કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામી દિવાળીએ દેશવાસીઓને ઓછી કિંમતે લોટ ઉપલબ્ધ કરાવવા માટે ‘ભારત આટા’નું વેચાણ ચાલુ કર્યું છે. આ ‘ભારત આટા’ વેચનારી 100 ગાડીઓને સોમવારે (6 નવેમ્બર) કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે લીલી ઝંડી બતાવી હતી.
આ લોટ ₹27.5/કિલોગ્રામના દરે કેન્દ્રીય ભંડાર, NAFED, NCCF તથા આ ગાડીઓ પાસેથી ખરીદી શકાશે. તેનો વિસ્તાર સહકારી અને અન્ય દુકાનો પર પણ કરવામાં આવશે, જેનાથી સરળતાથી જનતા સુધી પહોંચાડી શકાય.
त्योहारों पर देशवासियों को PM @NarendraModi जी का उपहार।
— Piyush Goyal (@PiyushGoyal) November 6, 2023
आज भारत आटा लॉंच किया जिसके फलस्वरूप उपभोक्ताओं को अच्छी गुणवत्ता का आटा, दाल और प्याज कम कीमतों पर सुनिश्चित होगा।#BharatAtta pic.twitter.com/8ZZ5z7R2xj
આ ‘ભારત આટા’ માટે કેન્દ્ર સરકારે 2.5 લાખ મેટ્રિક ટન ઘઉં ₹2150/ક્વિન્ટલના દરે NAFED, NCCF અને અન્ય સહકારી-અર્ધ સહકારી સંગઠનોને આપ્યા છે. જેને દળીને ‘ભારત આટા’ તરીકે બજારમાં લાવવામાં આવશે. દાળ 60 રૂપિયા/કિલોના દરે વેચવામાં આવશે. બીજી તરફ, ડુંગળી 25 રૂપિયા/કિલોના હિસાબે વેચવામાં આવી રહી છે.
હમણાં સુધી સરકાર રાશન વિતરણ યોજના હેઠળ લોકોને ઘઉં ઓછા કિંમતે આપતી આવી છે. આ ‘ભારત આટા’ થકી એ વર્ગને પણ જોડવાના પ્રયાસો કરવામાં આવશે, જેઓ રાશન વિતરણના દાયરામાં નથી આવતા. કેન્દ્ર સરકાર પહેલેથી જ બજારમાં ચણા દાળ અને ડુંગળી બંને ઓછી કિંમતે વેચી રહી છે. હવે તેમાં લોટ પણ સામેલ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે તેમણે બજારમાં કિંમતો સ્થિર કરવા માટે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે અન્ય ખાનગી કંપનીઓના લોટની કિંમત આ સમયે બજારમાં ₹35થી વધુ છે. અનેક કંપનીઓ ₹50-60માં પણ લોટ વેચી રહી છે. ‘ભારત આટા’ હેઠળ ગ્રાહકોને ઓછી કિંમતે લોટ ખરીદવાની તક મળશે. તાજેતરમાં જ દેશમાં ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદીએ એલાન કર્યું હતું કે પ્રતિ વ્યક્તિ મફત 5 કિલો રાશનની યોજના આગલાં 5 વર્ષો સુધી ચાલુ રાખવામાં આવશે. આ યોજનાથી 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડવામાં આવતું રહ્યું છે.
સરકારનું આ પગલું મોંઘવારી ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ફેબ્રુઆરી, 2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઉર્જા અને ખાદ્યસંકટના કારણે વિશ્વભરમાં મોંઘવારી સતત વધતી જઈ રહી છે. જોકે, સરકારે સમયે-સમયે વિશેષ પગલાં લઈને તેને અત્યાર સુધી નિયંત્રણમાં રાખી છે.
ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશન વિતરણ, ચોખાની નિર્યાત રોકવી અને કિંમત નિયંત્રણને પગલે સપ્ટેમ્બર મહિનામાં દેશમાં મોંઘવારીનું સ્તર ઘટીને 5.02% પર આવી ગયું હતી, જે ઑગસ્ટ મહિનામાં 6.83% પર પહોંચ્યું હતું.