Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતબોગસ ડોક્યુમેન્ટના આધારે લોન લેવાના કૌભાંડમાં સુરત પોલીસને સફળતા: મુસ્લિમ વેશ ધરીને...

    બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન લેવાના કૌભાંડમાં સુરત પોલીસને સફળતા: મુસ્લિમ વેશ ધરીને પોલીસે માસ્ટરમાઇન્ડ અમીરૂલને આસામથી ઝડપ્યો

    અમીરૂલે બોગસ ઓળખપત્રો બનાવવા માટે NSDL E-KYC ડમી સોફ્ટવેર બનાવ્યું હતું. પોતાની વેબસાઈટના માધ્યમથી તે 50થી લઈને 500 રૂપિયામાં બોગસ આધારકાર્ડ તેમજ પાનકાર્ડ બનાવી આપતો હતો. અમીરૂલ પોતે પોલીસની પકડમાં ન આવે તે માટે તે તેના સોફ્ટવેરના સર્વરને તે આસામથી દૂર બેંગલોરથી ઓપરેટ કરાવતો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને દેશમાં બનાવટી ઓળખપત્રો બનાવવા અને તેના દુરુપયોગ કરવાની ઘટનાઓ વધી ગઈ છે. તેવામાં આ પ્રકારના બોગસ આઈડી બનાવવા માટે વપરાતા સોફ્ટવેર બનાવનાર માસ્ટર માઈન્ડને સુરત ઇકો સેલે આસામથી ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપી અમીરૂલ હક ખાનના ડમી સોફ્ટવેર અને વેબસાઈટની મદદથી અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા જેના આધારે લોન લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સુરત પોલીસની ટીમને બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના માસ્ટરમાઇન્ડ અમીરૂલને આસામથી ઉઠાવવા મુસ્લિમ વેશ ધારણ કરવો પડ્યો હતો.

    અહેવાલો અનુસાર સુરત શહેરમાં ખાનગી બેંકોમાંથી કરોડોની લોન લઇ કૌભાંડના ગુનાની તપાસ કરતી ઇકો સેલે દેશવ્યાપી બોગસ પાનકાર્ડ-આધારકાર્ડ બનાવવાનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. સુરત પોલીસે આરોપીઓને ઝડપી લેવા એક ખાસ ઓપરેશન ચલાવ્યું હતું, જે અંતર્ગત ઇકો સેલે મુસ્લિમ વેશ ધારણ કરી માસ્ટરમાઇન્ડ અમીરૂલ હક ખાનને આસામમાં બાંગ્લાદેશ બોર્ડર નજીકના ગામથી ઝડપી લીધો છે. અમીરુલ AHK વેબ સોલ્યુશન નામથી ફેક KYC વેબસાઈટ બનાવીને ઓપરેટ કરતો હતો.

    મળતી માહિતી અનુસાર અમીરૂલે બોગસ ઓળખપત્રો બનાવવા માટે NSDL E-KYC ડમી સોફ્ટવેર બનાવ્યું હતું. તેની વેબસાઈટના માધ્યમથી અન્ય આરોપીઓ 50થી લઈને 500 રૂપિયામાં બોગસ આધારકાર્ડ તેમજ પાનકાર્ડ બનાવી આપતા હતા. આટલું જ નહીં, માસ્ટરમાઇન્ડ અમીરૂલ પોતે પોલીસની પકડમાં ન આવે તે માટે તે તેના સોફ્ટવેરના સર્વરને તે આસામથી દૂર બેંગલોરથી ઓપરેટ કરાવતો હતો. જેના માટે તેણે બેંગલોરમાં રહેતા પૃથ્વીસાગર નામના યુવકને મહીને 2 હજારમાં સર્વર હોસ્ટ કરવાનું કામ આપ્યું હતું. અમીરૂલ ખાન વેબસાઈટ પર સરનામું કર્ણાટકનું અને નંબર અન્ય દેશના નાંખી દેતો જેથી પોલીસ તેને ટ્રેસ ન કરી શકે.

    - Advertisement -

    મુસ્લિમ વેશ ધારણ કરી પોલીસ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી

    નોંધનીય છે કે આસામમાં બેઠેલા માસ્ટર માઇન્ડને પકડવો પોલીસ માટે ઘાસમાં સોઈ શોધવા જેટલું કપરું હતું, કારણ કે આરોપી પોતાના સોફ્ટવેર અને વેબસાઈટના સર્વરને અન્ય રાજ્યમાંથી ઓપરેટ કરાવતો હતો. અમીરૂલને પકડવા સુરત ઇકો સેલના PI ચૌધરી અને PSI પ્રધાન મુસ્લિમ વેશ ધારણ કરીને આસામ પહોંચ્યા હતા. મોબાઈલ નંબરના આધારે આસામ પહોંચેલી પોલીસ ટીમે રાશનકાર્ડની માહિતીના આધારે અમીરૂલ હક રૂકુદ્દીન ખાનને ઝડપી લીધો હતો.

    કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની પણ કેસ પર નજર

    આ મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, “ઓનલાઈન બોગસ ઓળખપત્રો બનાવવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે સોફ્ટવેર વેચનાર મુખ્ય આરોપીને ઝડપી લેવામાં સુરત પોલીસ અને ઇકો સેલને સફળતા મળી છે. થોડા સમય પહેલા ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં ખાનગી બેંકોમાંથી 1 કરોડથી વધુની લોન લઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ ગુનાની તપાસ દરમિયાન જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં આસામના અમીરૂલની માહિતી મળી હતી. જે બાદ કરીમગંજ જિલ્લામાં નિલમબજારથી અમીરૂલની ધરપકડ કરવામાં આવી હતી.” તોમરના જણાવ્યા અનુસાર કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે તપાસ કરી રહી છે.

    સુરત પોલીસે બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના માસ્ટર માઇન્ડ અમીરૂલને આસામથી પકડીને જેલ હવાલે કર્યો છે. બીજી તરફ તેણે સર્વર હોસ્ટ કરવા કામે રાખેલા પૃથ્વીસાગરની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મોટી સફળતા મળ્યા બાદ આરોપીઓએ કેટલા બોગસ ઓળખપત્રો બનાવ્યા હતા અને તેનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો હતો તે મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં