વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (26 ઑક્ટોબર 2023) ગોવામાં 37મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગોવાના મડગાવ ખાતે 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમત મહાકુંભમાં 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ગોવાની વિન્ડસર્ફર કાત્યા ઇડા કોએલ્હોએ ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાનને મશાલ સોંપી હતી. ગોવાએ આ મહાકુંભનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. સાથે જ આ સમારંભમાં PM મોદીએ ઓલિમ્પિક 2036 બાબતે મોટું નિવેદન પણ આપ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતાની થીમ પર આધારિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 600 કલાકારોએ ભાગ લીધો હતો. મડગાવ ખાતેના પંડિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આયોજિત ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે રમતગમતના ક્ષેત્રમાં ભારતની સફળતા દેશની એકંદર સફળતાથી અલગ નથી. ભારત રમતગમતમાં દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે અને તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે.
Inaugurating the 37th National Games in Goa. It celebrates India's exceptional sporting prowess. https://t.co/X0Q9at0Oby
— Narendra Modi (@narendramodi) October 26, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભાજપ સરકારે ખેલો ઇન્ડિયા સહિત વિવિધ અભિયાનો દ્વારા દેશમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે એક નવી ઈકોસિસ્ટમ બનાવી છે. તેમણે કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશના દરેક ગામડામાંથી પ્રતિભાઓને શોધીને તેમને ઓલિમ્પિક પોડિયમ પર લઈ જવાનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. આજે આખો દેશ તેના સુખદ પરિણામો જોઈ રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધન પહેલાં ગોવાના મડગાવ ખાતે હાજર હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
2036 ઓલિમ્પિકને લઈને આપ્યું નિવેદન
પીએમ મોદીએ કહ્યું, “મેં IOCને ખાતરી આપી છે કે ભારત 2030માં યુથ ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિકની યજમાની કરવા માટે તૈયાર છે… 2036 સુધીમાં ભારત મોટી આર્થિક શક્તિઓમાંની એક બની જશે અને દેશમાં ખૂબ મોટો મધ્યમ વર્ગ હશે. ભારત અવકાશથી લઈને રમતગમત સુધી દરેક જગ્યાએ સફળ થશે… ભારત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા તૈયાર છે અને તેથી જ ત્યાં સુધીમાં ઓલિમ્પિક્સ પણ આપણા માટે સરળ બની જશે.”
#WATCH | On the inauguration of the 37th National Games at Pandit Jawaharlal Nehru Stadium, PM Narendra Modi says, "I have assured the IOC that India is ready to host Youth Olympics in 2030 and Olympics in 2036… By 2036, India will be one of the major economic powers, and there… pic.twitter.com/vueEg5kUQW
— ANI (@ANI) October 26, 2023
આ પહેલી વાર નથી કે પ્રધાનમંત્રી ઓલિમ્પિક 2036 બાબતે કોઇ નિવેદન આપ્યું હોય. તેઓ લાંબા સમયથી ભારતમાં ઓલિમ્પિક રમતો યોજવાના આયોજનમાં છે. અમદાવાદ પણ આ ઓલિમ્પિક રમતો યોજવા માટે કઈ રીતે તૈયાર થઈ રહ્યું છે તે બાબતે અમારો વિશ્લેષણાત્મક લેખ આપણ અહીં વાંચી શકો છો.
નેશનલ ગેમ્સની 37મી આવૃત્તિ 26 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ચાલશે. તેમનું આયોજન ગોવાના પાંચ શહેરો માપુસા, મડગાવ, પણજી, પોંડા અને વાસ્કોમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે ઘણા સ્ટેડિયમને અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન કેમ્પલ ઇન્ડોર સ્ટેડિયમમાં નેટબોલ, કબડ્ડી અને ટેબલ ટેનિસની મેચો રમાશે.
જ્યારે, એથ્લેટિક્સ અને રગ્બી મેચો બામ્બોલિમ એથ્લેટિક્સ સ્ટેડિયમ ખાતે યોજાશે. તમે ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર રાષ્ટ્રીય રમતોનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. તે જ સમયે, પ્રસાર ભારતી પણ આ ગેમ્સને યુટ્યુબ પર ઈ-સ્ટ્રીમ દ્વારા પ્રસારિત કરી રહી છે.