વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો રવિવારે (29 ઓક્ટોબરે) 106મો એપિસોડ પ્રસારિત થયો છે. સવારે 11 વાગ્યે PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આકાશવાણી પર ‘મન કી બાત’નું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. લાખો દેશવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ મુદ્દાઓ પર તેમના વિચારો રજૂ કર્યા હતા. રામ મંદિર, આદિવાસી યોદ્ધાઓ, સરદાર પટેલ, મીરાબાઈ, એશિયન ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ અને આત્મનિર્ભર ભારતથી લઈને 31 ઓક્ટોબરે ‘મેરા યુવા ભારત’ સંગઠનનો પાયો નાખવા સુધીની વાતો PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિચારો દેશવાસીઓ સાથે સહજતાથી શૅર કરી શકે એ હેતુથી ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રવિવારે (29 ઓક્ટોબરે) ‘મન કી બાત’નો 106મો એપિસોડ રીલીઝ થયો. આ વખતે PM મોદીએ દેશવાસીઓને તહેવારોની શુભેચ્છાઓ પણ આપી છે. એ ઉપરાંત તેમણે અનેક મહાનુભાવોને યાદ કર્યા, એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ પૂર્ણ કરનારા રમતવીરોની પ્રશંસા કરી, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, આ ઉપરાંત પણ અનેક મહત્વના મુદ્દાઓને વાગોળ્યા હતા.
એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સના ખેલાડીઓને આપી શુભકામનાઓ
PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. સાથે જ ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. સાથે ખેલાડીઓના સંઘર્ષને પણ વાગોળ્યો. PM મોદીએ ખેલાડીઓને અને તેમના માતા-પિતાને અભિનંદન આપ્યાં. નોંધનીય છે કે પેરા ગેમ્સ અને એશિયન ગેમ્સમાં જ્યારે ખેલાડીઓએ મેડલોની સદી પૂર્ણ કરી હતી ત્યારે પણ PM મોદીએ X પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે “આ તહેવારોની મોસમમાં દેશમાં SPORTનો ઝંડો પણ લહેરાયો છે. તાજેતરમાં એશિયન ગેમ્સ બાદ પેરા એશિયન ગેમ્સમાં પણ ભારતીય ખેલાડીઓએ જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે હું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ તરફ પણ તમારું ધ્યાન દોરવા માંગુ છું. હું તમને બધાને પણ વિનંતી કરું છું કે તમે તમારા પરિવાર સાથે તમારા ગામમાં, તમારા ગામની આજુબાજુના વિસ્તારોમાં એવા બાળકો પાસે જાઓ, જેમણે આ રમતમાં ભાગ લીધો હોય અથવા વિજયી બન્યા હોય. તેમને અભિનંદન આપો અને તે બાળકો સાથે થોડી પળો વિતાવો.
વોકલ ફોર લોકલ માટે કરી હાકલ
PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું – “આજે હું તમને ફરી એક વિનંતીનું પુનરાવર્તન કરવા માંગુ છું અને તેને ખૂબ જ આગ્રહપૂર્વક પુનરાવર્તન કરું છું. જ્યારે પણ તમે પર્યટન અથવા તીર્થયાત્રા પર જાવ તો ત્યાંના સ્થાનિક કલાકારો દ્વારા બનાવેલી વસ્તુઓ ચોક્કસ ખરીદો. દર વખતની જેમ આ વખતે પણ આપણા તહેવારોમાં આપણી પ્રાથમિકતા ‘વોકલ ફોર લોકલ’ હોવી જોઈએ અને આપણે સાથે મળીને એ સપનું પૂરું કરીએ, આપણું સપનું છે ‘આત્મનિર્ભર ભારત.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “એવી વસ્તુઓની ખરીદી કરીને તહેવાર મનાવો કે જેમાં દેશવાસીની મહેનત હોય, પરસેવો હોય.” સાથે જ તેમણે ભારતની શાન ગણાતા UPI પેમેન્ટને પ્રોત્સાહન આપવા પણ આહ્વાન કર્યું હતું.
ખાદી વેચાણમાં ભારતે તોડ્યો રેકોર્ડ
PM મોદીએ કહ્યું કે આ મહિનામાં ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એકવાર તેના તમામ જૂના વેચાણના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્હીમાં ખાદીનું રેકોર્ડબ્રેક વેચાણ જોવા મળ્યું હતું. અહીં કનોટ પ્લેસમાં એક જ ખાદી સ્ટોરમાં લોકોએ એક જ દિવસમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો હતો.” તમને બીજી એક વાત પણ જાણવી ગમશે તેમ કહેતાં વડાપ્રધાને ઉમેર્યું કે જ્યાં દસ વર્ષ પહેલાં દેશમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ભાગ્યે જ 30 હજાર કરોડ રૂપિયાથી ઓછું હતું, હવે તે વધીને લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
15 નવેમ્બરે મનાવાશે જનજાતીય ગૌરવ દિવસ
PM મોદીએ કહ્યું કે આખો દેશ 15 નવેમ્બરે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરશે. આ ખાસ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ સાથે જોડાયેલો છે. ભગવાન બિરસા મુંડા આપણા બધાના હૃદયમાં વસે છે. એ ઉપરાંત PM મોદીએ આદિવાસી સમાજનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. પ્રકૃતિની રક્ષાથી લઈને રાષ્ટ્રની રક્ષા સુધીમાં આદિવાસી સમાજનો મહત્વનો ફાળો હતો. તેમણે તમામ આદિવાસી મહાનુભાવોને યાદ કર્યા હતા અને તમામ વિશેની વિશેષતાઓ પણ જણાવી હતી.
મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે ભારતમાં આદિવાસી યોદ્ધાઓનો સમૃદ્ધ ઇતિહાસ છે. આ ભારતની ધરતી પર જ મહાન તિલકા માંઝીએ અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું હતું. આ ભૂમિ પરથી સિધો-કાન્હુએ સમાનતાનો અવાજ ઉઠાવ્યો. અમને ગર્વ છે કે યોદ્ધા તાંત્યા ભીલનો જન્મ અમારી ધરતી પર થયો હતો. અમે બલિદાની વીર નારાયણ સિંહને પૂરા આદર સાથે યાદ કરીએ છીએ, જેઓ મુશ્કેલ સંજોગોમાં પોતાના લોકોની પડખે ઊભા રહ્યા.
ગુરુ ગોવિંદ સિંઘને આપી શ્રદ્ધાંજલિ, માનગઢ નરસંહારનો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે “આવતીકાલે એટલે કે 30મી ઓક્ટોબરે ગોવિંદ ગુરુજીની પુણ્યતિથિ પણ છે. ગુજરાત અને રાજસ્થાનના આપણા આદિવાસી અને વંચિત સમુદાયોના જીવનમાં ગોવિંદ ગુરુજીનું ખૂબ જ વિશેષ મહત્વ છે. હું પણ ગોવિંદ ગુરુજીને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.” એ ઉપરાંત તેમણે ગુરુ ગોવિંદ સિંઘનું જીવન અને તેમના ઉપદેશો વિશે પણ વાત કરી હતી. તેમણે માનગઢ નરસંહારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “નવેમ્બર મહિનામાં આપણે માનગઢ હત્યાકાંડની વર્ષગાંઠ પણ મનાવીએ છીએ. તે નરસંહારમાં વીરગતિ પામેલા ભારત માતાના અમર સંતાનોને હું નમન કરું છું.”
શક્તિપીઠ અંબાજી ખાતે સ્થપાઈ છે જૂની-પુરાણી ચીજોમાંથી બનેલી પ્રતિમાઓ
PM મોદીએ કહ્યું કે “તમે બધાએ ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર વિશે સાંભળ્યું જ હશે. આ એક મહત્વપૂર્ણ શક્તિપીઠ છે, જ્યાં ભારત અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો મા અંબેના દર્શન કરવા આવે છે. અહીં ગબ્બર પર્વત તરફ જવાના માર્ગમાં તમને વિવિધ પ્રકારની યોગ મુદ્રાઓ અને આસનોની મૂર્તિઓ જોવા મળશે. શું તમે જાણો છો આ મૂર્તિઓમાં શું ખાસ છે? વાસ્તવમાં આ ફેંકી દેવાયેલી ચીજોમાંથી બનેલાં શિલ્પો છે, એક રીતે જંકમાંથી બનેલા છે અને જે ખૂબ જ અદભૂત છે. એટલે કે આ મૂર્તિઓ જૂની વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું છે.”
Amba Ji Temple is an important Shakti Peeth, where a large number of devotees from India and abroad arrive to have a Darshan.
— PMO India (@PMOIndia) October 29, 2023
On the way to Gabbar Parvat, there are sculptures of various Yoga postures and Asanas. Here is why these sculptures are special… #MannKiBaat pic.twitter.com/1mY167jpCe
PM મોદીએ અંબાજી ખાતે આવેલી પ્રતિમાઓની વાત કરવા સાથે જણાવ્યું હતું કે “આપણા દેશમાં એવા ઘણા લોકો છે જે વેસ્ટમાંથી આવી કલાકૃતિઓ બનાવી શકે છે. તેથી હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સ્પર્ધા શરૂ કરો અને આવા લોકોને આમંત્રણ આપો. આસામના કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટમાં અક્ષર ફોરમ નામની શાળા સતત બાળકોમાં ટકાઉ વિકાસના મૂલ્યો કેળવવાનું કામ કરી રહી છે.
દેશની માટીથી દિલ્હીમાં બનશે ‘અમૃત વાટિકા’
PM મોદીએ દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે, તાજેતરમાં મેં દેશના દરેક ગામ અને દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાનો આગ્રહ રાખ્યો હતો. દરેક ઘરમાંથી માટી એકત્ર કર્યા બાદ તેને કળશમાં નાખવામાં આવી હતી અને ત્યારબાદ અમૃત કળશ યાત્રાઓ કાઢવામાં આવી હતી. દેશના ખૂણેખૂણેથી એકત્ર કરવામાં આવેલી આ માટી, આ હજારો અમૃત કલશ યાત્રાઓ હવે દિલ્હી પહોંચી રહી છે. તેમણે કહ્યું કે અહીં દિલ્હીમાં તે માટીને વિશાળ ભારત કલશમાં નાખવામાં આવશે અને આ પવિત્ર માટીમાંથી દિલ્હીમાં ‘અમૃત વાટિકા’ બનાવવામાં આવશે.
મહાન સંત મીરાબાઈને કર્યાં યાદ
પીએમ મોદીએ કહ્યું કે દેશ આ વર્ષે મહાન સંત મીરાબાઈની 525મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. તેઓ ઘણાં કારણોસર દેશભરના લોકો માટે પ્રેરણાદાયી શક્તિ રહ્યાં છે. સાદગીમાં કેટલી શક્તિ છે તે આપણે મીરાબાઈના જીવનકાળથી જાણીએ છીએ. હું સંત મીરાબાઈને નમન કરું છું. સાથે જ તેમણે મીરાબાઈ વિશે પ્રેરણાદાયી વાતો પણ કહી હતી. તેમણે કહ્યું હતું, કોઈપણ વ્યક્તિ હોય તે મીરાબાઈમાંથી કંઈક તો શીખી જ શકે છે. કવિતાના ક્ષેત્રમાં પણ તેમણે મહત્વનો ફાળો આપ્યો છે.
PMએ વધુમાં કહ્યું કે, મીરાબાઈ એક મહાન સંત હતાં. દેશભરના લોકોએ તેમના ચારિત્ર્યમાંથી પ્રેરણા લેવી જોઈએ. તે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હતાં. કવયિત્રી હતાં અને સાથે ભક્ત પણ હતાં. તેમણે તેમનું તમામ જીવન કૃષ્ણભક્તિમાં સમર્પિત કરી દીધું હતું.
સરદાર પટેલ જયંતી પર થશે ભવ્ય કાર્યક્રમ, ‘મેરા યુવા ભારત’ સંગઠનનો નખાશે પાયો
MYBharat will provide an opportunity to the youth of India to play an active role in various nation building events. This is a unique effort of integrating the youth power of India in building a developed India. #MannKiBaat pic.twitter.com/lziVSWl2kv
— PMO India (@PMOIndia) October 29, 2023
વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 31મી ઓક્ટોબર આપણા બધા માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે આપણે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવીએ છીએ. આપણે ભારતીયો તેમને ઘણા કારણોસર યાદ કરીએ છીએ અને આદર આપીએ છીએ. સૌથી મોટું કારણ દેશના 562થી વધુ રજવાડાંને જોડવામાં તેમની અજોડ ભૂમિકા છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે 31મી ઑક્ટોબરે, ગુજરાતમાં એકતા દિવસ સાથે સંબંધિત મુખ્ય કાર્ય સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે થાય છે. આ સિવાય દિલ્હીના કર્તવ્ય પથ પર ખૂબ જ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં છેલ્લાં અઢી વર્ષથી ચાલી રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ 31મી ઓક્ટોબરે પૂર્ણ થશે. તમે બધાએ મળીને તેને વિશ્વના સૌથી લાંબા સમય સુધી ચાલનારા મહોત્સવોમાંનો એક બનાવ્યો છે.
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે 31 ઓક્ટોબરે એક ખૂબ જ મોટા દેશવ્યાપી સંગઠનનો પાયો નાખવામાં આવી રહ્યો છે. સરદાર પટેલની જન્મજયંતિના અવસરે સંગઠનનો પાયો નાખવામાં આવી રહ્યો છે. આ સંસ્થાનું ‘મેરા યુવા ભારત’ એટલે કે MyBharat છે. MYBharat સંસ્થા ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક આપશે.