Monday, November 25, 2024
More
    હોમપેજક્રાઈમ'જે આવે તેને જીવતા સળગાવી દઈશ': મોરબીના વાઘપરામાં માથાભારે મોહસીને ચાલુ આરતીએ...

    ‘જે આવે તેને જીવતા સળગાવી દઈશ’: મોરબીના વાઘપરામાં માથાભારે મોહસીને ચાલુ આરતીએ મંદિર પર પથ્થરમારો કર્યો, પૂજારીને હત્યાની ધમકી આપી; ધરપકડ

    પૂજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, "તે મનફાવે એમ ગાળો બોલતો હતો એટલે મેં તેને કહ્યું કે, તું અહીંથી ચાલ્યો જા અને અમને આરતી કરવા દે. ત્યારપછી મેં આરતી શરૂ કરી દીધી. એટલે ઉશ્કેરાઈને તે પથ્થર લઈને મારવા માટે પહેલું પગથિયું ચડ્યો, પણ ભગવાનની કૃપા એટલી કે તે ત્યાં જ પડી ગયો અને પથ્થર પણ તેના હાથમાંથી નીચે પડી ગયો.”

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અનેક જગ્યાએ મંદિરો પર હુમલા થવાની ઘટનાઓ ઘટી છે. તેવામાં હવે મોરબીના વાઘપરામાં રાધાકૃષ્ણ મંદિર અને પૂજારી પર મુસ્લિમ યુવકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મોહસીન નામના આરોપીએ વહેલી સવારે પૂજાના સમયે મંદિરના પૂજારી, તેમના પત્ની અને વૃદ્ધ દર્શનાર્થી પર પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોહસીન અવારનવાર આ પ્રકારની હરકતો કરતો કરતો રહે છે. ઘટનાની જાણ થતાં જ હિંદુ સંગઠનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે મોહસીનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર, મોરબીના વાઘપરા ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર પર શુક્રવારે (27 ઓકટોબર, 2023) વહેલી સવારે મોહસીન નામના મુસ્લિમ યુવકે પથ્થરમારો કર્યો હતો. હુમલા પહેલાં તેણે પૂજારી અને તેમના પત્ની સાથે માથાકૂટ કરી હતી. મોહસીન પૂજારી અને તેમના પત્નીને ગાળો ભાંડીને ધમકીઓ આપી હતી. પૂજારીએ તેને અટકાવતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને તેમના પર પથ્થરના છૂટા ઘા કર્યા હતા. ગભરાયેલા પૂજારી દંપતીએ મંદિરની સ્ટીલની જાળી બંધ કરી દેતાં તેણે મંદિર પર પથ્થરમારો કર્યો હતો.

    “આખું વાઘપરા સળગાવી દઈશ, આજ તને મારી નાંખવો છે”

    મંદિરના પૂજારીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં સમગ્ર મામલે જાણકારી આપી. તેમણે કહ્યું, “સવારે હું અને મારી પત્ની નિત્યક્રમ મુજબ ભગવાનની પૂજા કરવા માટે નીકળ્યા હતા. હું આવતો હતો તો મારી પાછળ તે (મોહસીન) બોલતો-બોલતો આવતો હતો. હું મંદિરની અંદર પ્રવેશ્યો તો તે બહાર ઊભો રહીને બોલવા માંડ્યો.” પૂજારી અનુસાર, તે કહેતો હતો કે, “તારે જેટલા દીવા કરવા હોય તેટલા કરી લે, આજે તને મારી નાખવો છે. વાઘપરા સળગાવી દઈશ.”

    - Advertisement -

    પૂજારીએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “તે મનફાવે એમ ગાળો બોલતો હતો એટલે મેં તેને કહ્યું કે, તું અહીંથી ચાલ્યો જા અને અમને આરતી કરવા દે. ત્યારપછી મેં આરતી શરૂ કરી દીધી. એટલે ઉશ્કેરાઈને તે પથ્થર લઈને મારવા માટે પહેલું પગથિયું ચડ્યો, પણ ભગવાનની કૃપા એટલી કે તે ત્યાં જ પડી ગયો અને પથ્થર પણ તેના હાથમાંથી નીચે પડી ગયો.” તેમણે આગળ કહ્યું કે, “તે બીજો પથ્થર ઉપાડવા માટે ગયો ત્યારે મારી પત્નીએ મને સાવચેત કર્યો હતો પણ આરતી શરૂ થઈ ગઈ હતી એટલે મેં કહ્યું કે તને બીક લાગતી હોય તો તું દરવાજો બંધ કરી દે પણ આરતી બંધ નહીં થાય.” તેમણે ઉમેર્યું કે, આ આપણી પરંપરા છે કે આરતી પછી મૂકી શકાતી નથી એટલે મેં ચાલુ રાખી હતી.

    આરતી દરમિયાન મંદિરમાં મારવામાં આવેલા પથ્થરો

    પથ્થર ફેંકાતા રહ્યા, પણ પૂજારીએ આરતી ખંડિત ન કરી

    પૂજારીએ આગળ જણાવ્યું કે, “આરતી ચાલુ હતી તે સમયે પણ મોહસીને ગાળાગાળી કરીને પથ્થર ફેંકવાના ચાલુ રાખ્યા હતા અને છથી સાત ઘા કર્યા હતા. આરતી પૂર્ણ થઈ ગયા બાદ મેં તેને કહ્યું કે, તારે તકલીફ શું છે? તને હું ઓળખતો નથી. પણ તે એક જ વાત કરતો હતો કે મારે તને આજે મારી નાખવો છે અને વાઘપરા સળગાવી દેવું છે. આ દરમિયાન દરરોજ દર્શને આવતા એક વૃદ્ધ પણ પહોંચ્યા, તેની ઉપર પણ મોહસીને હુમલો કર્યો હતો. તેમને બે પથ્થર વાગ્યા હતા. ત્યારપછી મેં તેમને કહ્યું કે તેઓ ઘરે ચાલ્યા જાય અને ઘરના યુવાનોને મોકલે. જોકે, ત્યાં સુધીમાં આસપાસથી માણસો ભેગા થઈ ગયા હતા અને મોહસીન પણ ભાગી છૂટ્યો હતો. પછીથી અમે પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે તેને પકડી લીધો હતો.”

    પૂજારીએ ઑપઇન્ડિયાને વધુમાં જણાવ્યું કે, મોહસીન તેમને પોલીસ મથકમાં પણ ‘જોઈ લેવાની’ ધમકી આપી હતી. તેમણે જણાવ્યા અનુસાર, મોહસીન વાઘપરા ગામનો જ રહેવાસી છે. જોકે કહ્યું હતું કે, આ પહેલી વખત ઘટના બની હતી. તેમણે કહ્યું કે, આખું ગામ મારી પડખે ઊભું રહ્યું છે અને પોલીસને પણ કહ્યું છે કે જેમ બને તેમ સખત પગલાં લેવામાં આવે. કારણ કે આજે તે પથ્થર લઈને આવ્યો હતો કાલે હથિયારો પણ લઈને આવે. તેમણે એમ પણ ઉમેર્યું કે, ભગવાનની કૃપાના કારણે તેઓ બચી ગયા અને કોઇ મોટી ઘટના ન બની.

    ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મંદિરે દોડી આવ્યા

    સ્થાનિક હિંદુઓ અને સંગઠનો ઘટનાસ્થળે દોડી ગયાં

    મોરબીના મંદિર પર મુસ્લિમ યુવક દ્વારા હુમલો થવાની ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુ સંગઠનોનો પણ સંપર્ક કર્યો હતો. આ મામલે મોરબી જિલ્લા હિંદુ યુવા વાહિનીના પ્રમુખ કમલેશ આહિરે જણાવ્યું હતું કે, “વહેલી સવારે એક સ્થાનિક આગેવાનનો મને ફોન આવ્યો અને ઘટનાની માહિતી મને આપી. ઘટનાની જાણ થયા બાદ હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં જઈને તપાસ કરતા મને મંદિર પરિસર અને આસપાસમાં ઈંટ અને પથ્થરના મોટા-મોટા ટુકડા પડેલા જોવા મળ્યા હતા. પથ્થરમારો કરીને મુસ્લિમ યુવક અન્ય શેરીમાં ભાગી ગયો હતો. મેં તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરી અને પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી.”

    પથ્થરમારો થયો તે વાઘપરાનું રાધાકૃષ્ણ મંદિર

    આ પહેલાં મોહસીને બ્રાહ્મણ પરિવારનું ઘર સળગાવવાનો કર્યો હતો પ્રયત્ન: કમલેશ આહિર

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કમલેશ આહિરે જણાવ્યું હતું કે મોહસીન માથામારે તત્વની છાપ ધરાવે છે. આહિરે દાવો કર્યો હતો કે, તેના વાણીવર્તન ખૂબ કટ્ટર છે અને લોકોમાં પોતાનો ડર બનાવી રાખવા માટે તે ભૂતકાળમાં પણ અનેક વાર ઉત્પાત મચાવી ચૂક્યો છે. તેમણે ઉમેર્યું, “મોહસીને આ પહેલાં એક બ્રાહ્મણના ઘરને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે બ્રાહ્મણ પરિવારના ઘરની બારીમાં આગ લગાવી દીધી હતી. પરંતુ માથાભારે હોવાના કારણે પરિવારે ડરીને કોઈ કાયદેસરની કાર્યવાહી નહોતી કરી. તે નવરાત્રિ દરમિયાન પણ પીધેલી હાલતમાં હિંદુ બહેન-દીકરીઓની છેડતી પણ કરી ચૂક્યો છે પણ ડરના કારણે કોઇ કશું બોલતું ન હતું.”

    નોંધનીય છે કે કમલેશ આહિરે તેવો પણ દાવો કર્યો હતો મોહસીન દારૂ અને ડ્રગ્સનો ધંધો કરે છે. તે પહેલેથી જ ગેરકાયદેસર ધંધાઓ સાથે સંકળાયેલો છે અને આ ઘટના પાછળ તેનો હેતુ મંદિર બંધ કરાવવાનો હોવાનું લાગી રહ્યું છે. મોરબીના વાઘપરામાં રાધાકૃષ્ણ મંદિર અને પૂજારી પર મુસ્લિમ યુવકનો હુમલો થવાની આ ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ IPCની 323, 324, 504, 506(2) સહિતની કલમો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં