‘કૅશ ફૉર ક્વેરી’ કેસમાં લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવાનું સમન્સ મળ્યા બાદ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું છે કે તેઓ કમિટીએ જણાવેલી તારીખે (31 ઓક્ટોબર) હાજર રહી શકે નહીં અને જેથી 5 નવેમ્બર પછીની કોઇ તારીખ આપવામાં આવે.
મહુઆ મોઈત્રા સામે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને ફરિયાદ કર્યા બાદ તેમણે એથિક્સ કમિટી સમક્ષ મામલો મોકલ્યો હતો. હાલ કમિટી આરોપોની તપાસ કરી રહી છે. આ જ ક્રમમાં ગુરૂવારે નિશિકાંત દૂબે અને જે વકીલે આ ખુલાસા કર્યા હતા તે જય અનંત દેહદ્રાઈ કમિટી સમક્ષ હાજર રહ્યા હતા અને નિવેદનો નોંધાવ્યાં હતાં. ત્યારબાદ કમિટીએ મહુઆ મોઈત્રાને સમન્સ મોકલ્યું હતું અને 31 ઓક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું.
મહુઆ મોઈત્રાએ એક પત્ર લખીને કમિટીના અધ્યક્ષ વિનોદ સોનકરને કહ્યું કે 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી તેમના મતવિસ્તારમાં અમુક કાર્યક્રમોમાં ભાગ લેવાનું હોવાના કારણે તેઓ 31 તારીખે દિલ્હીમાં હશે નહીં, જેથી 5 નવેમ્બર પછીની કોઇ તારીખ આપવામાં આવે. તેમણે લખ્યું, “હું પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરું છું, જ્યાં દુર્ગા પૂજા સૌથી મોટો તહેવાર છે. 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી મારા મતવિસ્તારમાં મારા અનેક વિજયાદશમી સંમેલન અને બેઠકોનું પહેલેથી આયોજન કરી રાખવામાં આવ્યું છે, જેથી તેમાં મારે ભાગ લેવો પડશે અને હું 31 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં હોઈશ નહીં.”
Chairman, Ethics Comm announced my 31/10 summons on live TV way before official letter emailed to me at 19:20 hrs. All complaints & suo moto affidavits also released to media. I look forward to deposing immediately after my pre- scheduled constituency programmes end on Nov 4. pic.twitter.com/ARgWeSQiHJ
— Mahua Moitra (@MahuaMoitra) October 27, 2023
તેમણે કહ્યું કે, આ કારણોસર હું વિનંતી કરું છું કે વ્યક્તિગત રીતે હાજર થવા માટે મને 5 નવેમ્બર પછી કમિટીની પસંદનો કોઈ પણ સમય આપવામાં આવે. આ માંગને લઈને કમિટીએ શું જવાબ આપ્યો તે આ લખાય છે તે ક્ષણ સુધી જાણી શકાયું નથી.
મહુઆ મોઈત્રાએ પત્રમાં એમ પણ કહ્યું કે, કમિટીએ ‘નેચરલ જસ્ટિસ’ના સિદ્ધાંતની વિરુદ્ધ કામ કર્યું અને પહેલાં ફરિયાદીઓને બોલાવીને તેમનો પક્ષ જાણ્યો અને પછી કથિત રીતે જેમની ઉપર આરોપ લાગ્યા છે તેમને (મોઈત્રાને) બોલાવવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે (26 ઓક્ટોબર) ભાજપ MP નિશિકાંત દૂબે અને વકીલ જય દેહદ્રાઇએ કમિટી સમક્ષ હાજર રહીને નિવેદનો નોંધાવ્યાં હતાં.
આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે, દર્શન હિરાનંદાનીએ 20 ઓક્ટોબરના રોજ એક એફિડેવિટ દાખલ કર્યું હતું અને ટાઈમ્સ નાઉ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કમિટી સમક્ષ હાજર થવાની તૈયારી પણ દર્શાવી હતી. જેથી તેમણે માંગ કરી છે કે હિરાનંદાનીનું ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવે અને ફાઈનલ રિપોર્ટ તૈયાર કરતાં પહેલાં તેમને પણ બોલાવીને નિવેદનો લેવામાં આવે.