટે ‘કટ્ટરપંથી વિચારધારાથી પ્રેરિત ગુંડાઓનાં જૂથો’ને જવાબદાર ઠેરવ્યાં છે.