રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા બાદ રાજસ્થાન પોલીસની બેદરકારીની ભારે ટીકા થઈ રહી છે, ત્યારે બીજી તરફ ઉત્તરપ્રદેશ પોલીસ ઘણી સતર્ક અને સજ્જ જોવા મળી રહી છે. નોઈડા પોલીસે ગુરુવારે (30 જૂન 2022) સોશિયલ મીડિયા પર ઉદયપુરની ઘટનાનું સમર્થન કરવા બદલ આસિફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી હતી.
ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા કર્યા બાદ હત્યારાઓએ તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ ગયો હતો. આસિફ ખાને ઉદયપુરની ઘટનાનું સમર્થન કરતા આ વિડીયો લાઈક કરીને કૉમેન્ટ પણ કરી હતી અને લખ્યું કે, ‘ખૂબ સારું કામ કર્યું મારા ભાઈ.’ આ કોમેન્ટ ગામલોકોએ જોઈ તો પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ કરી દીધી હતી.
જે બાદ તત્પરતા બતાવતા નોઈડા પોલીસે તરત જ આસિફ ખાનની ધરપકડ કરી લીધી હતી અને તેનો મોબાઈલ પણ જપ્ત કરી લીધો હતો. તેની સામે કલમ 505(2) (વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુશ્મનાવટ પેદા કરવાના હેતુથી જૂઠા નિવેદન, જાહેર અભિપ્રાયનું પ્રસારણ, વગેરે) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્વિટર પર પણ આ ઘટનાની માહિતી આપી છે.
उदयपुर (राजस्थान) की घटना के फेसबुक पर वायरल हो रहे वीडियों पर लाइक व समर्थन कर आपत्तिजनक टिप्पणी करने वाला अभियुक्त गिरफ्तार, कब्जे से प्रयोग में लिया गया मोबाइल फोन बरामद।
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) June 30, 2022
थाना एक्सप्रेस-वे ! pic.twitter.com/76s7KUKZ8g
આસિફ ખાન મૂળ મુઝફ્ફરનગરનો રહેવાસી છે અને તેના પિતાનું નામ યુસુફ ખાન છે. બંને છેલ્લા 25 વર્ષથી છપરોલી ગામમાં રહે છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુધીર કુમારના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
નોઈડા ઝોનના એડિશનલ સીપી રણવિજય સિંહે જણાવ્યું કે થાણા એક્સપ્રેસ વેમાં છપરોલી ગામના ગ્રામજનોએ આ મામલે લેખિત ફરિયાદ આપી હતી. ઉદયપુરની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર વાયરલ થઈ રહ્યો હતો, જેના પર આરોપીએ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
યુપી પોલીસ ઉદયપુરની ઘટના બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને લઈને યુપી પોલીસ સતર્ક થઇ ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડીએસ ચૌહાણે કહ્યું હતું કે રાજ્યમાં પોલીસની તકેદારી વધારવામાં આવી છે. આવી સ્થિતિમાં જો કોઈ સોશિયલ મીડિયા પર કોઈપણ ફેક ન્યૂઝ કે અફવા ફેલાવશે અથવા ભડકાઉ પોસ્ટ પર લાઈક, કૉમેન્ટ કે શેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં ગત 28 જૂનના રોજ કન્હૈયાલાલ નામના હિંદુ વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમણે કથિત રીતે સોશિયલ મીડિયા પર ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરતું સ્ટેટ્સ મૂક્યું હતું, જે બાદ બે ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમની દુકાનમાં ઘૂસીને ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, આ બંનેએ હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને સાથે પીએમ નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી.
હાલ આ બંને હત્યારાઓ જેલમાં છે. ગઈકાલે બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ ઘટનાની તપાસ NIA કરી રહી છે.