ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. સોમવારે (27 જૂન 2022) કંપનીની બોર્ડ મિટિંગ યોજાઈ હતી, જેમાં રિલાયન્સ જિયોના બોર્ડે આકાશ અંબાણીને બોર્ડના ચેરમેન નિયુક્ત કરવા માટે મંજૂરી આપી હતી.
કંપનીએ જણાવ્યું કે પંકજ મોહન પવારને આગામી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રમિન્દર સિંહ ગુજરાલ અને કે.વી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની વરણી 27 જૂન 2022ના રોજથી જ પ્રભાવી માનવામાં આવશે. સેબીને આપવામાં આવેલ જાણકારી અનુસાર, મુકેશ અંબાણીએ 27 જૂન 2022 ના રોજ જ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું.
Akash Ambani appointed as chairman of Reliance Jio, Mukesh Ambani resigns as director. pic.twitter.com/xDvtl8WKVh
— ANI (@ANI) June 28, 2022
આકાશ અંબાણી હાલ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા, જેમને હવે ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે. જોકે, મુકેશ અંબાણી ફ્લેગશિપ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ચેરમેન પદે યથાવત રહેશે. રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ સહિત જિયોની ડિજિટલ સર્વિસિઝ બ્રાન્ડ્સના માલિકી હક જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ પાસે છે.
આકાશ અંબાણીને એવા સમયે રિલાયન્સ જિયોના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે જયારે દેશમાં આગામી કેટલાક મહિનામાં 5G નેટવર્ક શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં કંપનીએ ડિજિટલ સેક્ટરમાં અનેક કંપનીઓનું અધિગ્રહણ કર્યું હતું, જેમાં આકાશ અંબાણીએ અગત્યની ભૂમિકા ભજવી હતી. સાથે જ તેઓ નવી ટેક્નોલોજીના વિકાસમાં પણ કંપની સાથે નજીકથી જોડાયેલા રહ્યા હતા. જિયોની 4G ટેક્નોલોજી સાથે જોડાયેલ ડિજિટલ ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં પણ તેમની ભૂમિકા અગત્યની રહી છે.
ગત વર્ષે નવેમ્બરમાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણી આગામી પેઢીને કારોબાર સોંપવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓઇલથી લઈને ટેલિકોમ સુધી ફેલાયેલા આ કારોબાર માટે ઉત્તરાધિકારીમાં મુકેશ અંબાણી સેમ વૉલ્ટન પરિવારનો રસ્તો અપનાવશે. નોંધવું જોઈએ કે દુનિયાના સૌથી મોટા રિટેલ ચેન Walmart Inc ના સ્થાપક સેમ વૉલ્ટને ઉત્તરાધિકાર માટે એક સરળ મોડેલ અખ્તિયાર કર્યું હતું. તેમનો મંત્ર હતો કે, ‘પરિવારને કેન્દ્રમાં રાખવામાં આવે પરંતુ મેનેજમેન્ટ અલગ-અલગ વ્યક્તિને વહેંચી દેવામાં આવે. હવે મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી કમાન પુત્ર આકાશને સોંપી છે.