મોરબીમાં વધુ એક હિંદુ યુવતી દુષ્કર્મનો ભોગ બની છે. આરોપ એક મુસ્લિમ યુવક પર લાગ્યો છે જેણે અપહરણ કરીને યુવતીને લઇ જઇને દુષ્કર્મ કર્યા બાદ માર માર્યો હોવાનું કહેવાય છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો બીજી તરફ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, યુવતી ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી ઇરફાન સુમરાના સંપર્કમાં આવી હતી. જોકે, પછીથી તેના ભાઈને સંબંધોની જાણ થઈ જતાં પૂર્ણવિરામ મૂકાયું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પાંચ વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારથી તે મોરબીમાં પોતાના ભાઈ સાથે રહેતી હતી.
છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ
થોડા સમય પહેલાં તેનો સંપર્ક ઇરફાન સુમરા સાથે થયો હતો પરંતુ પછીથી યુવતીના ભાઈને ખબર પડી જતાં સંપર્ક તૂટી ગયો હતો. યુવતીનો આરોપ છે કે પછી પણ આરોપીએ તેનો પીછો છોડ્યો ન હતો અને વારંવાર પરેશાન કરતો રહેતો હતો. તે મળવા માટે બોલાવતો અને કૉલ પણ કરતો અને જવાબ ન આપે તો રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપતો.
તાજી ઘટનામાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગુરૂવારે (2 નવેમ્બર) ઈરફાન સુમરા યુવતીને બળજબરી કરીને ઉઠાવી લઇ ગયો હતો. તે બાઈક પર આવ્યો હતો અને યુવતીને ધમકાવીને માળિયાના ગ્રામ્ય વિસ્તારમાં એક વાડીએ લઇ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે યુવતીને ધમકાવીને માર મારીને છરીની અણીએ બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આખરે યુવતી તેની જાળમાંથી ભાગી છૂટી અને ત્યાંથી દહીંસરા ગામના રેલ્વે ફાટક પાસે પહોંચી હતી. ત્યાંથી સિક્યુરિટી ગાર્ડનો નંબર લઈને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિજનોએ પહોંચીને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી. બીજી તરફ A ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
સ્થળ પર દોડી ગયા સ્થાનિક MLA-હિંદુ સંગઠનો
મોરબીમાં હિંદુ યુવતી સાથે દુષ્કર્મ અને અપહરણના બનાવની જાણ થતાં હિંદુ સંગઠનો તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ સ્થળ પર દોડી ગયા હતા. ભાજપ ધારાસભ્યે યુવતીના પરિવારને તમામ પ્રકારની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, “છેલ્લા પાંચ-છ મહિનાથી આવા કેસોને શોધી-શોધીને ભોગ બનનારને ન્યાય મળે તે માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. આવાં કોઈ પણ દૂષણનો જેઓ શિકાર બન્યા હોય તેઓ આગળ આવે, તેમને ન્યાય અપાવવા માટે પોલીસ અને સરકાર પડખે ઉભી છે. જે કાયદાકીય પ્રક્રિયા કરવાની થશે તે કરવામાં આવશે. આવા ટાપોરીઓની ધમકીથી ડરવાની કોઇ જરૂર નથી.”
દરમ્યાન જાણવા મળ્યું છે કે આ કેસના આરોપી ઈરફાનના ઘરમાં આગ લાગી ગઈ છે. આ આગ કોણે લગાવી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ લાગ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ આક્રોશિત ગ્રામજનોએ લગાવી કે પછી ઘરના જ કોઈએ સ્ટંટ કરવા માટે ચાંપી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ કરી રહી છે.