IIT-BHU કેમ્પસની એક વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે તે રાત્રિના સમયે ફરવા નીકળી હતી ત્યારે બાઇક પર આવેલા 3 યુવકોએ તેની છેડતી કરી હતી અને કપડાં ઉતારીને વીડિયો બનાવ્યો હતો. ઘટના બાદ તેના વિરોધમાં IIT-BHUના સેંકડો વિદ્યાર્થીઓએ મોટા સ્તરે પ્રદર્શન કર્યું હતું.
સોશિયલ મીડિયા પર અમુક વીડિયો ફરી રહ્યા છે, જેમાં સેંકડો વિદ્યાર્થીઓ હાથમાં બેનરો લઈને ધરણાં પર બેઠેલા જોવા મળે છે. તેમણે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય અપાવવાની અને બહારના તત્વો અંદર ન ઘૂસી આવે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી હતી. આરોપ છે કે આ કૃત્ય બહારના યુવકોનું હતું. જોકે, આરોપીઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
Horrific incident from Varanasi #IITBHU. A girl was molested and forcibly kissed by three unidentified men.
— Ritika Chandola (@RitikaChandola) November 2, 2023
BHU students gathered in a protest outside the director's office.
Strict action must be taken for the security of the students.#Varanasi pic.twitter.com/fo59MHZIDO
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવારે (1 નવેમ્બર) રાત્રે બની હતી. IITની એક વિદ્યાર્થીની પરિસરમાં વૉક પર નીકળી હતી. રસ્તામાં તેનો એક મિત્ર મળી ગયો. બંને ચાલતાં જતાં હતાં ત્યારે વચ્ચે બાઈક પર આવેલા 3 યુવકોએ તેમને રોક્યાં હતાં.
કહેવાય છે કે આ ત્રણેય યુવતી સાથે આવેલા યુવક સાથે મારપીટ કરીને તેને દૂર લઇ ગયા હતા અને ત્યારબાદ યુવતી સાથે છેડતી કરી હતી. એટલું જ નહીં, બળજબરીથી કિસ કરવાના પણ પ્રયાસ કર્યા હતા અને પછીથી કપડાં ઉતારાવ્યાં અને અશ્લીલ તસવીરો લીધી હતી. ત્યારબાદ તેનો મોબાઈલ નંબર લઈને આપત્તિજનક સ્થિતિમાં છોડીને ભાગી ગયા હતા.
ફરિયાદમાં વિદ્યાર્થિનીએ જણાવી આપવીતી
FIRમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, હું મારી હોસ્ટેલ ન્યૂ-ગર્લ્સ IIT BHU કેમ્પસથી નીકળી હતી. જેવી ગાંધી સ્મૃતિ છાત્રાવાસ ચોક પર પહોંચી, ત્યાં મારો મિત્ર મળ્યો. અમે બંને સાથે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં કર્મન બાબા મંદિરથી લગભગ 300-400 મીટર પર એક બાઇક આવી જેની ઉપર 3 લોકો બેઠા હતા. તેમણે પોતાની બાઇક ત્યાં જ ઊભી રાખીને મને અને મારા મિત્રને અલગ કરી દીધા અને પછી મારું મોં દબાવી દીધું.”
તેણે આગળ જણાવ્યું કે, “તેઓ મને ખૂણામાં લઇ ગયા અને પહેલાં કિસ કરી અને પછી મારાં કપડાં ઉતારીને વીડિયો અને ફોટો લીધા. બચાવ માટે મેં બૂમાબૂમ કરી તો મને મારવાની ધમકી આપવામાં આવી અને મારો મોબાઈલ નંબર પણ લીધો અને 10-15 મિનીટ સુધી બંધક બનાવીને રાખી. પછી આપત્તિજનક સ્થિતિમાં છોડી ગયા.”
જાણવા મળ્યા મુજબ, આરોપીઓ યુવતીનો મોબાઈલ પણ સાથે લઇ ગયા હતા અને જતાં-જતાં મારી નાખવાની ધમકી પણ આપી ગયા હતા. પછીથી વિદ્યાર્થીની નજીકના એક પ્રોફેસરના ઘરે મદદ માટે પહોંચી હતી. જેમણે તેને સુરક્ષાકર્મીઓ પાસે પહોંચાડી. જ્યાંથી તે લંકા પોલીસ મથકે ગઈ હતી. ફરિયાદના આધારે લંકા પોલીસ મથકે IPCની કલમ 354, 506 અને IT એક્ટની કલમ 66E હેઠળ FIR દાખલ કરી છે. પોલીસે કહ્યું છે કે, આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને જલ્દીથી જ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવશે.
પોલીસ તપાસ શરૂ, 3 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ
IIT-BHU કેમ્પસમાં વિદ્યાર્થિનીની છેડતી મામલે ઑપઇન્ડિયાએ લંકા પોલીસ મથકે પણ વાત કરી. એક પોલીસ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે, આ મામલે પીડિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરી દેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક તપાસમાં આ બહારના તત્વોનું કામ હોય તેમ લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે અને યુનિવર્સિટીના VC સાથે મુલાકાત કરવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે કેમ્પસની સુરક્ષા વધારવામાં આવે.
અમુક મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પીડિતાએ FIRમાં અમુક આરોપીઓનાં નામો પણ જણાવ્યાં છે પરંતુ ઑપઇન્ડિયાને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, FIR 3 અજાણ્યા ઈસમો સામે દાખલ કરવામાં આવી છે.