દેશભરમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ સરદાર પટેલની યાદમાં ‘રન ફોર યુનિટી’ જેવા કાર્યક્રમો યોજાયા છે. આ જ ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી છે. ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલે જે અમૂલ્ય ફાળો આપ્યો હતો તેના સન્માનમાં દેશભરમાં સરદાર પટેલ જયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિના ભાગરૂપે એકતા દિવસ ઉજવાયો છે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હેલિકોપ્ટર દ્વારા સરદાર પટેલની ભવ્ય પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. PM મોદીએ સરદાર પટેલની પ્રતિમા પર જલાભિષેક પણ કર્યો હતો.
#WATCH | PM Modi pays tributes to Sardar Vallabhbhai Patel on his birth anniversary pic.twitter.com/K2rXhxUcfh
— ANI (@ANI) October 31, 2023
જે બાદ તેમણે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત PM મોદીએ એકતા નગર ખાતે આયોજિત એકતા પરેડ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ દિલ્હી ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બંને નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહે સરદાર પટેલને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે
PM મોદીએ લેવડાવી એકતાની શપથ
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે PM મોદીએ કેવડિયા ખાતેથી દેશને એકતાની શપથ લેવડાવી હતી. તેમજ સુરક્ષા દળોનું અભિવાદન પણ સ્વીકાર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, “સરદાર વલ્લભભાઈ પટેલની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ, જેની સાથે તેમણે રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે અને આપણે હંમેશા તેમના ઋણી રહીશું.”
PM મોદી એકતા પરેડમાં રહ્યા ઉપસ્થિત
PM મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. તેમણે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત તેઓ એકતા નગર ખાતે એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. એકતા નગર ખાતે PM મોદીએ ગુજરાત રાજ્ય પોલીસ દળ અને સીમા સુરક્ષા દળના જવાનોની ટુકડીઓની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. CRPFની 75 મહિલા બાઈકરે પ્રદર્શન રજૂ કર્યું હતું. આ ઉપરાંત તેમણે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે પણ આપી શ્રદ્ધાંજલિ
ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકતા દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 31 ઓક્ટોબરે સવારે અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પર પહોંચ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સરદાર પટેલની જન્મજયંતિ પર ‘રન ફોર યુનિટી’ને લીલીઝંડી આપી હતી.
એકતાની શપથ લેવડાવી આપ્યું હતું સંબોધન
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને એકતાની શપથ લેવડાવી હતી. જે બાદ તેમણે સરદાર પટેલની જન્મજયંતિ પર લોકોને શુભેચ્છા પાઠવીને સંબોધનની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું હતું કે, “આજે આપણાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર પટેલનો 148મો જન્મદિવસ છે. સમગ્ર દેશ 2014થી આ દિવસને એકતા દિવસ તરીકે મનાવે છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે અંગ્રેજો અહીંથી ચાલ્યા ગયા ત્યારે તેમણે દેશને ખંડિત કરીને છોડી દીધો હતો. પરંતુ સ્વતંત્રતાના થોડા દિવસો પછી 550થી વધુ રજવાડાને એકતાના તાંતણે બાંધી ભારતનો નકશો બનાવવાનું વિરાટકાર્ય આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે.”
#WATCH दिल्ली: सरदार वल्लभभाई पटेल की जयंती पर केंद्रीय गृह मंत्री अमित शाह ने कहा, "पूरा देश 2014 से इस दिन को एकता दिवस के रूप में मनाता है। आजादी के बाद अंग्रेज इस देश को खंड-खंड होने के लिए छोड़ कर गए थे, उस वक्त 550 से ज्यादा रियासतों को कुछ ही दिनों में एकता के धागे में… pic.twitter.com/dWR4fcGwOe
— ANI_HindiNews (@AHindinews) October 31, 2023
તેમણે વધુમાં કહ્યું હતું કે, “સરદાર પટેલના ઈરાદાનું પરિણામ છે કે આજે ભારતનો નકશો છે અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત એક છે, જો સરદાર સાહેબ ન હોત તો આપણે અહીં ન હોત.”