Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાવહેલી સવારે પાકિસ્તાની સેનાના એરબેઝ પર ત્રાટક્યા આત્મઘાતી હુમલાખોરો, 3 એરક્રાફ્ટ ફૂંકી...

    વહેલી સવારે પાકિસ્તાની સેનાના એરબેઝ પર ત્રાટક્યા આત્મઘાતી હુમલાખોરો, 3 એરક્રાફ્ટ ફૂંકી માર્યાં: બૉમ્બમારા અને ગોળીબારના વીડિયો ફરતા થયા

    આ હુમલાની જવાબદારી તહરીક-એ-જિહાદ પાકિસ્તાને લીધી છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ પણ એક નિવેદન જારી કરીને હુમલાની પુષ્ટિ કરી છે. સેનાએ દાવો કર્યો કે તેમણે આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. 

    - Advertisement -

    પાકિસ્તાનમાં શનિવારે (4 નવેમ્બર) મળસ્કે એક એરબેઝ પર હુમલો થયો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. પાકિસ્તાનના પંજાબ સ્થિત મિયાંવાલી એરફોર્સ સ્ટેશન પર આત્મઘાતી હુમલાખોરો ત્રાટક્યા હતા અને બૉમ્બ અને ગોળીઓ વરસાવ્યાં હતાં. પાકિસ્તાની સેનાએ હુમલાની પુષ્ટિ કરી છે. 

    શનિવારે વહેલી સવારે પાંચથી છ આત્મઘાતી હુમલાખોરો હથિયારો અને ગોળા-બારૂદ સાથે મિયાંવાલી એરબેઝમાં ઘૂસી ગયા હતા અને હુમલો કરી દીધો હતો. જેના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. વીડિયોમાં ગોળીબાર અને બૉમ્બમારાનો અવાજ સાંભળવા મળે છે. ક્યાંથી આગની લપટો પણ જોવા મળે છે. 

    આ હુમલાની જવાબદારી તહરીક-એ-જિહાદ પાકિસ્તાને લીધી છે. બીજી તરફ પાકિસ્તાની સેનાએ પણ એક નિવેદન જારી કરીને હુમલાની પુષ્ટિ કરી છે. સેનાએ દાવો કર્યો કે તેમણે આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. 

    - Advertisement -

    પાકિસ્તાની સેનાના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, 4 નવેમ્બર, 2023ની વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સના મિયાંવાલી ટ્રેનિંગ એર બેઝ પર ‘આતંકવાદી હુમલો’ થયો હતો, પરંતુ સૈનિકોના ‘ત્વરિત અને અસરકારક’ વળતા જવાબના કારણે તેને નિષ્ફળ બનાવી દેવાયો હતો અને સુરક્ષાકર્મીઓ અને સાધન-સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. 

    નિવેદનમાં પાકિસ્તાને સેનાએ 3 હુમલાખોરોને ઠાર કર્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બાકીના 3ને ઘેરી લેવામા આવ્યા હતા. સેના અનુસાર, આ હુમલા દરમિયાન એરબેઝ પર તહેનાત 3 એરક્રાફ્ટ અને એક ફ્યુલ બ્રાઉઝરને નુકસાન પહોંચ્યું હતું. આગળ જણાવ્યું કે ફાઈનલ સર્ચ ઑપરેશન અને કૉમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. 

    બલૂચિસ્તાનમાં માર્યા ગયા હતા પાકિસ્તાની જવાનો 

    આ પહેલાં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના પર હુમલો થયો હતો, જેમાં 14 જવાનો માર્યા ગયા હતા. આ ઘટના શુક્રવારે (3 નવેમ્બર) બની. પ્રાંતના ગ્વાદર જિલ્લામાંથી સેનાનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ હુમલો કરી દીધો હતો અને 2 વાહનોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં પાકિસ્તાની સેનાના 14 સૈનિકોનાં મોત થયાં હતાં. 

    શુક્રવારે જ સવારે ખૈબર પખ્તુનખ્વામાં પોલીસના એક કાફલા પર હુમલો થયો હતો, જેમાં 5 લોકો માર્યા ગયા અને અન્ય 20ને ઈજા પહોંચી હતી. 

    વર્ષોથી આતંકવાદીઓને શરણ આપતા પાકિસ્તાનને હવે તેની જ ભૂલો ભારે પડતી જણાઇ રહી છે. એક તરફ દેશની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે બગડતી જાય છે ત્યારે બીજી તરફ આતંકવાદીઓ છાશવારે હુમલા કરતા રહે છે. ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકીઓ પાકિસ્તાની સેના અને સરકાર સામે વધુ સક્રિય રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં