Saturday, September 14, 2024
More
    હોમપેજરાજકારણમહુઆ મોઈત્રાને લોકસભાની એથિક્સ કમિટીનું તેડું, 31 ઓક્ટોબરે હાજર રહેવા ફરમાન: ભાજપ...

    મહુઆ મોઈત્રાને લોકસભાની એથિક્સ કમિટીનું તેડું, 31 ઓક્ટોબરે હાજર રહેવા ફરમાન: ભાજપ MP નિશિકાંત દૂબે અને વકીલ દેહદ્રાઈએ પોતાનાં નિવેદનો નોંધાવ્યાં 

    સમિતિએ મામલાની તપાસ માટે ભાજપ સાંસદ દૂબે અને વકીલ દેહદ્રાઈને પણ તેડું મોકલ્યું હતું અને ગુરૂવારે (26 ઓક્ટોબર) હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેએ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહીને નિવેદનો નોંધાવ્યાં હતાં.

    - Advertisement -

    પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રાને લોકસભાની એથિક્સ સમિતિએ સમન્સ મોકલ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સમિતિએ મહુઆને આગામી 31 ઓક્ટોબરના રોજ (મંગળવાર) હાજર રહેવા માટે જણાવ્યું છે. 

    મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. મહુઆના એક સમયના નજીકના મિત્ર અને વકીલ જય દેહદ્રાઈએ CBIને પત્ર લખીને આ આરોપો લગાવ્યા બાદ ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને ફરિયાદ કરી હતી, જે પછીથી લોકસભાની એથિક્સ કમિટીને મોકલી આપવામાં આવી હતી. એથિક્સ કમિટી આ મામલે તપાસ કરી રહી છે. 

    સમિતિએ મામલાની તપાસ માટે ભાજપ સાંસદ દૂબે અને વકીલ દેહદ્રાઈને પણ તેડું મોકલ્યું હતું અને ગુરૂવારે (26 ઓક્ટોબર) હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેએ સમિતિ સમક્ષ ઉપસ્થિત રહીને નિવેદનો નોંધાવ્યાં હતાં.

    - Advertisement -

    આ અંગે એથિક્સ સમિતિના ચેરમેન અને ભાજપ સાંસદ વિનોદ સોનકરે જણાવ્યું કે, “આજે વકીલ અને નિશિકાંત દૂબે બંનેને બોલાવવામાં આવ્યા હતા અને તેમનો પક્ષ સાંભળવામાં આવ્યો. ત્યારબાદ નક્કી થયું કે મહુઆ મોઈત્રાને 31 ઓક્ટોબરના રોજ સમન્સ પાઠવવામાં આવશે. તેઓ હાજર રહેશે અને પોતાનો પક્ષ મૂકશે. કમિટીએ એવું પણ નક્કી કર્યું છે કે IT મંત્રાલય અને ગૃહ મંત્રાલયને પણ આ અંગે પત્રો મોકલવામાં આવશે.”

    હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું કે પેનલ મોઈત્રા સામે લાગેલા આરોપોને ખૂબ ગંભીરતાથી લઇ રહી છે અને તપાસ કરી રહી છે. 

    શું છે કેસ? 

    TMC સાંસદ મહુઆ મોઈત્રા સામે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટો લઈને સંસદમાં અદાણી જૂથને ટાર્ગેટ કરતા પ્રશ્નો પૂછવાનો આરોપ લાગ્યો છે. પહેલાં વકીલ જય દેહદ્રાઈએ ફરિયાદ કર્યા બાદ તેને આધાર બનાવીને ભાજપ સાંસદ નિશિકાંત દૂબેએ લોકસભા સ્પીકરને પત્ર લખ્યો હતો અને મામલાની જાણ કરીને તેની તપાસ કરાવવા અને તાત્કાલિક મોઈત્રાને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી. 

    બીજી તરફ, મહુઆ મોઈત્રા શરૂઆતથી જ આ આરોપો નકારતાં આવ્યાં છે. પરંતુ બીજી તરફ, જે ઉદ્યોગપતિ પાસેથી પૈસા લેવાનો તેમની ઉપર આરોપ છે તેઓ જ સામે આવી ગયા અને એક એફિડેવિટ દાખલ કરીને આરોપોની પુષ્ટિ કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, મહુઆ મોઈત્રાએ તેમને સંસદના લૉગિન આઈડી અને પાસવર્ડ પણ આપી રાખ્યા હતા, જેથી તેઓ પોતે જ પ્રશ્નો પોસ્ટ કરી શકે. 

    આ બધાની વચ્ચે મહુઆ મોઈત્રાની પાર્ટી TMC તેમને બચાવવામાં ખાસ રસ દાખવી રહી નથી અને ‘આ બાબતનો જવાબ સંબંધિત વ્યક્તિ જ આપશે’ તેમ કહીને હાથ ઊંચા કરી દીધા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં