જાણીતા યુટ્યુબર અને બિગબોસ OTT-2ના વિજેતા એલ્વિશ યાદવ પાસે ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનામાં ચોંકાવનારી બાબત તે છે કે આ ખંડણી માંગનાર આરોપી ગુજરાતનો છે. વડનગરના શાકિર મકરાણીએ વોટ્સએપ પર એલ્વિશ યાદવ પાસે 1 કરોડની ખંડણી માંગી હતી. ધમકી અને ખંડણીની માંગ કરતા મેસેજ મળ્યા બાદ એલ્વિશે પોલીસ ફરિયાદ કરી હતી, જે બાદ દિલ્હીની ગુરુગ્રામ પોલીસે ગુજરાત પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી અનુસાર, એલ્વિશ યાદવે ગત 25 ઓક્ટોબર 2023ના રોજ ગુરૂગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલ્વિશે આપેલી ફરિયાદ અનુસાર તેને વોટ્સએપ પર મેસેજ કરીને પહેલાં 40 લાખ અને બાદમાં 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ ગુરૂગ્રામ પોલીસ હરકતમાં આવી હતી અને FIR નોંધ્યા બાદ તાત્કાલિક આરોપીને ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી હતી.
Gurugram Police arrests a man from Gujarat in connection with extortion call to Big Boss OTT 2 winner Elvish Yadav
— ANI (@ANI) October 26, 2023
Varun Dahiya ACP Crime Branch says, "Gurugram Police with cooperation from Gujarat Police has arrested one Shakir Makrani, a resident of Vadnagar. He was… pic.twitter.com/nvEtkjbtRe
આ મામલે ગુરૂગ્રામ ક્રાઈમ બ્રાંચના ACP વરુણ દહિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “એલ્વિશ યાદવ યુટ્યુબર અને બિગબોસ OTT-2ના વિજેતા છે. ગત 25 ઓક્ટોબર 2023ના રોજ તેમણે ગુરૂગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 17 ઓક્ટોબરના આસપાસ તેમને ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. આ મેસેજમાં તેમની પાસે પહેલાં 40 લાખ અને બાદમાં 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ ફરિયાદ મળ્યા બાદ ગુરૂગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.”
આરોપી શાકિર મકરાણી મૂળ ગુજરાતનો રહેવાસી
દહિયાએ વધુમાં જણાવ્યું કે, “FIR બાદ એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી, પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મૂળ ગુજરાતના વડનગરનો રહેવાસી છે. જે બાદ ગુરૂગ્રામ પોલીસે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા અમને પૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો. અમને મળેલા ઈનપુટ અમે ગુજરાત પોલીસ સાથે શૅર કર્યા અને અમારી એક ટીમ તાત્કાલિક ગુજરાત રવાના થઇ હતી. ગુજરાત પોલીસની મદદથી વડનગરના 24 વર્ષીય શાકિર મકરાણીની ધરપકડ કરવામાં અમને સફળતા મળી હતી.”
ઉલ્લેખનીય છે કે આરોપીનું આખું નામ શાકિર જાકિર મકરાણી છે અને ગુજરાતના વડનગરનો રહેવાસી છે. શાકિર મૂળ RTO એજન્ટનું કામ કરે છે. નોંધનીય છે કે એલ્વિશ યાદવ જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર છે, જેઓ તાજેતરમાં જ બિગબોસ શોમાં વિજેતા બનીને ચર્ચામાં રહ્યા હતા. આરોપી પણ એલ્વિશ યાદવની લાઈફસ્ટાઈલથી પ્રભાવિત હતો અને નાની ઉંમરમાં જ રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં તેણે કોઈ રીતે એલ્વિશનો નંબર મેળવ્યો હતો અને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. વડનગરના શાકિર મકરાણીએ એલ્વિશ યાદવ પાસે 1 કરોડની ખંડણી માંગતા હાલ ગુરૂગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.